બે પરિચિતે ચાકુની ધાકે રોકડ લૂંટી, પણ રેલવેમાં લાગેલા એઆઈ કૅમેરાએ મહેનત પર પાણી ફેરવી નાખ્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મીરા રોડમાં લોકોની ભીડવાળા શાંતિ શૉપિંગ સેન્ટરમાં આવેલી પ્લેસમેન્ટ એજન્સીની ઑફિસમાં લૂંટ ચલાવવા માટે મહિલા કર્મચારીએ જ યોજના બનાવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. યોજના મુજબ મહિલા ઑફિસમાં એકલી હતી ત્યારે બે પરિચિત ચાકુની ધાકે રોકડ લૂંટી તો ગયા, પરંતુ રેલવેમાં લાગેલા એઆઈ કૅમેરાએ આખી મહેનત પર પાણી ફેરવી નાખ્યું હતું. પોલીસે લૂંટનું કોકડું ઉકેલી મહિલા કર્મચારી સહિત ત્રણની ધરપકડ કરી હતી.
નયા નગર પોલીસે પકડી પાડેલા આરોપીઓની ઓળખ ઉજમા રિયાઝ ખાન (26), મુજમ્મિલ અબ્દુલ હાફીઝ સિદ્દીકી (20) અને મોહમ્મદ આવેશ મોઈદ્દીન શેખ (26) તરીકે થઈ હતી. તેમની પાસેથી લૂંટની રોકડ 2.94 લાખ રૂપિયા હસ્તગત કરવામાં આવ્યા હતા.
દુબઈમાં ફૂડ ડિલીવરી અને ડ્રાઈવર માટે પ્લેસમેન્ટ કરનારી કંપનીમાં આરોપી ઉજમા ત્રણ વર્ષથી કામ કરતી હતી. દુબઈમાં નોકરી માટે જવા ઇચ્છુકો પાસેથી આ કંપની સર્વિસ ચાર્જ લઈને નોકરી અપાવતી હતી. પરિણામે ઑફિસમાં ક્યારે રોકડ વધુ હોય છે તેની જાણ ઉજમાને હતી. આ કંપનીની ઑફિસ મહિના અગાઉ જ મીરા રોડ સ્ટેશન સામેના શાંતિ શૉપિંગ સેન્ટરમાં શિફ્ટ થઈ હતી.
પોલીસ ફરિયાદ અનુસાર 18 માર્ચની સાંજે બે શખસ ઑફિસમાં ઘૂસ્યા હતા. ચાકુની ધાકે ઉજમાને બાનમાં લઈ ઑફિસનું શટર બંધ કરવામાં આવ્યું હતું. પછી ટેબલના ડ્રોઅરમાંથી 2.94 લાખની રોકડ લૂંટી આરોપી ફરાર થઈ ગયા હતા. લૂંટારા ગયા પછી ઉજમાએ બૂમાબૂમ કરી આજુબાજુની ઑફિસના લોકોને ઘટનાની જાણ કરી હતી. આ પ્રકરણે ઉજમાએ નયા નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ઉજમાએ બન્ને શખસના વર્ણન અને પહેરવેશની માહિતી પોલીસને આપી હતી. પોલીસે શૉપિંગ સેન્ટર બહારનાસીસીટીવી કૅમેરાનાં ફૂટેજ જોઈ માહિતીની ખાતરી કરી હતી. બન્ને શખસ મીરા રોડ સ્ટેશન તરફ જતા નજરે પડ્યા હતા. સિનિયર ઈન્સ્પેક્ટર અમર જગદાળેની ટીમે ચાલાકીથી આરોપીઓનું પગેરું શોધી કાઢ્યું હતું.
લૂંટની યોજના સફળ થયાનું ઉજમાને લાગ્યું હતું, પરંતુ રેલવેમાં લાગેલા અદ્યતન આર્ટિફિશિયલ ઈન્ટલિજન્સ (એઆઈ) કૅમેરાએ આરોપી ક્યાંથી ટ્રેનમાં બેઠા હતા અને કયા સ્ટેશને ઊતર્યા એ બધું દર્શાવી દીધું હતું. કૅમેરાની માહિતી પરથી પોલીસની ટીમ દક્ષિણ મુંબઈના માઝગાંવ પરિસરમાં પહોંચી હતી. કપડાં વેચનારા બન્ને આરોપીને તાબામાં પૂછપરછ કરતાં પોલીસ પણ ચોંકી ગઈ હતી.
લૂંટની યોજના ઑફિસની કર્મચારી ઉજમાએ જ બનાવી હતી. લગ્ન પછી ઉજમા માઝગાંવ પરિસરમાં રહેતી હોવાથી બન્ને આરોપીને ઓળખતી હતી. જોકે પતિથી અલગ થયા પછી ઉજમા મીરા રોડની હોસ્ટેલમાં રહેવા લાગી હતી. ઘટનાને અંજામ આપવાના એક દિવસ અગાઉ મુંબઈમાં મળીને આરોપીઓએ લૂંટને કઈ રીતે અંજામ આપવો એની ચર્ચા પણ કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.