Thu Sep 10 2026

Logo

ગ્વાલિયરમાં સ્કોર્પિયો અને રિક્ષા વચ્ચે ભયાનક અકસ્માત, એક જ પરિવારના 5 લોકોને કાળ ભરખી ગયો

2026-03-27 10:03:00
Author: Vimal Prajapati
ગ્વાલિયરમાં સ્કોર્પિયો અને રિક્ષા વચ્ચે ભયાનક અકસ્માત, એક જ પરિવારના 5 લોકોને કાળ ભરખી ગયો

ગ્વાલિયર: મધ્ય પ્રદેશમાં એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો છે. ગ્વાલિયરમાં પરશુરામ ચોક પર તેજ ઝડપે આવતી સ્કોર્પિયોએ એક રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, જેમાં 5 લોકોનું ઘટનાસ્થળ પર જ મોત થયું છે. આ સાથે 4 અન્ય લોકોને પણ ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. અકસ્માત થતાની સાથે આસપાસના લોકો ઘટનાસ્થળ પર દોડી આવ્યાં હતા. સ્થાનિકોએ મામલે પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અત્યારે આ અકસ્માત કેસમાં આગળની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. 

દર્શન કરીને આવતા પરિવારને નડ્યો અકસ્માત

સૂત્રોના જણાવ્યાં પ્રમાણે જે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, તેમાં એક નાનું બાળક પણ સામેલ છે. આ તમામ લોકો રિક્ષામાં બેસીને મંદિર દર્શન કરવા માટે ગયાં હતાં. દર્શન કર્યાં બદા જ્યારે પાછા આવી રહ્યાં હતા, ત્યારે રિક્ષાને સ્કોર્પિયોએ ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે રિક્ષા કચ્ચરઘાણ થઈ ગઈ હતી. ઘાયલ થયેલા લોકોને પોલીસ અને સ્થાનિકોની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે, અત્યારે તેઓ સારવાર હેઠળ છે. તેમની હાલત કેવી છે તેના અંગે અત્યારે કોઈ વિગતો આપવામાં આવી નથી.

સવારે ત્રણ વાગ્યાની આસપાસ થયો આ ભયાનક અકસ્માત

આ અકસ્માત અંગે વાત કરતા પોલીસે જણાવ્યું કે, તેમને સવારે 3 વાગે અકસ્માતનો કોલ આવ્યો હતો કે, સ્કોર્પિયો ચાલકે એક રિક્ષાને ટક્કર મારી છે. આ અકસ્માત જૈન મંદિર પાસે થયો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે કહ્યું કે, આમાં પાંચ લોકોના મોત થયા છે, જ્યારે 4 લોકો અત્યારે સારવાર હેઠળ છે. પોલીસે સ્કોર્પિયો ચાલકની ધરપકડ કરી લીધી છે. જો કે, તેને પણ ઈજાઓ થઈ હોવાના કારણે તે અત્યારે સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.