નવી દિલ્હી: મિડલ ઈસ્ટમાં ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવની અસર દેશના અર્થતંત્રમાં પણ જોવા મળી છે. જેમાં એપ્રિલ માસમાં છૂટક ફુગાવામાં 0.08 ટકાનો વધારો જોવા મળ્યો છે. જેમાં ઓક્ટોબર 2025 થી ફુગાવામાં સતત વધારો જોવા મળ્યો છે. ફુગાવામાં વધારો થવાનો આ સતત છઠ્ઠો મહિનો છે. જોકે, ફુગાવાના આંકડા હજુ પણ આરબીઆઇ ના 4 ટકાના અંદાજથી નીચે છે.
ફુગાવામાં વધારા પાછળ ખાદ્ય ફુગાવો મુખ્ય કારણ
દેશમાં છૂટક ફુગાવામાં વધારા પાછળ ખાદ્ય ફુગાવો મુખ્ય કારણ માનવામાં આવે છે, જેમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ઓલ-ઇન્ડિયા કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ ના આધારે, એપ્રિલ 2026 ના મહિના માટે વાર્ષિક ફુગાવાનો દર એપ્રિલ 2025 ની તુલનામાં 4.20 ટકા છે.
ગ્રામીણ અને શહેરી વિસ્તારો માટે અનુરૂપ ફુગાવાનો દર અનુક્રમે 4.26 ટકા અને 4.10 ટકા છે. આનો અર્થ એ થાય છે કે શહેરી વિસ્તારોની તુલનામાં ગ્રામીણ વિસ્તારોમાં ખાદ્ય ફુગાવો વધુ તીવ્ર રીતે વધ્યો છે. માર્ચ મહિનામાં ખાદ્ય ફુગાવો 3.87 ટકા નોંધાયો હતો.
ત્રણ મહિના સુધી છૂટક ફુગાવાનો આંકડો 3 ટકાથી ઉપર
આ અંગે મળતી માહિતી મુજબ એપ્રિલ મહિનામાં દેશમાં છૂટક ફુગાવો વધીને 3.48 ટકા થયો હતો. જ્યારે માર્ચમાં આ આંકડો 3.40 ટકા હતો. જ્યારે ઓક્ટોબર 2025માં દેશમાં છૂટક ફુગાવો ઘટીને 0.25 ટકા થયો હતો. ત્યારથી સતત ફુગાવો વધી રહ્યો છે.
નવેમ્બરમાં ફુગાવો 0.71 ટકા પર પહોંચ્યો હતો. ડિસેમ્બરમાં તે 1.33 ટકા નોંધાયો અને જાન્યુઆરીમાં, છૂટક ફુગાવો 2.74 ટકા જોવા મળ્યો. ત્યારબાદ ફેબ્રુઆરીમાં છૂટક ફુગાવાનો આંકડો વધીને 3.21 ટકા થયો. આનો અર્થ એ થાય કે સતત ત્રણ મહિના સુધી છૂટક ફુગાવાનો આંકડો 3 ટકાથી ઉપર રહ્યો છે.
આ ઉપરાંત નિષ્ણાતોના મતે મિડલ ઈસ્ટમાં કટોકટી લાંબા સમય સુધી ચાલુ રહેશે તો આગામી દિવસોમાં ફુગાવામાં નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે.