- ગિરિરાજ
વિશ્વ વિધવા દિવસ દર વર્ષે 23 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ (ઞગ) દ્વારા જૂન, 2011ના રોજ સત્તાવાર રીતે આ દિવસની જાહેરાત કરવામાં આવી હતી જેનો હેતુ વિધવા મહિલાઓને સમાજમાં સન્માનજનક સ્થાન આપવાનો, તેમની સમસ્યાઓ તરફ દુનિયાનું ધ્યાન દોરવાનો અને તેમને ન્યાય અપાવવાનો છે.
કચ્છનું એક વિધવા મહિલા પાત્ર જેણે સમાજની બદીઓને ટાળતી રૂઢિચુસ્તતા સામે ક્રાંતિ આણી અને કચ્છનું સંભવત: પ્રથમ વિધવા આશ્રમનું શ્રેય મેળવ્યું. ગામના જે ખૂણાને લોકો ક્યારેક ’અપશુકનિયાળ’ ગણતા, પાછળથી આખું ગામ ત્યાં આશીર્વાદ લેવા નતમસ્તક થતું! નખત્રાણા તાલુકાના મંજલ ગામના ગર્ભશ્રીમંત ભાટિયા પરિવારમાં જન્મેલા રૂક્ષ્મણીબહેન (પૂર્વાશ્રમનું નામ) બાળપણમાં જ વૈધવ્યનો ભોગ બન્યાં હતાં, પરંતુ વાંઢાયના સંત ઇશ્વરરામજી મહારાજની દીક્ષા અને પોતાના અડગ મનોબળથી તેઓ ‘મૈયાજી’ બન્યા અને દોઢસો વર્ષ પહેલાં સમાજ સુધારણા તેમ જ મહિલા સશક્તીકરણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું. ઇંદુલાલ ગાંધીના શબ્દોમાં, ‘અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત.’ બિલકુલ આ વાક્ય મૈયાજીનાં વ્યક્તિત્વ સાથે સુસંગત લાગે. નામ નવું નથી અને તેમનાં સત્કાર્યો પણ!
સુંદર, ગૌર, ભરાવદાર બેઠી દડીનું શરીર, શ્વેત વસ્ત્ર અને પિત્તવર્ણનું ઉપવસ્ત્ર. કંઠમાં રૂદ્રાક્ષમાળા, કપાળે ભસ્મ સાથે ચંદનનું તિલક અને ભુજાઓમાં રૂદ્રાક્ષનાં બેરખા. પ્રફુલ્લીત ચહેરો અને સૌમ્ય સાધુતાની પ્રકૃતિનાં સુંદર દર્શન કરાવતાં. એમની આધેડ વય અને પ્રૌઢપણું ગમે તેવા માણસને નતમસ્તક કરી મૂકે એવાં હતા. ભાટીયા ઠક્કર વાલજીભાઇના ઘરે વિ.સં. 1936 (ઇસ. 1880), કારતક વદ એકમના તેમનો જન્મ. ત્રણ ભાઈ- બહેન સાથેનો સત્સંગ સેવાના સંસ્કારો ધરાવતું આ વાલીકુટુંબ ખૂબ સમૃદ્ધ અને ખાનદાન ગણાતું. એ કાળે બાળલગ્નો સહજ સ્વભાવિક ગણાતા તેથી રૂક્ષ્મણીબહેનના લગ્ન પણ 11 વર્ષની વયે તરા’ના ભાટિયા ગૃહસ્થ સાથે કરાવી દેવાયા. એક કુમળી વયની બાળા કે જેને હજુ લગ્ન શું? પતિ શુ? સંસાર શુ? સૌભાગ્ય અથવા શ્વસુરાલગૃહ શું?ની કશી ભાન નથી તેના સંસાર સુખને ક્રૂરકાળે નાની ઉંમરમાં વૈધવ્ય આપીને ભરખી લીધું. કોઈ એક કવિએ ઠીક જ કહ્યું છે કે, દુહિતા ભલી ન એક દુભાયલી હોય એવી એક દીકરી એના માબાપ માટે મહાદુ:ખદાઇ ગણેલ છે અને વળી એ કાળે રૂઢીચુસ્ત જમાનો, પાછું ખાનદાન ખોરડું પુન:લગ્ન થાય નહીં એટલે પિતા માટે તો આ દીકરીને ‘થાપણના થરને પરમેશ્વર પહોંચે નહીં.’ જેવી હાલતમાં સ્વીકારવું રહ્યું.
