Sat Sep 05 2026

Logo

જનતા ભાજપની ગુલામ નથી, હવે પરિવર્તન નક્કી છેઃ રાજકોટમાં મનીષ સિસોદિયાનું નિવેદન

2026-04-24 13:22:00
Author: Mayur Patel
જનતા ભાજપની ગુલામ નથી, હવે પરિવર્તન નક્કી છેઃ રાજકોટમાં મનીષ સિસોદિયાનું નિવેદન

રાજકોટઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થવાને હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે. તમામ રાજકીય પક્ષોએ મતદારોને આકર્ષવા છેલ્લા દિવસે રેલીનું આયોજન કર્યું હતું. આ દરમિયાન આમ આદમી પાર્ટી દિગ્ગજ નેતા અને પંજાબના પ્રભારી મનીષ સિસોદિયાની રાજકોટ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં 'આપ'ના નેતાએ ભાજપ સરકાર પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું, ભાજપ પ્રજાને ગુલામ માને છે અને આ વખતે પ્રજા જવાબ આપવા આતુર છે.

બીજું શું બોલ્યા મનીષ સિસોદિયા

આ ઉપરાંત મનીષ સિસોદિયાએ કહ્યું, લોકો ભાજપથી કંટાળી ગયા છે. પરિવર્તન આવશે  તેવો વિશ્વાસ છે. TRP ગેમ ઝોનમાં 27 લોકોના મૃત્યુ થયાં હતાં જેના માટે જવાબદાર ભાજપના પદાધિકારીઓને કોઈ સજા થઈ નથી. લોકોએ આપને મત આપવા માટે મન બનાવી લીધું છે. 

 

સિસોદિયાએ હવાલાકાંડમાં ભાજપના નેતાઓ સામેલ હોવાનો વળતો પ્રહાર કરીને આખા દિવસના સીસીટીવી જાહેર કરવા પડકાર પણ ફેંક્યો હતો. સાથે જ સામાન્ય જનતા ભાજપથી ત્રાસી ગઈ હોવાનું જણાવી આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી એક મજબૂત વિકલ્પ તરીકે ઉભરી પૂર્ણ બહુમત સાથે સત્તા હાંસલ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ ઉપરાંત સિસોદિયાએ કહ્યું, ગુજરાતમાં 30 વર્ષથી કોઈ મજબૂત વિકલ્પ રહ્યો નથી અને કોંગ્રેસના ઉમેદવારો પણ ભાજપના હેડ ક્વાર્ટરથી નક્કી થતા હતા. હવે, ગુજરાતની જનતા પણ ભાજપના કુશાસન અને સરમુખત્યારશાહીથી કંટાળી ગઈ છે. આ વખતે બદલાવ નિશ્ચિત છે.