Mon Jun 08 2026

Logo

મહારાષ્ટ્રમાં એલપીજીની સ્થિતિ પર નજર રાખવા માટે કંટ્રોલ રૂમઃ જિલ્લા પેનલ

2026-03-13 19:03:39
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: પશ્ચિમ એશિયાના સંકટ વચ્ચે એલપીજી સિલિન્ડરનો અવિરત પુરવઠો જળવાય એ માટે કંટ્રોલ રૂમ અને જિલ્લા સ્તરની સમિતિઓની રચના કરવામાં આવી હોવાની જાણકારી મહારાષ્ટ્ર સરકારે આપી છે. 

પ્રશાસન દ્વારા જારી કરવામાં આવેલા એક સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ખાદ્ય, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના અધિક મુખ્ય સચિવ અનિલ દિગ્ગીકરે અધિકારીઓને સરળ પુરવઠો જાળવવા અને રાજ્યભરમાં એલપીજી વિતરણની નજીકથી દેખરેખ રાખવા માટે જરૂરી પગલાં લેવા નિર્દેશ આપ્યો છે. 

મહારાષ્ટ્રમાં ઘરેલું એલપીજીની કોઈ અછત નથી અને નાગરિકોએ ગભરાવાની જરૂર નથી એમ જણાવી વિભાગે દાવો કર્યો છે કે માર્ચમાં ઘરેલું સિલિન્ડરની ઉપલબ્ધતા છેલ્લા છ મહિના દરમિયાન નોંધાયેલા પુરવઠા કરતા વધારે છે. 

પુરવઠામાં વિક્ષેપ ટાળવા અને કોઈ અછતના કિસ્સામાં સંકલન જાળવવા જિલ્લા કલેક્ટરોની આગેવાની હેઠળ જિલ્લા સ્તરીય સમિતિઓની રચના કરવામાં આવશે. આ પેનલમાં પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ, જિલ્લા પુરવઠા અધિકારી અને સરકારી તેલ કંપનીઓના અધિકારીઓનો સમાવેશ થશે. તેમની જવાબદારીઓમાં એલપીજી સપ્લાય ચેઇન પર નજર રાખવી, કાયદો અને વ્યવસ્થા જાળવવી અને પરિસ્થિતિ પર દૈનિક અહેવાલો રજૂ કરવાનો સમાવેશ થશે.

મુંબઈ-થાણે રેશનિંગ વિસ્તારમાં, રેશનિંગ કંટ્રોલર હેઠળ એક અલગ સમિતિ કાર્યરત થશે, જેમાં ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ અને ડેપ્યુટી કંટ્રોલર (રેશનિંગ) સહિતના સભ્યો હશે. સરકારે

કહ્યું કે હોસ્પિટલો, સરકારી છાત્રાલયો, સરકારી શાળા અને કોલેજ મેસ સુવિધાઓ, મધ્યાહ્ન ભોજન યોજના અને આશ્રમ શાળાઓ જેવી આવશ્યક સેવાઓને એલપીજી સિલિન્ડરને  પ્રાથમિકતા આપવામાં આવશે. 

અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું કે રાજ્યની સરેરાશ દૈનિક એલપીજી માંગ લગભગ 9 હજાર મેટ્રિક ટન છે, જ્યારે માંગને પહોંચી વળવા માટે છેલ્લા બે દિવસમાં રિફાઇનરીઓમાં ઉત્પાદન વધારી લગભગ 11 હજાર  મેટ્રિક ટન પ્રતિ દિવસ કરવામાં આવ્યું છે.  (પીટીઆઈ)