પિતા મુંબઇમાં દલાલીનો ધંધા કરતા પરંતુ અહીં દુ:ખદ ઘટના બન્યા બાદ બે વર્ષ ગામડે રહી ગયા. છેવટે પુરુષાર્થ કરવા સિવાય છુટકો નથી એટલે ગભરૂ કુમળી વયની વિધવા દીકરીને સાથે લઈ વાંઢાયના સંત ઇશ્વરરામજી મહારાજના દર્શન કરવા ગયાં અને દુ:ખદ ઘટનાની વાત સંતચરણમાં નિવેદિત કરી. ત્યારે મહારાજે દીકરીનાં સુસંસ્કાર જોઈને કહ્યું કે, ‘એનાં ભાગ્યમાં ભક્તિ, ત્યાગ, વૈરાગ સાથે સેવાના સંસ્કારો છે જેના દ્વારા તે ઇકોતેર પેઢીને તારનાર બનશે. અસાર ગણાતા સંસારમાં સુખ શાંતિથી ઇશ્વર ભજન કરીને સમાજ કલ્યાણ માટે કાર્યો કરશે.’ આમ દીકરીને કંઠી પહેરાવી શિષ્યા બનાવ્યાં. ત્યારબાદ તેમણે મંજલના વ્યાસ રતનજી મહારાજ પાસેથી સંસ્કૃત ભાષાનું જ્ઞાન મેળવ્યું અને પિતાંબરદાસજી પાસે શાસ્ત્રાભ્યાસ કર્યો.
સમય રહેતા કુટુંબ વહેવારનો ત્યાગ કર્યો અને પોતાની ત્રીસ વર્ષની ઉંમરે ગામમાં જ એક અલગ મકાન લઇને આશ્રમની સ્થાપના કરી, જે સંભવત ‘કચ્છનો પ્રથમ વિધવાશ્રમ’ કહી શકાય. આશ્રમ જીવન સાથે પિતાંબરદાસજી મહારાજ પાસેથી તેમણે છેડાવૃત ગ્રહણ કર્યું. કોઈ પણ પુરુષના કપડાને પણ અડી જવાય તો જળપાન રહિત નકોરડો ઉપવાસ તે દીવસે કરવો પડે તેવું આ કઠિન વ્રત તેમણે આજીવન પાળ્યું. આશ્રમમાં એકાન્તે રહીને ધ્યાન માટે ભજન ખૂબ કર્યા અને કરાવ્યાં. તેમની આ સાધનાથી પ્રભાવિત લાલરામ મહારાજે તેમને ’મૈયાજી’ ઉપનામનું સંબોધન ધર્યું. તેમણે કરેલા મહિલા ઉત્કર્ષની વાત જો કરો અને પુરાણોમાં નજર ફેરવો તો મેરાઉના કવિ- ભજનિક ચંદુભા ભગતે ગાર્ગી સાથે સરખામણી કરી છે. કારણ કે ગાર્ગીનાં વ્યક્તિત્વ સામે જોવાની કોઈની હિંમત નહોતી. સ્વાધ્યાય, તપત્યાગ, સેવા-ભક્તિનાં પ્રબળ યોગ મૈયાજીના જીવનમાં કોઇ પ્રજ્ઞાશક્તિ આજસ પ્રતિભા અનેાખા જ હતા.
વિશેષ પ્રવૃત્તિમાં તેમણે આજુબાજુના ગામડાઓની ગરીબ બહેનોની રોજીરોટી માટે કાંતણ વર્ગ શરૂ કરાવ્યાં અને આશ્રમમાં જ વણાટશાળા શરૂ કરાવી અને જરૂરિયાતમંદ બહેનોને રહેવા માટે આશ્રમમાં નવા ઓરડા તૈયાર કરાવ્યા. ગૃહસ્થ ઘરની ગંગાસ્વરૂપા બહેનોને આત્મકલ્યાણ સાથે સાંત્વના પ્રાપ્ત કરવાની તક આ દયાની દેવીએ આશ્રમમાં નિર્માણ કરી. આશ્રમ કે ગામ પૂરતી નહી પરંતુ રાષ્ટ્ર માટે ઘણી સેવા કરી છે. દેશ હિતાર્થે ગાંધીજીએ સ્વરાજ્ય ફાળો એકઠો કરવા હાકલ પાડી ત્યારે મૈયાજીએ પણ આજુબાજુના ગામોમાં જાતે ફરીને ફાળો એકત્ર કરી સારી એવી રકમ મેાકલાવી હતી. તેમણે ગામનાં ભાઈબહેનોના સમુહ સાથે કચ્છનાં પ્રવાસે આવેલા ગાંધીજીનું સામૈયું કર્યું હતું, ત્યારે પોતાના પ્રવચનમાં ગાંધીએ મંજલ ગામને ‘સુકામાં લીલું’ની ઉપમા આપી હતી. વિ. સં. 2009ના પોષ વદ અમાસની સવારે પુ. મૈયાજીએ બ્રહ્મમુહુર્તમાં ૐ ની ધ્વનિ સાથે પેાતાના ભૌતિક શરીરનો ત્યાગ કર્યો. આવા બ્રહ્મનિષ્ઠ યોગિનીને રાષ્ટ્રીય સંત માનો કે ધાર્મિક સંત, એકવાર વંદન કરવાનું મન થઈ જાય.
દુખી દેખી હૃદય કંપે જરાયે જીવ ના જંપે
સુખી કરવા સદા ઝંખે નમન હો સાધ્વી મૈયા
ચંદુભા જાડેજા, વલો કચ્છ