- રાજ ગોસ્વામી
પૂરા દેશે રાજધાની દિલ્હીમાં તાજેતરમાં હજારો વિદ્યાર્થીઓને રસ્તા પર ઊતરતા જોયા. હાથમાં પ્લેકાર્ડ હતા, હોઠ પર સૂત્રોચ્ચાર હતા અને આંખોમાં એક બેચેની હતી. કોઈકે તેમને દેશનું ભવિષ્ય કહ્યા, કોઈકે તેમને ભટકેલા કહ્યા. કોઈ તેમના સમર્થનમાં ઊભા રહ્યા, કોઈ તેમના વિરોધમાં. ટીવી અને સોશ્યલ મીડિયાની સ્ક્રીન પર દેખાતી આ ભીડમાં આપણે ચાલતાં પગ તો જોયા, પરંતુ કદાચ એ વિચારોને ન જોઈ શક્યા, જેણે આ પગને સડકો સુધી પહોંચાડ્યા હતા.
વાસ્તવમાં દરેક અંદોલનની શરૂઆત સડક પર નથી થતી. તે કોઈ યુનિવર્સિટીના દરવાજે નથી હોતી. તે કોઈ નારા કે ભાષણથી પણ શરૂ નથી થતી. તેનો પહેલો પગરવ વ્યક્તિના અંતરઆત્મામાં સંભળાય છે. એક દિવસ કે અચાનક નહીં પણ ધીરે-ધીરે તેની અંદર એક વિચાર જન્મ લે છે- ‘હવે કશુંક બદલાવું જોઈએ.’ બસ.... આ જ એ ક્ષણ હોય છે જ્યારે ઈતિહાસની અસલી શરૂઆત થાય છે.
ઈતિહાસ આપણને આંદોલનોની તારીખ બતાવે છે. ક્યારે રેલી નીકળી હતી, કેટલા લોકો સામેલ થયા હતા, શું માંગણી હતી અને તેનું શું પરિણામ આવ્યું તેની વિગતો આપે છે, પરંતુ નાગરિકોના મનમાં જે વિચારોની, ભાવનાઓની, ચિંતાઓની, નિરાશાઓની લાંબી, મૌન યાત્રા ચાલતી હોય છે, તેની કોઈ કેલેન્ડર નથી હોતું.
એ કોઈ નોંધતું નથી કે ક્યા યુવકે પહેલી વાર ક્યારે મહેસૂસ કર્યું હતું કે તેની ચુપ્પી હવે તેના વિવેકની વિરુદ્ધ જઈ રહી છે. એ કોઈ નથી લખતું કે ક્યા વિદ્યાર્થીએ કેટલી રાતો સુધી તેના મનમાં વાદ-વિવાદ કર્યા હશે અને પછી તે વિરોધ પ્રદર્શન કરવા માટે કૂચમાં જોડાયો હશે.
બહાર દેખાતું આંદોલન હંમેશાં અંદર ચાલતી એક અદૃશ્ય પ્રકિયાનું અંતિમ દૃશ્ય હોય છે.
આપણે ઘણીવાર એવું માની લઈએ છીએ કે ભીડ વ્યક્તિને ઘડે છે, પરંતુ કદાચ સત્ય તેનું ઊલટું છે. ભીડ ત્યારે જ બને છે, જ્યારે અનેક વ્યક્તિઓ અલગ-અલગ જગ્યાએ બેઠા બેઠા લગભગ એકસરખી બેચેની અનુભવવા લાગે. તે એકબીજાને ઓળખતા પણ નથી, છતાં તેમના મનમાં ઊભા થતા પ્રશ્નો એકસરખા હોય છે. પછી એક દિવસ એ જ પ્રશ્નો તેમને એક જ સ્થળે ભેગા કરી દે છે.
કોઈપણ સામાજિક આંદોલનને સમજવું હોય તો સૂત્રોચ્ચાર પહેલાં તેના મૂળમાં રહેલા પ્રશ્નોને સમજવા પડશે.
અહીં એક રસપ્રદ વાત છે. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં અસંખ્ય એવી બાબતો જુએ છે, જેની સાથે તે સહમત નથી હોતી, છતાં મોટા ભાગના લોકો ચુપચાપ દૈનિક જીવન ગુજારતા રહે છે. જાણે તેવો વિચારતા હોય- ‘એમાં મારે શું?’
અથવા ‘હું એકલો શું કરી શકું?’ પણ અમુક લોકો ત્યાં જ થંભી જાય છે, પણ તે જયારે એ પ્રશ્નને પોતાના અંતરમાં સ્થાન આપે છે-તેને દબાવતા નથી, પરંતુ તેની સાથે સંવાદ કરે છે.
અહીંથી જ પરિવર્તનની શરૂઆત થાય છે. તત્ત્વચિંતક સોક્રેટિસ કહેતા હતા કે સમજણ અને આત્મચિંતન વગરનું જીવન જીવવા યોગ્ય નથી. કદાચ એ જ રીતે, પ્રશ્નો વિના કોઈ સમાજ પણ લાંબા સમય સુધી જીવંત રહી શકતો નથી. પ્રશ્નો સમાજના વિરોધમાં નથી હોતા; તે સમાજને જીવંત રાખે છે. જે દિવસે કોઈ સમાજમાં પ્રશ્નો પૂછવાનું બંધ થઈ જાય, એ દિવસે ત્યાં માત્ર વ્યવસ્થા બચી રહે છે, જીવન નહીં.
