(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવારે બુધવારે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે વરિષ્ઠ નેતાઓના પ્રતિનિધિમંડળને શેરડી ઉત્પાદકો, ખાંડ ઉદ્યોગ અને ડુંગળી નિકાસ સંબંધી મુદ્દાઓ પર આગામી દસ દિવસમાં સકારાત્મક નિર્ણય લેવાની ખાતરી આપી છે.તેમણે કહ્યું કે કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે ખાતરી આપી છે કે ડુંગળી નિકાસ પ્રતિબંધ ચાલુ રહેશે નહીં.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને તેમના નાયબ એકનાથ શિંદે અને સુનેત્રા પવારે રાજ્યમાં વિરોધ પ્રદર્શનો વચ્ચે ખેડૂતોના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે નવી દિલ્હીમાં કેન્દ્રીય પ્રધાનો અમિત શાહ અને શિવરાજ સિંહ ચૌહાણને મળ્યા હતા.
પવારે જણાવ્યું હતું કે શેરડીના ઉત્પાદકો અને ખાંડ ક્ષેત્ર દ્વારા સામનો કરવામાં આવતા પડકારો પર ચર્ચા ‘ખૂબ જ સકારાત્મક’ હતી અને તે રાજ્યભરના ખેડૂતોને રાહત આપશે.
‘અમને શેરડી અને ડુંગળી સંબંધિત મુદ્દાઓ અંગે કેન્દ્ર સરકાર તરફથી ખાતરી મળી છે. 10 દિવસમાં સકારાત્મક નિર્ણય લેવામાં આવશે,’ એમ તેમણે નવી દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું.
પવારે નોંધ્યું હતું કે નિકાસ પરના પ્રતિબંધોને કારણે મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં ખેડૂતોને ડુંગળીના યોગ્ય ભાવ મળી રહ્યા નથી.તેમણે કહ્યું હતું કે ચૌહાણે પ્રતિનિધિમંડળને ખાતરી આપી છે કે ડુંગળી નિકાસ પ્રતિબંધ ચાલુ રહેશે નહીં અને ગઅઋઊઉ અને ગઈઈઋ દ્વારા સંચાલિત ખરીદી કેન્દ્રોનો વિસ્તાર કરવામાં આવશે.
‘ડુંગળી નિકાસ પ્રતિબંધને કારણે, મહારાષ્ટ્ર અને દેશભરમાં ખેડૂતોને તેમના ઉત્પાદન માટે યોગ્ય ભાવ મળી રહ્યા નથી. શિવરાજ સિંહ ચૌહાણે સ્પષ્ટ ખાતરી આપી છે કે ડુંગળી પર નિકાસ પ્રતિબંધ ચાલુ રહેશે નહીં. તેમણે એ પણ ખાતરી આપી છે કે નાફેડ અને એનસીસીએફના ખરીદી કેન્દ્રોનો શક્ય તેટલો વિસ્તાર કરવામાં આવશે,’ એમ સુનેત્રા પવારે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે એનસીપી જે ભાજપના નેતૃત્વ હેઠળના મહાયુતિ ગઠબંધનના ઘટક પક્ષોમાંનો એક છે, તેણે આગામી વિધાન પરિષદની ચૂંટણી લડવા માટે ત્રણ બેઠકોની માંગણી કરી છે.
‘અમને સકારાત્મક પ્રતિભાવ મળવાનો વિશ્વાસ છે. અમારા સાથી પક્ષો સાથે ચર્ચા ખૂબ જ સકારાત્મક રહી છે,’ એમ પવારે ઉમેર્યું હતું. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની 16 વિધાનસભા પરિષદ બેઠકો અને નાગપુર સ્વરાજ્ય સંસ્થાની પેટાચૂંટણી માટે 18 જૂને ચૂંટણી યોજાવાની છે. 2024ની વિધાનસભા ચૂંટણીમાં તત્કાલીન એમએલસી અને ભાજપના નેતા ચંદ્રશેખર બાવનકુળેની જીત બાદ આ પેટાચૂંટણી જરૂરી બની હતી.