Mon Oct 05 2026

Logo

હેં, બોલો ભારતના આ રાજ્યમાં રૂપિયા 450 કિલોના ભાવે વેચાઈ રહી છે સાકર, કારણ જાણીને ચોંકી ઉઠશો...

2026-09-19 12:18:00
Author: Darshana Visaria
હેં, બોલો ભારતના આ રાજ્યમાં રૂપિયા 450 કિલોના ભાવે વેચાઈ રહી છે સાકર, કારણ જાણીને ચોંકી ઉઠશો...

નોર્થ ઈસ્ટ રાજ્ય મણિપુરના કાંગપોકપી જિલ્લામાં સામાન્ય નાગરિકો માટે રોજિંદી જીવનજરૂરી ચીજવસ્તુઓ ખરીદવી એ એક મોટો પડકાર બની ગઈ છે. છેલ્લા કેટલાક સપ્તાહોથી મુખ્ય નેશનલ હાઈવે પર ચાલી રહેલી નાકાબંધીના કારણે આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે, જેની સીધી અસર સ્થાનિક બજારોમાં ભાવો પર પડી છે. 

મણિપુરમાં પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે અહીં ખાંડ રૂપિયા 450 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે, જ્યારે પેટ્રોલ, ચોખા અને એલપીજી સિલિન્ડરના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. સ્થાનિક બજારોમાં સામાનની ભારે તંગી સર્જાવાને કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

હાઈવે નાકાબંધી પાછળનું કારણ અને સપ્લાય ચેઈન ઠપ:
કાંગપોકપી જિલ્લો મુખ્યત્વે બે મોટા નેશનલ હાઈવે NH-2 અને NH-37 પર નિર્ભર છે, જે તેને ઇમ્ફાલ, નાગાલેન્ડના દીમાપુર અને અસમ સાથે જોડે છે. નાગા જૂથ દ્વારા આ બંને હાઈવે પર નાકાબંધી કરી દેવામાં આવતાં ટ્રકો મારફતે આવતો માલસામાન પહાડી વિસ્તારો સુધી પહોંચતો સાવ બંધ થઈ ગયો છે.

આ તાજી નાકાબંધી મે, 2026માં શરૂ થઈ હતી, જ્યારે કાંગપોકપી વિસ્તારમાં ત્રણ થાડૌ સમુદાયના પાદરીઓની હત્યા બાદ તણાવ વધી ગયો હતો. તેના પરિણામે કુકી અને નાગા સમુદાયો વચ્ચેનો જાતીય સંઘર્ષ વધુ ઘેરો બન્યો અને હાઈવે બંધ કરી દેવાયા. અગાઉ પણ આવા તણાવના કારણે વારંવાર નાકાબંધી કરવામાં આવી છે, જેનો ભોગ હંમેશાં સામાન્ય પ્રજા બની રહી છે.

જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો:
ખાંડ: સામાન્ય દિવસો કરતા અનેક ગણા વધારા સાથે રૂપિયા 450 પ્રતિ કિલો વેચાઈ રહી છે.
પેટ્રોલ: બજારમાં પેટ્રોલનો ભાવ આશરે રૂપિયા 250 પ્રતિ લિટર સુધી પહોંચી ગયો છે.
એલપીજી સિલિન્ડર: એક રાંધણગેસ સિલિન્ડર માટે લોકોને રૂપિયા 5000થી રૂપિયા 6000 સુધી ચૂકવવા પડી રહ્યા છે. પરિણામે, ગેસ ન મળવાને કારણે અનેક પરિવારો લાકડાં સળગાવીને ચૂલા પર રસોઈ બનાવવા લાચાર બન્યા છે.
ચોખા: ચોખાની 50 કિલોની ગુણીનો ભાવ સામાન્ય કરતા વધીને લગભગ રૂપિયા 3000 જેટલો થઈ ગયો છે.

વહીવટી તંત્ર અને સુરક્ષા દળોના પ્રયાસો:
સ્થાનિક સંગઠનો અને સિવિલ સોસાયટી જૂથ દ્વારા કેન્દ્ર તેમ જ રાજ્ય સરકારને અપીલ કરવામાં આવી છે કે વહેલી તકે હાઈવેને નાકાબંધી મુક્ત કરાવવામાં આવે જેથી નિયમિત સપ્લાય શરૂ થઈ શકે. સુરક્ષા દળોના કડક સુરક્ષા કવચ હેઠળ મર્યાદિત સંખ્યામાં ટ્રકોને અંદર મોકલવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ તે સપ્લાય સમગ્ર જિલ્લાની જરૂરિયાત સામે ઘણી ઓછી સાબિત થઈ રહી છે.