ભોપાલઃ રાજ્યસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે એડીચોટીનું જોર લગાવ્યું હતું. હવે મધ્ય પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને એક મોટો ફટકો પડ્યો છે. કેન્દ્રીય રાજકારણમાં પહેલીવાર એવું બનશે કે, રાજ્યસભામાં કોંગ્રેસમાંથી કોઈ વ્યક્તિ નેતૃત્વ માટે નહીં હોય. હકીકત મૂળ એવી છે કે, કોંગ્રેસના ઉમેદવાર મિનાક્ષી નટરાજનનું નામ સ્ક્રુટિની દરમિયાન ફગાવી દેવામાં આવ્યું છે. આ કારણે કોંગ્રેસને એક મોટો ઝટકો લાગ્યો છે. આ એ જ વ્યક્તિ છે જેને રાજ્યસભામાં મોકલવા માટે કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી રહી હતી. આ માટે અનેકવાર બેઠકનો ધમધમાટ તો થયો પણ પરિણામ કંઈક અલગ સામે આવ્યું.
અધિકારીએ તપાસ બાદ એક્શન લીધુ
વેરિફિકેશનમાંથી મિનાક્ષીનું નામ રદ્દ કરી દેવાતા રાજ્યની ત્રીજી રાજ્યસભાની બેઠક પર ટક્કર સમાપ્ત થઈ ગઈ. હવે ભાજપના ઉમેદવાર મહેશ કેવટ વગર વિરોધે નિયુક્ત થઈ જશે એ વાત તો નક્કી છે. ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના ઉમેદવાર પર એફિડેવિટમાં ગુનાહિત કેસ છુપાવ્યાનો આરોપ લગાવ્યો હતો. મધ્ય પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતા કૈલાશ વિજયવર્ગીય અને રાકેશ સિંહે મિનાક્ષીના ફોર્મ પર વિરોધ વ્યક્ત કર્યો હતો.
પહેલીવાર જ્યારે આ નામ સામે આવ્યું એ સમયે ભાજપે ખાસ કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. એ પછી ભાજપના આક્ષેપ પર રિટર્નિંગ ઓફિસરે મિનાક્ષીને પોતાની સ્પષ્ટતા કરવા મંગળવારે 6 વાગ્યા સુધીનો સમય આપી દીધો હતો. મિનાક્ષીએ જે વાત કરી એના પર અધિકારી કોઈ રીતે સંતોષ પામ્યા નહીં. આ પછી એનું નામાંકન રદ્દ કરી દેવામાં આવ્યું. કોંગ્રેસના મહિલા ઉમેદવાર આરોપ એવો છે કે, ફોર્મમાં હૈદરાબાદમાં ચાલી રહેલા એક કોર્ટ કેસ અંગેની માહિતી છુપાવી હતી.
કોંગ્રેસ પાસે કેટલા ધારાસભ્યો?
આ કેસ કોઈ ગુનાહિત પ્રવૃતિને લઈને હોવાનું મનાય છે. આ આધાર પર એમનું નામાંકન રદ્દ કરી દેવામાં આવ્યું હતું. 18 જુનના રોજ મધ્ય પ્રદેશમાં રાજ્યસભાની ત્રણ બેઠક માટે ચૂંટણી યોજાશે. મધ્ય પ્રદેશમાં વિધાનસભાની કુલ 230 બેઠકો છે.ભાજપ પાસે કુલ 164 ધારાસભ્યો છે. આ સંખ્યાના આધાર પર ભાજપ રાજ્યસભાની બે બેઠક પર સરળતાથી જીતી શકે એમ હતી.
ત્રીજી બેઠક માટે ક્રોસ વોટિંગ અથવા અન્ય સાથી રાજકીય પક્ષના સમર્થનની જરૂરિયાત હતી. કોંગ્રેસ પાસે કુલ 63 ધારાસભ્યો છે પણ બે ધારાસભ્યો રાજેન્દ્ર ભારતી તથા મુકેશ મલ્હોત્રા મતદાનને પાત્ર નથી.એવામાં કોંગ્રેસની સંખ્યા 61 રહી ગઈ.આ કારણે ત્રીજી રાજ્યસભાની બેઠકની ચૂંટણી રાજકીય રીતે મહત્ત્વની માનવામાં આવી રહી છે. આ કેસ વર્ષ 2025નો છે. 20 ઓગસ્ટ ના રોજ શ્રીલતા નામની બે મહિલાએ કોર્ટમાં મિનાક્ષી તથા અન્ય લોકો સામે ફરિયાદ કરી હતી.
કેસ આવો હતો
આ ફરિયાદમાં મિનાક્ષી સામે જુદી-જુદી કલમ અંતર્ગત આરોપ લાગેલા છે. કોર્ટે ગંભીરતાને ધ્યાને લઈને 17 સપ્ટેમ્બરના રોજ મિનાક્ષીને નોટીસ ફટકારી હતી. વ્યક્તિગત રીતે હાજર રહીને સ્પષ્ટતા કરવા આદેશ કર્યા હતા. પણ મિનાક્ષીએ 24 ઑક્ટોબરના રોજ સામે જવાબી એફિડેવિટ દાખલ કરી દીધી, જેમાં તે પોતે નિદોર્ષ હોવાનું કહી લગાવેલા આરોપ રાજકીય રીતે પ્રેરિત હોવાનું જણાવી દીધુ. પછી કેસ ફગાવી દેવા માટેની માગ કરી. આ કેસમાં કોર્ટે કેસ રદ્દ કરવાના બદલે સુનાવણી કરવાનો નિર્ણય કર્યો. મિનાક્ષીએ જ્યારે ફોર્મ ભર્યું એ સમયે ફોર્મમાં આ કેસ અંગેની કોઈ જાણકારી ન હતી. આ કારણે ઓફિસરે ફોર્મ રદ્દ કરી દીધું.