લખનઉઃ ઉત્તર પ્રદેશના લખનઉમાં આવેલી અલીગંજ વિસ્તારમાં એક મોટી આગની ઘટના પ્રકાશમાં આવી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. અલીગંજમાં આવેલી એક ત્રણ માળની કોમર્શિયલ બિલ્ડિંગમાં કાર્યરત કોચિંગ સેન્ટરમાં આજે બપોરે અચાનક ભીષણ આગ ફાટી નીકળી છે. આગ એટલી ભયાનક અને ઝડપી હતી કે જોતજોતામાં આખી ઇમારત કાળા ધુમાડાના ગોટેગોટાથી ઘેરાઈ ગઈ હતી, જેના કારણે કોચિંગ સેન્ટરની અંદર અભ્યાસ કરી રહેલા અનેક વિદ્યાર્થીઓ ત્યાં જ ફસાઈ ગયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ફાયર વિભાગની અનેક ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે.
સેન્ટરના વિદ્યાર્થીઓમાં ભારે નાસભાગ મચી ગઈ
ફાયર અધિકારીના જણાવ્યાં પ્રમાણે બિલ્ડીંગની અંદર હજી પણ 10થી 12 લોકો ફસાયેલા છે, જેમને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. જો કે, આગ ખૂબ જ ભીષણ હોવાના કારણે કોઈ અંદર જઈ શકતું નથી. જેથી આગને કાબૂમાં લેવાની કામગીરી ચાલી રહી છે. આગની લપેટો અને ગૂંગળામણથી બચવા માટે કોચિંગ સેન્ટરના વિદ્યાર્થીઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. કેટલાક વિદ્યાર્થીઓએ પોતાનો જીવ બચાવવા માટે બિલ્ડિંગના ઉપરના માળેથી નીચે છલાંગ લગાવી દીધી હતી. આ હૃદયદ્રાવક ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.
આગની આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને હોબાળો મચી ગયો હતો. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે, આ બિલ્ડિંગમાં એક લાઈબ્રેરી અથવા કમ્પ્યુટર કોર્સની સંસ્થા ચાલે છે. જ્યારે અમે ધુમાડો નીકળતો જોયો ત્યારે તરત જ દોડી આવ્યા હતા અને 5 થી 6 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આગ એટલી વિકરાળ હતી કે એક યુવકે ઉપરથી નીચે કૂદકો મારી દીધો, જેના કારણે તેને ગંભીર ઈજાઓ પહોંચી છે.
ફાયર વિભાગની 14 ગાડીઓ ઘટનાસ્થળે
બપોરે આશરે 3 વાગ્યે અલીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ઉષા મહેતા માર્ગ પર આવેલી આ સંસ્થામાં આગ લાગવાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ એક્શનમાં આવી ગઈ હતી. આગ પર કાબૂ મેળવવા અને ફસાયેલા લોકોને રેસ્કયૂ કરવા માટે હાઇડ્રોલિક પ્લેટફોર્મ ગાડી સહિત ફાયર વિભાગના 14 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે તૈનાત કરી દેવામાં આવી છે. આગ એટલી ભીષણ અને વિકરાળ હતી કે શરૂઆતમાં ટીમ માટે બિલ્ડિંગની અંદર પ્રવેશવું પણ મુશ્કેલ બની ગયું હોવાનું ફાયર અધિકારીએ જણાવ્યું હતું. હાલમાં ફાયર વિભાગ અને પોલીસ પ્રશાસન દ્વારા સંયુક્ત રીતે મોટા પાયે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આ દુર્ઘટના મામલે સીએમ યોગીએ શું કહ્યું?
આ દુર્ઘટના પર ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે તાત્કાલિક સંજ્ઞાન લીધું છે. સીએમ યોગી આદિત્યનાથે વરિષ્ઠ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બચાવ કાર્યની કમાન સંભાળવાના આદેશ આપ્યા છે. તેમણે વહીવટીતંત્રને રાહત અને બચાવ કાર્યમાં ઝડપ લાવવા અને ઇજાગ્રસ્તોને કોઈપણ વિલંબ વિના શ્રેષ્ઠ તબીબી સારવાર ઉપલબ્ધ કરાવવાની કડક સૂચના આપી છે. સીએમ યોગીએ આ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી છે અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી છે, તેમજ રાહત કામગીરીનું સતત મોનિટરિંગ કરવાના નિર્દેશ આપ્યા છે.