Wed May 06 2026

Logo

બંગાળમાં TMCની હાર બાદ મમતા બેનર્જીની સુરક્ષામાં મોટો કાપ, એડવોકેટ જનરલનું રાજીનામું

2026-05-06 14:05:00
Author: Savan Zalariya
Article Image

કોલકાતા: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) ની કારમી હાર થઇ છે, રાજ્યમાં પહેલી વાર ભારતીય જનતા પાર્ટી(BJP)ની સરકાર બનવા જઈ રહી છે. બુધવારે સવારે મુખ્યપ્રધાન મમતા બેનર્જી અને તેમના ભત્રીજા અભિષેક બેનર્જીના નિવાસસ્થાનોની બહાર સુરક્ષા વ્યવસ્થા ઘટાડી દેવામાં આવી હતી.

અહેવાલ મુજબ બુધવારે સવારે 6.30 વાગ્યાથી કોલકાતામાં આવેલા ત્રણ પરિસર – 118A હરીશ ચેટર્જી, 121 કાલીઘાટ રોડ અને 9 કેમેક સ્ટ્રીટની બહાર પોલીસ બંદોબસ્ત ઘટાડી દેવામાં આવ્યો છે. મંગળવારે બેરીકેડ જેવી કેટલીક સુરક્ષા વ્યવસ્થા દુર કરીને મેન્યુઅલ રેલિંગ લાગુ કરવામાં આવી હતી.
 
118A હરીશ ચેટર્જી મમતા બેનર્જીનું નિવાસસ્થાન છે, જ્યારે 121 કાલીઘાટ રોડ TMC  પાર્ટીની હેડ ઓફીસ છે. 9 કેમેક સ્ટ્રીટ અભિષેક બેનર્જીની ઓફીસ છે.

Z+ સુરક્ષા લાગુ રહેશે:
એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, તેમને ફક્ત Z+ સુરક્ષા વ્યવસ્થા મળશે. Z+ સુરક્ષા ઉપરાંત તૈનાત કરવામાં આવેલા વધારાના પોલીસ કર્મચારીઓને પાછા ખેંચી લેવામાં આવ્યા છે. કોલકાતા પોલીસના જોઈન્ટ કમિશનર (હેડ ક્વાટર) દ્વારા સુરક્ષા કવચ ઘટાડવાનો આદેશ આપતો ઇન્ટરનલ મેમો જાહેર કરવામાં આવ્યો હતો.

સિઝર બેરીકેડ હટાવવામાં આવ્યા:
પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ કાલીઘાટ વિસ્તારમાં મમત બેનર્જીના નિવાસસ્થાનથી લગભગ 200 મીટર આગળ લગાવવામાં આવેલા સિઝર બેરીકેડ જેવી કેટલીક હાઇ-ટેક સુરક્ષા વ્યવસ્થા મંગળવારે દૂર કરવામાં આવી હતી. મશીન દ્વારા ઓપરેટ થતા સિઝર બેરીકેડ સામાન્ય રીતે હાઈ-સિક્યોરિટી ઝોનમાં ગોઠવવામાં આવે છે, જેની જગ્યાએ હવે મેન્યુઅલ ગાર્ડ રેલ ગોઠવવામાં આવ્યા છે.

એડવોકેટ જનરલનું રાજીનામું:
આ દરમિયાન, રાજ્યના એડવોકેટ જનરલ કિશોર દત્તાએ પણ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ આર.એન. રવિને પોતાનું રાજીનામું મોકલી દીધું છે. દત્તા ડિસેમ્બર 2023 થી રાજ્ય સરકારના એડવોકેટ જનરલ પદ પર હતા.