Thu Jun 18 2026

Logo

કચ્છના ધોરડોમાં બાઈકર્સ એડવેન્ચર ટૂર વખતે અકસ્માતઃ મહારાષ્ટ્રના યુવકનું મૃત્યુ

2026-02-26 19:14:12
Author: Vimal Prajapati
Article Image

ભુજઃ ધોરડો ખાતે આયોજિત બાઇકર્સની એડવેન્ચર ટુરમાં આવેલા મહારાષ્ટ્રના સાંગલીના યુવકનું ખાવડા નજીક ડમ્પર અડફેટે મોત થયું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. તાજેતરમાં કચ્છના ધોરડોમાં આયોજિત રણોત્સવમાં ટી. વી. એસ કંપની દ્વારા આયોજિત બાઈકર્સની ટૂરમાં એડવેન્ચર ટૂર મોટરસાઇકલ લઈને આવેલા મહારાષ્ટ્રના સાંગલીના 34 વર્ષીય રોહન કાંતિલાલ કોઠારીનું ડમ્પર અડફેટે કમકમાટીભર્યું મોત નિપજતાં અરેરાટી સાથે ગમગીની પ્રસરી જવા પામી હતી.

ડમ્પરે બાઈકચાલકને અડફેટે લેતા શિકાર

આ અકસ્માત અંગે વાત કરવામાં આવે તો, ખાવડા પોલીસ દ્વારા વિગતો શેર કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે તારીખ પંદરમી ફેબ્રુઆરીના સવારે રોહન કોઠારી તેની મોટરસાઇકલ (નંબર એમએચ-10-ઈએચ-9519) લઈને કચ્છના ધોળાવીરા ખાતે જઈ રહ્યો હતો. તે ખાવડાથી કાઢવાંઢ જતા તુગા ગામની ગોલાઈ પાસે પહોંચ્યો ત્યારે કાઢવાંઢ તરફથી આવતા ટ્રક ડમ્પરે મોટરસાઈકલને અડફેટે લીધું હતું. 

યુવકનું ઘટનાસ્થળે જ કમકાટીભર્યું મોત

મહત્વની વાત એ છે કે, હેલ્મેટ, રાઈડિંગ ગિયર તથા મોટરસાઈકલિંગ કિટ સાથે સજ્જ હોવા છતાં પણ રોહનનું ગંભીર ઇજાઓને પગલે ઘટનાસ્થળે જ કમકાટીભર્યું મોત નીપજ્યું હતું. પોલીસે ટ્રક ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ શરી કરી દીધી હતી. અકસ્માતના આ બનાવ અંગે દેશની એડવેન્ચર બાઈકર્સ કોમ્યુનિટીમાં શોકની લહેર પ્રસરી જવા પામી છે. આ ઘટના મામલે અત્યારે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

(ઉત્સવ વૈદ્ય)