મગજ મંથન - વિઠ્ઠલ વઘાસિયા
માનવજીવન સંબંધો વિના અધૂરું છે. માણસ ભૌતિક રીતે ભલે ગમે તેટલો સમૃદ્ધ હોય, પરંતુ જો તેના જીવનમાં પ્રેમ, સ્નેહ અને લાગણીનો અભાવ હોય તો તેનું જીવન રણ જેવું સૂકું બની જાય છે. જેમ શરીરને સ્વસ્થ રાખવા માટે વિટામિન અને ઑક્સિજનની જરૂર પડે છે તેમ સંબંધોને જીવંત અને મજબૂત રાખવા માટે સ્નેહ અને લાગણીની જરૂર પડે છે. સંબંધો માત્ર લોહીના સંબંધોથી જ બંધાયેલા નથી. મિત્રતા, પાડોશી, સહકર્મી, ગુરુ-શિષ્ય, પતિ-પત્ની કે સમાજના અન્ય સંબંધો પણ એટલા જ મહત્ત્વના છે. દરેક સંબંધનું મૂળ પ્રેમ, વિશ્વાસ અને લાગણીમાં રહેલું છે. જ્યારે આ તત્ત્વો ઘટે છે ત્યારે સંબંધો નબળા પડવા લાગે છે. સંબંધોમાં સ્નેહની ઊણપથી ગેરસમજ, અહંકાર અને અંતર વધે છે.
સ્નેહભર્યા બે શબ્દો કોઈપણ દુ:ખી વ્યક્તિને નવી ઊર્જા આપી શકે છે. ઘરમાં માતા-પિતાનો સંતાનો પ્રત્યેનો સ્નેહ, ભાઈ-બહેનનો પરસ્પર પ્રેમ અને મિત્રોની નિ:સ્વાર્થ લાગણી જીવનને સુખમય બનાવે છે. જ્યાં સ્નેહ હોય ત્યાં કડવાશ ટકી શકતી નથી.
લાગણીને સંબંધોનો ઑક્સિજન કહેવામાં આવે છે. ઑક્સિજન વગર જીવનની કલ્પના અશક્ય છે. તેવી જ રીતે લાગણી વગર સંબંધો જીવંત રહી શકતા નથી. કોઈ વ્યક્તિની ખુશીમાં ખુશ થવું, તેના દુ:ખમાં સહભાગી બનવું, તેની જરૂરિયાતો સમજવી અને સમયસર તેની સાથે ઊભા રહેવું - આ બધું સાચી લાગણીનું પ્રતીક છે.
આધુનિક યુગમાં ટેક્નૉલૉજીએ દુનિયાને નજીક લાવી દીધી છે, પરંતુ ઘણીવાર હૃદયને દૂર કરી દીધાં છે. લોકો સોશ્યલ મીડિયામાં હજારો મિત્ર બનાવે છે, જે વાસ્તવિક જીવનમાં બહુ ઉપયોગી થતા નથી. મોબાઇલ અને ઇન્ટરનેટના વધતા ઉપયોગથી ‘વન ટુ વન’ સંવાદ ઘટ્યો છે. પોતાના પરિવારજનો સાથે વાત કરવા માટે સમય કાઢતા નથી. પરિણામે સંબંધોમાં ઠંડક આવવા લાગી છે. આવી પરિસ્થિતિમાં સ્નેહ અને લાગણીનું મહત્ત્વ વધી જાય છે. માત્ર સંદેશા મોકલી દેવા કરતાં પ્રેમભર્યો સંવાદ વધુ અસરકારક બને છે.
પતિ-પત્નીના સંબંધમાં પણ સ્નેહ અને લાગણીનું વિશેષ મહત્ત્વ છે. જીવનમાં મતભેદો આવવા સ્વાભાવિક છે, પરંતુ જ્યાં પરસ્પર પ્રેમ અને સમજણ હોય ત્યાં મતભેદો કડવાશ ઊભી કરતા નથી. તેવી જ રીતે માતા-પિતા અને સંતાનો વચ્ચે પણ લાગણીનો પુલ મજબૂત હોવો જરૂરી છે. સંતાનોને માત્ર ભૌતિક સુખસગવડો આપવી પૂરતી નથી- તેમને પ્રેમ, હૂંફ અને માર્ગદર્શન પણ આપવું જરૂરી છે. એવી જ રીતે માતા - પિતાને માત્ર એમની જરૂરિયાત પૂરી પાડવાથી વાત પતી જતી નથી, પરંતુ તેમને પણ હૂંફ અને પ્રેમની જરૂર હોય છે. એ સંતાનોએ પૂરી પાડવી જોઈએ. મિત્રતામાં પણ સ્નેહ અને લાગણીનું વિશેષ સ્થાન છે. મિત્રતાની મજબૂતી પૈસા કે સ્વાર્થથી નહીં, પરંતુ હૃદયની લાગણીથી માપવામાં આવે છે. વર્ષો સુધી ટકી રહેલી મિત્રતાનું રહસ્ય પણ આ જ છે કે તેમાં નિ:સ્વાર્થ પ્રેમ અને વિશ્વાસ હોય છે.
સંબંધોને ટકાવી રાખવા માટે કેટલીક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે. સૌપ્રથમ, પરસ્પર સંવાદ જાળવવો જોઈએ. ઘણીવાર ગેરસમજ માત્ર વાતચીતના અભાવથી જન્મે છે. એકબીજાની લાગણીઓનું સન્માન કરવું જોઈએ. ક્ષમા કરવાની ભાવના રાખવી જોઈએ. દરેક વ્યક્તિ ભૂલ કરે છે, પણ ભૂલોને પકડી રાખવાથી સંબંધોમાં કડવાશ વધે છે. અંતમાં કહી શકાય કે જીવનની સાચી સંપત્તિ ધન, દોલત કે પ્રતિષ્ઠા નથી, પરંતુ પ્રેમાળ સંબંધો છે. જે વ્યક્તિ પાસે હૃદયથી જોડાયેલા લોકો હોય છે તે સાચા અર્થમાં સમૃદ્ધ છે.