વરસાદની આગાહીઃ કોહલી-પંત વચ્ચે ચડિયાતા પુરવાર થવાની હરીફાઈ
લખનઊઃ અહીં આજે (સાંજે 7.30 વાગ્યાથી) ભારતરત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં વરસાદની આગાહી વચ્ચે રમાનારી આઇપીએલ-2026ની મૅચ બન્ને હરીફ ટીમ માટે ખૂબ અગત્યની છે, કારણકે જો રિષભ પંતના સુકાનમાં યજમાન લખનઊ સુપર જાયન્ટ્સ (LSG) આ મુકાબલો હારશે તો પ્લે-ઑફની રેસની બહાર થઈ જશે અને ડિફેન્ડિંગ ચૅમ્પિયન રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુ (RCB) જીતીને પ્લે-ઑફની લગોલગ પહોંચી જશે.
લખનઊની ટીમ માત્ર ચાર પૉઇન્ટ સાથે સાવ તળિયે છે અને એણે પ્લે-ઑફની આશા જીવંત રાખવા આજના મુકાબલા સહિત બાકીની પાંચેય મૅચ જીતવી પડે. જો લખનઊ પાંચેય મૅચ જીતે તો એના કુલ 14 પૉઇન્ટ થાય જે પ્લે-ઑફનો એને થોડી આશા અપાવી શકે. બીજી તરફ, બેંગ્લૂરુના 12 પૉઇન્ટ છે અને આજે જીતીને એ 14 પૉઇન્ટ પર પહોંચી શકે. આટલો મોટો ફરક આજની બન્ને હરીફ ટીમ વચ્ચે છે.
વિરાટ કોહલી અને રિષભ પંત ભારતીય ટીમના બે સાથી ખેલાડીઓ છે, પરંતુ આજની મૅચમાં તેઓ પોતપોતાની ટીમ વતી ચડિયાતા પુરવાર થવા હરીફાઈમાં ઉતરતા જોવા મળશે.
લખનઊ સતત છ મૅચ હારી છે
મુંબઈ ઇન્ડિયન્સની ટીમ આ વખતે 10માંથી ત્રણ મૅચ હારીને અત્યંત ખરાબ હાલતમાં છે, પરંતુ સામાન્ય રીતે દરેક સીઝનમાં એ ટીમ શરૂઆતમાં ઉપરાઉપરી મૅચો હાર્યા પછી વિજયપથ પર આવતી હોય છે, જ્યારે રિષભ પંતના સુકાનમાં રિષભ પંતની ટીમની સ્થિતિ ઊલટી છે. લખનઊની ટીમ વર્તમાન સીઝનની મધ્યમાં લાગલગાટ છ મૅચ હારી છે. છેલ્લે નવમી એપ્રિલે કોલકાતા સામે જીત્યા બાદ લખનઊની ટીમ સતત હારી જ છે એટલે જ છેક 10મા નંબરે છે. બીજી તરફ, બેંગ્લૂરુની ટીમ નવમાંથી છ મૅચ જીતીને ત્રીજા સ્થાને છે.
હેડ-ટુ-હેડ મુકાબલા
લખનઊ-બેંગ્લૂરુ વચ્ચે અત્યાર સુધીમાં કુલ સાત મૅચ રમાઈ છે જેમાંથી પાંચ બેંગ્લૂરુએ અને બે લખનઊએ જીતી છે. 15મી એપ્રિલે બેંગ્લૂરુમાં રજત પાટીદારના સુકાનમાં બેંગ્લૂરુએ લખનઊની ટીમને પાંચ વિકેટે પરાજિત કરી હતી. કાશ્મીરના પેસ બોલર રસિખ સલામની ચાર વિકેટને લીધે લખનઊની ટીમ માત્ર 146 રન કરી શકી હતી. બેંગ્લૂરુએ વિરાટ કોહલીના 49 રનની મદદથી 15.1 ઓવરમાં પાંચ વિકેટે 149 રન બનાવીને વિજય મેળવી લીધો હતો.
બન્નેની સંભવિત ટીમ
લખનઊઃ રિષભ પંત (કૅપ્ટન, વિકેટકીપર), મિચલ માર્શ, જૉશ ઇંગ્લિસ, નિકોલસ પૂરન, એઇડન માર્કરમ, અક્ષત રઘુવંશી, હિમ્મત સિંહ, મોહમ્મદ શમી, મોહસિન ખાન, આવેશ ખાન, પ્રિન્સ યાદવ અને (12મો પ્લેયર) એમ. સિદ્ધાર્થ.
બેંગ્લૂરુઃ રજત પાટીદાર (કૅપ્ટન), વિરાટ કોહલી, જેકબ બેથેલ, દેવદત્ત પડિક્કલ, જિતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જૉશ હૅઝલવૂડ, સુયશ શર્મા અને (12મો પ્લેયર) રસિખ સલામ.