Sun Jun 28 2026

Logo

સીએસએમટી નજીક હાથમાં કોયતો લઇને રાહદારીઓને ધમકાવનારો શખસ પકડાયો

2026-06-28 18:06:42
Author: Yogesh D. Patel
Article Image

મુંબઈ: દક્ષિણ મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) નજીક પત્ની સાથે ઝઘડો થયા બાદ હાથમાં કોયતો લઇ ત્યાંથી પસાર થનારા રાહદારીઓને ધમકાવનારા અને પત્નીને મારવાનો પ્રયાસ કરનારા શખસને પોલીસે પકડી પાડ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર સીએસએમટી નજીક શનિવારે સાંજે આ ઘટના બની હતી. આરોપી હાથમાં કોયતો લઇને રાહદારીઓને ધમકાવી રહ્યો હતો અને ધીંગાણું કરી રહ્યો હતો. આની જાણ થતાં એમઆરએ માર્ગ પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી, જ્યા શખસ કોયતા સાથે નજરે પડ્યો હતો, જે તેની સાથે આવેલી મહિલાને મારવાનો પ્રયાસ કરી રહ્યો હતો, એમ પોલીસે કહ્યું હતું.

દરમિયાન પોલીસ કમિશનરની ઓફિસમાં કાર્યરત કોન્સ્ટેબલ યશવંત ગાડે કામે જઇ રહ્યો હતો ત્યાર તેણે શખસને કોયતા સાથે જોયો હતો. ગાડે એ શખસની નજીક પહોંચ્યો હતો અને પાછળથી તેને પકડી પાડ્યો હતો તથા તેના હાથમાંથી કોયતો છીનવી લીધો હતો અને મહિલાનો છુટકારો કરાવ્યો હતો. શખસને એમઆરએ માર્ગ પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. 

પોલીસે મહિલાની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે એ શખસ તેનો પતિ છે અને તેઓ ફરવા માટે મુંબઈ આવ્યાં હતાં. જોકે નજીવી બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો ત્યારે લોકોએ મધ્યસ્થી કરી હતી અને બંનેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. આથી રોષે ભરાયેલા શખસે બેગમાંથી કોયતો કાઢ્યો હતો અને લોકોને ધમકાવવાનું શરૂ કર્યું હતું.

(પીટીઆઇ)