- અનુ. આર
મહાનગરોમાં વધતી વસ્તી, ઘરની વધતી કિંમતો અને બદલાયેલી જીવનશૈલીએ લોકોની રહેણીકરણીની રીત બદલી નાખી છે. એક સમય હતો જ્યારે મોટાં ઘર, ખુલ્લું આંગણું અને ઘણા રૂમવાળાં મકાનો ભારતીય પરિવારોનું સ્વપ્ન હતું. પરંતુ આજે મુંબઈ, બેંગલૂરુ, દિલ્હી, હૈદરાબાદ અને પુણે જેવાં મોટાં શહેરોમાં જગ્યાની અછતને કારણે નાની જગ્યામાં આરામદાયક ઘર બનાવવું એક અદ્ભુત કળા બની ગઈ છે. વાસ્તવમાં આ જ કળા અને બદલાતી વિચારસરણીને માઇક્રોલિવિંગ પણ કહેવામાં આવે છે. માઇક્રોલિવિંગ એ એવી ઇન્ટિરિયર આર્ટ છે, જેમાં નાના ફ્લેટને મોટો દર્શાવવાનો ચમત્કાર રહેલો છે.
માઇક્રોલિવિંગનું ચલણ એટલા માટે વધ્યું છે કારણ કે, એક તો, રિયલ એસ્ટેટના ભાવ આસમાને પહોંચ્યા છે. વધુમાં, યુવાન વ્યાવસાયિકો, નવદંપતીઓ અને નાના પરિવારો પ્રમાણમાં નાના ફ્લેટ ખરીદી રહ્યા છે. વર્ક ફ્રોમ હોમ, ડિજિટલ જીવનશૈલી અને મિનિમલિઝમના વધતા ચલણને કારણે લોકો એ વિચારવા માટે મજબૂર થયા છે કે આરામદાયક જીવન માટે બહુ મોટી જગ્યાની જરૂર નથી હોતી. ફર્નિચર નાનું હોય, સામાન વ્યવસ્થિત હોય અને ઘરમાં લાઇટિંગ વ્યવસ્થા એવી હોય કે ઘર નાનું હોવા છતાં મોટું દેખાય. તેથી માઇક્રોલિવિંગ એ માત્ર નાના ઘરને મેનેજ કરવું જ નથી, પરંતુ પોતાની વિચારસરણીને પણ સ્માર્ટ, અનુકૂળ અને કરકસરયુક્ત બનાવી છે.
આજે બજારમાં એવા સોફા, બેડ, સ્ટોરેજ બેડ, ફોલ્ડિંગ ડાઇનિંગ ટેબલ અને વોલ માઉન્ટેડ ડેસ્ક ઉપલબ્ધ છે, જે આપણી જરૂરિયાતો પૂરી કરે છે. ઉદાહરણ તરીકે, જે દિવસ દરમિયાન સોફા હોય તે રાતે આરામદાયક પલંગ બની શકે છે. સ્માર્ટ ઇન્ટિરિયર ફર્નિચરની સાથે સાથે દીવાલો પર પણ જાદુ કરે છે. નાના ફ્લેટમાં ફ્લોરની જગ્યા મર્યાદિત હોય છે, તેથી ડિઝાઇનર્સ દીવાલોનો મહત્તમ ઉપયોગ કરવાની સલાહ આપે છે. અન્ય ઘણી રીતો દ્વારા પણ નાનાં ઘરોને મોટાં અને આરામદાયક દર્શાવી શકાય છે.