Sat May 02 2026

Logo

સુરતના યોગ ગુરુ પ્રદિપ જોટાંગિયાની તપાસમાં મોટો ઘટસ્ફોટ, દાનના પૈસાથી ચીનથી મંગાવ્યું હાઈટેક પ્રિન્ટર

2026-03-25 11:20:00
Author: Mayurkumar Patel
Article Image

સુરત: નકલી નોટ કૌભાંડમાં પકડાયેલા સુરતના કહેવાતા યોગ ગુરુ પ્રદીપ જોટાંગિયા અને સાગરિતોની તપાસ ચાલી રહી છે. જેમાં રોજબરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. લોકોએ આપેલા દાનનો ઉપયોગ પ્રદીપ જોટાંગિયાએ નકલી નોટનું નેટવર્ક ઉભું કરવા માટે કર્યો હતો.  ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવેલી વિગત પ્રમાણે, ફેબ્રુઆરી 2026 માં જોટાંગિયા નકલી નોટો છાપવા માટે વપરાતું હાઈટેક પ્રિન્ટર મેળવવા ચીન ગયો હતો.  યોગ સેન્ટરમાં દાન પેટે આવેલા કરોડો રૂપિયા આ ગેરકાયદેસર કામગીરીમાં ખર્ચવામાં આવ્યા હતા.

મેળવવામાં આવ્યા બેંક સ્ટેટમેન્ટ

ક્રાઈમ બ્રાન્ચે જોટાંગિયાના વ્યક્તિગત એકાઉન્ટ અને યોગ સેન્ટરના એકાઉન્ટના વર્ષ 2020 થી અત્યાર સુધીના બેંક સ્ટેટમેન્ટ મેળવ્યા છે. સૂત્રોએ અમે બંને એકાઉન્ટ્સની તપાસ કરી રહ્યા છીએ.  યોગ સેન્ટરને કુલ કેટલું દાન મળ્યું હતું અને તેમાંથી યોગ ગુરુએ કેટલી રકમ ઉપાડી હતી તે જાણવાનો અમારો હેતું છે. 

પ્રિન્ટર મોકલનાર ચીનનો એજન્ટ કોણ?

ચીનમાં જોટાંગિયાએ એક ચીની એજન્ટ સાથે મુલાકાત કરી હતી. ત્યાંથી હાઈટેક પ્રિન્ટર ખરીદીને ગુજરાત મોકલવામાં આવ્યું હતું. તપાસકર્તાઓ અત્યારે શિપમેન્ટ રેકોર્ડ્સના આધારે આ પ્રિન્ટર કોણે મોકલ્યું હતું તે જણાવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમદાવાદમાં નકલી નોટોનો આ જથ્થો કોણ મેળવવાનું હતું તે બાબતે આરોપીઓ અત્યારે મૌન સેવી રહ્યા છે.

હવે તપાસ ડિજિટલ સ્તરે પહોંચી છે. સિનિયર અધિકારીના જણાવ્યા મુજબ, કોલ ડિટેલ રેકોર્ડ્સ ઉપરાંત આરોપીની IPDR વિગતો પણ મેળવવામાં આવી રહી છે. જે ઓનલાઈન પોર્ટલ પરથી સિક્યોરિટી ફીચર ધરાવતા કાગળ મંગાવવામાં આવ્યા હતા તેની પણ તપાસ ચાલી રહી છે. નકલી નોટ છાપવા માટેનું મટીરિયલ સ્ટેશનરીના નામે ભારતમાં કેવી રીતે ઘૂસાડવામાં આવ્યું તે જાણવા માટે શિપમેન્ટના સીસીટીવી ફૂટેજ પણ મંગાવવામાં આવ્યા છે.

3 મહિનામાં કરોડોની નોટો છાપી

આ રેકેટ દ્વારા છેલ્લા ત્રણ મહિનામાં અંદાજે 2.5 કરોડથી 3 કરોડ રૂપિયાની નકલી નોટો છાપવામાં આવી હોવાની શંકા છે. દરોડા દરમિયાન લેપટોપ, કલર પ્રિન્ટર, પેપર કટર, કાર્ટ્રિજ અને અર્ધ-છપાયેલી નોટો સાથે આયાતી કાગળનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યા મુજબ, આરોપીઓએ ટ્રાયલ તરીકે સુરતમાં કેટલીક નકલી નોટો બજારમાં ફેરવી પણ દીધી હતી. 

જીવતો હતો વૈભવી લાઈફ સ્ટાઈલ

પ્રદીપ જોટાંગિયાની ધરપકડ બાદ તેની વૈભવી લાઈફ સ્ટાઈલના એક બાદ એક વીડિયો પણ સામે આવી રહ્યા છે. પ્રદીપને રજવાડી જીવનશૈલી જીવવાનો પણ ભારે શોખ હતો. એક વીડિયોમાં તે ઘોડા પર સવાર થઈને મહારાણા પ્રતાપના સોંગ ઉપર અશ્વ સવારી કરતો જોવા મળે છે. અન્ય એક વીડિયોમાં આ મહાઠગ ભગવાન શ્રીકૃષ્ણનો વેશ ધારણ કરીને ભક્તોની વચ્ચે મટકી ફોડતો નજરે પડે છે. શ્રદ્ધાળુઓને આકર્ષવા અને પોતાની છબી એક દૈવી પુરૂષ તરીકે ઉભી કરવા તે આવા ધાર્મિક નાટકો કરતો હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે.

પોલીસ તપાસમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો  કે, આ નકલી યોગગુરૂએ પોતાના આશ્રમમાં જ ઓપરેશન થિયેટર જેવી વ્યવસ્થા ઉભી કરી હતી. આશ્રમમાં 2 એવા રૂમ મળી આવ્યા છે જે ઓપરેશન થિયેટર તરીકે વપરાતા હતા, જેમાં તમામ મેડિકલ સાધન-સામગ્રી પણ હતી. આ સાધનોનો ઉપયોગ કેવી રીતે અને કોના પર કરતો હતો તે મુદ્દે ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત પોલીસ તપાસમાં સામે આવ્યું  કે, આ શખસ કોઈ મોટો યોગી કે ડોક્ટર નથી, પરંતુ માત્ર ધોરણ 12 સુધી ભણેલો સામાન્ય માણસ છે. ભૂતકાળમાં રાજકોટમાં હેર સલૂન ચલાવતો પ્રદીપ જોટંગીયા સુરતમાં શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશનના નામે લોકોની શ્રદ્ધા અને આસ્થા સાથે ચેડા કરી રહ્યો હતો.