Tue Mar 10 2026

Logo

Iran-US/Israel War: મિડલ ઈસ્ટમાં ફસાયા છે તમારા વહાલા? ભારતીય દૂતાવાસે જાહેર કર્યા ઇમરજન્સી નંબર...

1 week ago
Author: tejas rajpara
Article Image

નવી દિલ્હી: મધ્ય પૂર્વમાં ફરી એકવાર વિનાશક જંગ ફાટી નીકળી છે. અમેરિકા અને ઈઝરાયલના સંયુક્ત હુમલાથી ઈરાનમાં વિનાશ વેરાયો છે. ઈરાનની રાજધાની તેહરાન સહિતના પ્રમુખ શહેરોમાં સતત વિસ્ફોટો અને સાયરનનો અવાજ ગુંજી રહ્યા છે. આ ભીષણ સંઘર્ષમાં ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનેઈના મોતના અહેવાલોએ પ્રાદેશિક રાજનીતિમાં મોટો ઉલટફેર કરી દીધો છે. ઈરાન સહિત ખાડી દેશોમાં ઘણા ભારતીય મૂળના લોકો વસે છે. પોતાના સ્વજનની ચિતા દરેકને થાય એટલા જ માટે ઈરાન ઈઝરાયલ અને આસપાસના વિસ્તારોમાં ફસાયેલા લોકો માટે ભારત સરકાર દ્વારા જારી કરાયેલા આ નંબરો પર તાત્કાલિક મદદ માંગી શકાય છે.

ઈરાનમાં સ્થિતિ અત્યંત ગંભીર છે, જ્યાં સુરક્ષા એલર્ટ હાઈ લેવલ પર રાખવામાં આવ્યું છે. તહેરાન સ્થિત ભારતીય દૂતાવાસે તમામ ભારતીય નાગરિકોને ઘરોની અંદર રહેવા અને બિનજરૂરી અવરજવર ટાળવા કડક સૂચના આપી છે. કોઈ પણ કટોકટીના સમયે ઈરાનમાં ફસાયેલા ભારતીયો +989128109115, +989128109109, +989128109102 અને +989932179359 પર સંપર્ક કરી શકે છે. ઈરાને પણ વળતો પ્રહાર કરતા મધ્ય પૂર્વમાં અમેરિકી સૈન્ય મથકોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે, જેના કારણે અનિશ્ચિતતા વધી ગઈ છે.

ઈઝરાયલમાં પણ સ્થિતિ સામાન્ય નથી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂએ આ હુમલાઓને સ્વ-બચાવ અને અસ્તિત્વની રક્ષા માટેનું પગલું ગણાવ્યું છે. તેલ અવીવમાં રહેતા ભારતીય નાગરિકોને સલામત આશ્રયસ્થાન પાસે રહેવા અને સાયરન વાગતાની સાથે જ સુરક્ષિત સ્થળે પહોંચી જવા જણાવાયું છે. ઈઝરાયલમાં મદદ માટે ભારતીય દૂતાવાસના નંબરો +972-54-7520711 અને +972-54-2428378 પર કોલ કરી શકાય છે અથવા cons1.telaviv@mea.gov.in પર ઈમેલ કરી શકાય છે.

ભારત સરકાર મધ્ય પૂર્વના બદલાતા સંજોગો પર સતત નજર રાખી રહી છે. વિદેશ મંત્રાલય દ્વારા તમામ પ્રભાવિત દેશોમાં ભારતીયોની સલામતી સુનિશ્ચિત કરવા માટે સ્થાનિક વહીવટીતંત્ર સાથે સંકલન સાધવામાં આવી રહ્યું છે. લોકોને સોશિયલ મીડિયા પરની અફવાઓથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર દૂતાવાસના સંપર્કોનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે. આ યુદ્ધની સ્થિતિમાં ભારતીયોને વહેલી તકે સુરક્ષિત રીતે વતન પરત લાવવા માટે પણ સંભવિત આયોજન વિચારાઈ રહ્યું છે.