Mon Oct 05 2026

Logo

સિમી અને આઈએમ સાથે ‘લિંક’ ધરાવતા તારીક ખાનની દીકરીની એટીએસે કરી ધરપકડ

2026-09-12 17:33:37
Author: Yogesh C. Patel
સિમી અને આઈએમ સાથે ‘લિંક’ ધરાવતા તારીક ખાનની દીકરીની એટીએસે કરી ધરપકડ

ફ્રોડ કરીને મેળવેલા પાસપોર્ટથી યુવતી બબ્બે વાર સઉદી અરેબિયા જઈ આવી

થાણે: સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઑફ ઈન્ડિયા (સિમી) અને ઈન્ડિયન મુજાહિદ્દીન (આઈએમ) સાથે લિંક ધરાવવાના આરોપોનો સામનો કરનારા તારીક ખાનની દીકરીની મહારાષ્ટ્ર એન્ટિ-ટેરરિઝમ સ્ક્વોડે (એટીએસ) ધરપકડ કરી હતી. ફ્રોડ કરીને મેળવેલા પાસપોર્ટની મદદથી યુવતી બબ્બે વાર સઉદી અરેબિયા જઈ આવી હોવાથી એટીએસે તેની તપાસ હાથ ધરી હતી.

એટીએસે પકડી પાડેલી યુવતીની ઓળખ નમીરા તારીક ખાન (21) તરીકે થઈ હતી. તેણે કુર્લા અને લખનઊનાં ખોટાં સરનામે પાસપોર્ટ્સ પ્રાપ્ત કર્યા હતા. બે વખત તે સઉદી અરેબિયા ગઈ હોવાથી તેની આ મુલાકાત બાબતે એટીએસ તપાસ કરવા માગે છે.

અધિકારીના જણાવ્યા મુજબ નમીરાના પિતા તારીક ખાન વિરુદ્ધ પ્રતિબંધિત સંગઠન સિમી અને ઈન્ડિયન મુજાહિદ્દીન સાથે કડી ધરાવવાના આરોપ થયા હતા. એ સિવાય બનાવટી નોટોના રૅકેટ્સમાં પણ તેનું નામ સંડોવાયું હતું. છેલ્લાં અમુક વર્ષથી ફરાર તારીક ખાનની પોલીસ શોધ ચલાવી રહી છે.

નમીરાના આંતરરાષ્ટ્રીય પ્રવાસના ઈતિહાસની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. તે પાકિસ્તાનમાં પણ ગઈ હતી કે કેમ તેની તપાસ કરવામાં આવશે, એવું અધિકારીએ જણાવ્યું હતું.
એટીએસને શંકા છે કે નમીરા સુઉદી અરેબિયામાં તેના ફરાર પિતાને મળવા ગઈ હશે. પિતા દ્વારા ચલાવાતા રૅકેટ્સથી નમીરા વાકેફ છે કે કેમ અને તે પોતે પણ એમાં સંડોવાયેલી છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.

નમીરાની માતા શબનમ ઉર્ફે ફિરદૌસ તારીક ખાનની પણ કોઈ ભાળ મળતી નથી, એવું એટીએસનું કહેવું છે. (પીટીઆઈ)