Mon May 04 2026

Logo

દીદીનો ગઢ ધ્વસ્ત! પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની હાર, સુવેન્દુ અધિકારી ફરી બન્યા 'જાયન્ટ કિલર'

2026-05-04 21:53:53
Author: Devayat Khatana
Article Image

કોલકાતા: વર્ષ 2026ની વિધાનસભાઓની ચૂંટણીના પરિણામો ખૂબ જ ચોંકાવનારા રહ્યા છે. તમિલનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટાલિનની હાર બાદ પશ્ચિમ બંગાળની ભવાનીપુર વિધાનસભા બેઠક પર રાજકીય ઇતિહાસનો સૌથી મોટો ઉલટફેર જોવા મળ્યો છે. રાજ્યના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીને આ બેઠક પર કરારી હારનો સામનો કરવો પડ્યો છે. ભાજપના ઉમેદવાર સુવેન્દુ અધિકારીએ તેમને 15105 થી વધુ મતોના અંતરથી પરાજય આપ્યો છે. મતગણતરી દરમિયાન શરૂઆતથી જ બંને નેતાઓ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી, પરંતુ અંતિમ રાઉન્ડ સુધીમાં સુવેન્દુ અધિકારીએ પોતાની પકડ મજબૂત કરી લીધી હતી. આ હાર બાદ મમતા બેનર્જીએ ભાજપ અને ચૂંટણી પંચ પર મિલીભગતનો ગંભીર આરોપ લગાવ્યો છે.

ભવાનીપુર બેઠક પર કુલ 20 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થયા બાદ સત્તાવાર આંકડાઓ સામે આવ્યા છે. ભાજપના સુવેન્દુ અધિકારીને કુલ 73917 મત મળ્યા છે, જ્યારે મમતા બેનર્જીના ફાળે 58812 મત આવ્યા છે. આમ, મુખ્ય પ્રદાન મમતા બેનર્જી 15105 મતોથી ચૂંટણી હારી ગયા છે. નોંધનીય છે કે અગાઉની સામાન્ય ચૂંટણીમાં પણ સુવેન્દુ અધિકારીએ જ નંદીગ્રામ બેઠક પર મમતા બેનર્જીને હરાવ્યા હતા, ત્યારબાદ મમતા બેનર્જીએ ભવાનીપુરની પેટાચૂંટણી લડીને વિધાનસભામાં પ્રવેશ મેળવ્યો હતો, પરંતુ આ વખતે ત્યાં પણ તેમને હારનો સ્વાદ ચાખવો પડ્યો છે.

ચૂંટણીના પરિણામો જાહેર થતાની સાથે જ ભવાનીપુરના કાઉન્ટિંગ સેન્ટરની બહાર ભારે તણાવની સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે મમતા બેનર્જી પોતે કેન્દ્ર પર પહોંચ્યા ત્યારે વાતાવરણ વધુ ગરમાયું હતું. બીજી તરફ, નંદીગ્રામ (બેઠક ક્રમાંક 210) ના આંકડા પણ ભાજપના પક્ષમાં રહ્યા છે. ત્યાં ભારતીય જનતા પાર્ટીના સુવેન્દુ અધિકારીને કુલ 1,27,301 મતો મળ્યા હતા, જ્યારે ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસના પવિત્ર કરને 1,17,636 મતો પ્રાપ્ત થયા હતા. આમ, નંદીગ્રામમાં પણ સુવેન્દુ અધિકારીએ 9,665 મતોની સરસાઈ સાથે જીત મેળવી ભાજપનો ગઢ જાળવી રાખ્યો છે.