નવી દિલ્હીઃ લખનઊના ગોમતી નગર રેલવે સ્ટેશન પર ટ્રેનના કોચમાં પતરાની પેટીમાંથી કિશોરીની લાશ મળી હતી. પોલીસ તપાસમાં સામે આવેલી વિગત મુજબ, કિશોરીની હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ તેના પિતાએ જ કરી હતી.
મળતી વિગત પ્રમાણે, કુશીનગરના રહેવાસી બિગ્ગન અંસારીને તેમની ત્રીજી પુત્રી પણ ઘર છોડીને ચાલી ન જાય તેવો ડર હતો. પોલીસ પૂછપરછમાં તેણે જણાવ્યું કે, તેમની બે દીકરીઓ પહેલાંથી જ ઘર છોડી ચુકી હતી. 15 વર્ષની દીકરી શબ્બા અન્ય સમુદાયના યુવક સાથે ફોન પર વાત કરતી હતી. જે તેમને ખૂંચતી હતી. આ કારણે તેમને પોતાની પુત્રીની હત્યા કરી હતી. બાદમાં મૃતદેહના ટુકડા કરી ટ્રેનમાં ફેંકવાનું કાવતરું રચ્યું હતું.
17 મેના રોજ છપરા-ગોમતી નગર એક્સપ્રેસ લખનઊના ગોમતી નગર રેલ્વે સ્ટેશને પહોંચી હતી. ટ્રેનના S1 કોચમાં એક પતરાની પેટી બિનવારસી હાલતમાં મળી હતી. શરૂઆતમાં લોકોને તે કોઈ મુસાફરનો સામાન હશે તેવું લાગ્યું હતું, પરંતુ જ્યારે બોક્સ ખોલવામાં આવ્યું ત્યારે અંદરનું દ્રશ્ય જોઈને સૌ કોઈ કંપી ઉઠ્યા હતા. બોક્સમાં સલવાર-સૂટ પહેરેલી એક કિશોરીનું ધડ રાખેલું હતું. નજીકમાં જ પડેલી એક થેલીમાંથી કપાયેલા હાથ અને પગ મળી આવ્યા હતા. યુવતીનું માથું ગાયબ હતું.
માહિતી મળતાં જ જીઆરપી અને રેલવે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આખા સ્ટેશન પર દોડધામ મચી ગઈ હતી. શરૂઆતમાં મૃતદેહની ઓળખ થઈ શકી નહોતી. પેટીમાંથી મૃતદેહ મળતાં જ પોલીસે તમામ રૂટ પર લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. અનેક કલાકની તપાસ બાદ પોલીસને કુશીનગરના તમકુહી રોડ રેલવે સ્ટેશન પર મહત્વની કડી મળી હતી.
ફૂટેજમાં ત્રણ લોકો એક મોટી પતરાની પેટી અને થેલો લઈને ટ્રેનના સ્લીપર કોચમાં જતા જણાયા હતા. થોડીવાર પછી આ લોકો બાજુના એસી કોચમાંથી ઉતરતાં નજરે પડ્યા હતા. જેથી પોલીસને તેમના પર શંકા ગઈ હતી. તપાસ દરમિયાન તેમની ઓળખ કુશીનગરના શિવરહીમાં રહેતા બિગ્ગન અંસારી, તેની બહેન નૂરજહાં અને બનેવી મુજીબુલ્લાહ તરીકે થઈ હતી.
પોલીસે બિગ્ગન અંસારીની અટકાયત કરીને પૂછપરછ કરી હતી. શરૂઆતમાં તેણે પોલીસને ગેરમાર્ગે દોરી હતી પરંતુ આખરે તે ભાંગી પડ્યો હતો અને હત્યાની કબૂલાત કરી હતી. તેની વાત સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ હતી. પૂછપરછમાં તેણે જણાવ્યું કે, 15 વર્ષીય પુત્રી શબ્બા ફોન પર અન્ય સમુદાયના યુવક સાથે વાત કરતી હતી. તેને આ મંજૂર નહોતું, તેણે અનેક વખત પુત્રીને સમજાવી અને ચેતવણી પણ આપી હતી. પરંતુ તેમ છતાં માનતી નહોતી. જેને લઈ ઘરમાં ઝઘડો થતો હતો.
આ ઉપરાંત આરોપી પિતાએ પોલીસને જણાવ્યું કે, તેની બે પુત્રીઓ પહેલા જ ઘર છોડીને જતી રહી હતી. આ કારણે તેઓ સમાજ અને સંબંધીઓના મેણા ટોણાથી પરેશાન હતા. તેની ત્રીજી પુત્રી પણ ઘર છોડીને જતી રહેશે તેવી ચિંતામાં રહેતા હતા. ગામમાં બદનામીનો ડર સતાવતો હતો. ધીમે ધીમે તે ગુસ્સામાં બદલાઈ ગયો અને તેઓ પુત્રીને તમામ સમસ્યાનું મૂળ હોવાનું માનવા લાાગ્યા હતા. આ કારણે તેની હત્યા કરવાનો નિર્ધાર કર્યો હતો.
તપાસમાં સામે આવ્યું કે બિગ્ગન અન્સારીએ હત્યાનું કાવતરું પહેલેથી જ ઘડી રાખ્યું હતું. તેણે પોતાની પત્ની અને બંને પુત્રોને સંબંધીના ઘરે મોકલી દીધા હતા. 16 મેના રોજ તેણે પોતાની બહેન નૂરજહાં અને બનેવી મુજીબુલ્લાહને ઘરે બોલાવ્યા. ત્યારબાદ ત્રણેય જણાએ મળીને મૃતદેહનો નિકાલ કરવાની યોજના બનાવી હતી. પોલીસનું કહેવું છે કે આ મામલો અચાનક આવેલા ગુસ્સાનો નથી, પરંતુ પૂરી તૈયારી સાથે કરવામાં આવેલી હત્યાનો છે.
પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તેણે પોતાની જ પુત્રીની હત્યા કરી નાખી હતી. આ પછી, ઓળખ છુપાવવા અને મૃતદેહનો સરળતાથી નિકાલ કરવા માટે તેના ટુકડા કરવામાં આવ્યા હતા. સૌથી હેરાન કરનારી વાત એ રહી કે છોકરીનું માથું અલગ કરીને ગામના તળાવમાં ફેંકી દેવામાં આવ્યું હતું. ધડને પતરાની પેટીમાં રાખવામાં આવ્યું હતું, જ્યારે હાથ અને પગ એક અલગ થેલીમાં ભરી દેવામાં આવ્યા હતા. આ આખી ઘટનાએ પોલીસ અધિકારીઓને પણ હચમચાવી દીધા હતા.