જોકે તેનો બીજો પાસો પણ એટલો જ મહત્ત્વનો છે. મનમાં જન્મેલો દરેક વિચાર સાચો જ હોય એવું જરૂરી નથી.
દરેક આંદોલન ન્યાયસંગત જ હોય એવું પણ નક્કી નથી. ઇતિહાસમાં એવાં આંદોલનો જરૂર થયાં છે, જેમણે માનવતાને આગળ વધારી છે અને એવાં પણ થયાં છે જેમણે તેને પાછળ ધકેલી છે. એટલે કોઈ પણ આંદોલનનો સૌથી મહત્ત્વનો આધાર તેની જનસંખ્યા નહીં, પરંતુ તેનો નૈતિક આધાર હોય છે.
આંદોલનની પ્રથમ કસોટી રસ્તા પર નહીં, પરંતુ મનની અંદર થાય છે. શું મારો આક્રોશ ન્યાયસંગત છે? શું હું માત્ર ભીડનો હિસ્સો છું કે મારા પોતાના વિવેકનો પણ સક્રિય છે? શું હું માત્ર કોઈ વ્યક્તિના વિરોધમાં ઊભો છું કે કોઈ મૂલ્યના સમર્થનમાં?
આવા પ્રશ્નો જેટલી પ્રામાણિકતાથી પૂછવામાં આવશે, આંદોલન એટલું જ પરિપક્વ બનશે. મહાત્મા ગાંધીજીએ એક વખત કહ્યું હતું કે સાધન અને સાધ્યને અલગ કરી શકાય નહીં. આ માત્ર રાજકીય નિવેદન નહોતું, પરંતુ માણસના અંતરમાં ચાલતી પ્રક્રિયાનું પણ એક સત્ય હતું. જો વિચારમાં કરુણા ન હોય, તો સંઘર્ષમાં પણ કરુણા ટકી ન રહે. જો વિચારમાં સન્માન ન હોય, તો જીત મળ્યા પછી પણ સન્માન બચી ન શકે એટલે દરેક આંદોલનનું મૂલ્યાંકન પહેલાં તેના વિચારોની ગુણવત્તાથી થાય છે, તેની ભીડની સંખ્યાથી નહીં. આજનો સમય એક નવો પડકાર લઈને આવ્યો છે. પહેલાં વિચારો ધીમે ધીમે ઘડાતા હતા. હવે પ્રતિક્રિયાઓ અત્યંત ઝડપથી સર્જાય છે. સોશ્યલ મીડિયા પર એક વીડિયો, એક પોસ્ટ અથવા એક હેશટેગ થોડા જ કલાકોમાં લાખો લોકો સુધી પહોંચી જાય છે. લાગણી વીજળીની ગતિએ ફેલાય છે, પરંતુ વિચારો આજે પણ એ જ જૂની ગતિએ ઘડાય છે.
તેમને સમય જોઈએ, સંવાદ જોઈએ, અસહમતિ જોઈએ અને આત્મમંથન જોઈએ.
જો આપણે પ્રતિક્રિયાને જ વિચાર માની લઈશું, તો આપણાં આંદોલનો પણ ક્ષણિક બની જશે. તે લહેરની જેમ ઊભા થશે અને એટલી જ ઝડપથી શમી જશે. સ્થાયી પરિવર્તન હંમેશાં ગહન વિચારોમાંથી જન્મે છે.
કદાચ એટલા માટે જ વિશ્વના લગભગ દરેક મોટા પરિવર્તનની શરૂઆત કોઈ એકલા વ્યક્તિથી થઈ છે. ભગવાન બુદ્ધે પહેલાં પોતાના અંતરમાં પ્રશ્ન ઉઠાવ્યો. ગાંધીજીએ પહેલાં પોતાના મનમાં અન્યાયનો અનુભવ કર્યો. માર્ટિન લૂથર કિંગ જુનિયરે પહેલાં પોતાના મનમાં સમાનતાનું સ્વપ્ન જોયું. પછી લોકો તેમની સાથે જોડાયા. પહેલાં વિચાર ચાલ્યો, પછી વ્યક્તિ આગળ વધી અને અંતે સમાજ આગળ વધ્યો.
આપણે ઘણીવાર વિચારીએ છીએ કે આંદોલનો લોકોમાં પરિવર્તન લાવે છે, પરંતુ તેનાથી પણ મોટું સત્ય એ છે કે આંદોલનો એવા લોકો દ્વારા સર્જાય છે, જે પોતે પહેલેથી જ બદલાઈ ચૂક્યા હોય છે. રસ્તા પર ઊઠતું દરેક પગલું, મનમાં ઊઠેલા કોઈ પ્રશ્નનો પડઘો હોય છે અને કદાચ એ જ લોકતાંત્રિક સમાજની સૌથી મોટી શક્તિ છે. ત્યાં માત્ર રસ્તાઓ નથી હોતા - ત્યાં એવા નાગરિકો પણ હોય છે, જે સમયાંતરે પોતાના અંતરમાં ઝાંખી કરે છે. તે પોતાના સમય સાથે અસહમતિ પણ વ્યક્ત કરે છે અને તેની પ્રત્યે જવાબદારી પણ અનુભવે છે. તે માત્ર દર્શક બનીને જીવવા માંગતા નથી. આવા નાનાં-નાનાં આંતરિક આંદોલનો જ આગળ જઈને મોટાં સામાજિક પરિવર્તનોનો પાયો બને છે.