અમદાવાદઃ શહેરમાં ઓનલાઈન ઓર્ડરમાં વેજના બદલે ચિકન બર્ગર મોકલવા બાદ મેકડોનાલ્ડ્સ રેસ્ટોરેન્ટને રાતોરાત સીલ કરવામાં આવી હતી. ગ્રાહકે ફરિયાદ નોંધાવતાં ગણતરીના જ કલાકોમાં તંત્રએ આ કાર્યવાહી કરી હતી.
શું છે મામલો
શહેરના નરોડા વિસ્તારમાં રહેતા એક યુવકે હંસપુરા નજીક આવેલી મેકડોનાલ્ડ્સમાંથી વેજ બર્ગરનો ઓનલાઈન ઓર્ડર કર્યો હતો. રેસ્ટોરન્ટે યુવકને નોન વેજ બર્ગરનું પાર્સલ મોકલ્યું હતું. ડિલિવરી લીધા બાદ જ્યારે યુવકે પાર્સલ ખોલ્યું તો ચિકન બર્ગર ચોંકી ગયો હતો.
જે બાદ યુવક તાબડતોડ રેસ્ટોરન્ટ પર પહોંચ્યો હતો અને રજૂઆત કરી હતી. જેથી મેકડોનાલ્ડ્સના ફ્રેન્ચાઈઝીધારકે પોતાની ભૂલ સ્વીકારી હતી અને યુવકને શાંત પાડ્યો હતો. જે બાદ યુવકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ કરી હતી. જેના આધારે ટીમ પહોંચી હતી અને રેસ્ટોરન્ટને સીલ કરી હતી.
થોડા દિવસ પહેલા શહેરના ઘોડાસર વિસ્તારમાં આવેલી મુરલીધર રેસ્ટોરન્ટમાં ભાજીપાંવમાંથી જીવાત નીકળ્યાનો આક્ષેપ એક ગ્રાહકે કર્યો હતો. ગ્રાહક દ્વારા બનાવવામાં આવેલો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો હતો. ગ્રાહક રેસ્ટોરન્ટમાં ભાજીપાંવ ખાઈ રહ્યો હતો ત્યારે તેમાં જીવાત જોવા મળી હતી. આ અંગે ગ્રાહકે રેસ્ટોરન્ટ સંચાલકોને જાણ કરી હતી અને બાદમાં સ્થળ પર હોબાળો પણ થયો હતો. ગ્રાહકનો આક્ષેપ છે કે આ બાબતે દુકાનદાર દ્વારા યોગ્ય જવાબ આપવામાં આવ્યો નહોતો અને ઉદ્ધત વર્તન કરવામાં આવ્યું હતું. વીડિયો વાયરલ થયા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની ટીમ સક્રિય થઈ હતી અને રેસ્ટોરન્ટની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સ્વચ્છતાના નિયમોમાં ખામીઓ મળી આવતા રેસ્ટોરન્ટ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. AMC ફૂડ વિભાગ દ્વારા રેસ્ટોરન્ટને રૂ. 25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.