નવી દિલ્હીઃ દેશમાં અત્યારે LPGની અછત હોવાના અનેક વીડિયો અને ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે. તેવામાં સરકારે એક ખુશીના સમાચાર આપ્યાં છે. ગેસની અછતની આશંકાઓ વચ્ચે એક સરકારી અધિકારીએ કહ્યું કે, પ્રાકૃતિક ગેસ (LNG)ના બે કાર્ગો દેશ (ભારત) તરફ આવી રહ્યાં છે, જેથી હવે ગેસની અછતની આશંકાઓ વર્તાઈ રહી છે તેમાં રાહત મળવાની છે. આ યુદ્ધના કારણે અનેક દેશો પરેશાન થઈ રહ્યાં છે ત્યારેભારત પણ ક્યાંકને ક્યાંક પરેશાનીઓનો સામનો કરી રહ્યું છે.
સરકારે ગેસની અછત અંગે શું કહ્યું?
પેટ્રોલિયમ અને માનવ સંસાધન મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું છે, કાચા તેલનો પુરવઠો પણ સુરક્ષિત રહે છે. સુજાતા શર્માએ વધુમાં કહ્યું કે, હાલનું પ્રમાણ સામાન્ય રીતે હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા આવતા માર્ગો કરતા વધુ છે. ઓએમસી દ્વારા વિવિધ દેશોમાંથી આવતા ક્રૂડ ઓઇલ કાર્ગો અલગ અલગ જોવા મળ્યા છે. પહેલાં આ પ્રમાણ 55% હતું, પરંતુ હવે 75% ક્રૂડ ઓઇલ હોર્મુઝ સિવાયના અન્ય માર્ગો દ્વારા આવી રહ્યું છે, જે ભારત માટે ખુશીના સમાચાર છે.
ભારતમાં અત્યારે લોકો એલપીજી ગેસ બુકિંગ કરવામાં અફરા-તરફીનો માહોલ સર્જી રહ્યાં છે. સરકારે લોકોને અપીલ કરી છે કે, ગ્રાહકોએ સિલેન્ડર બુક કરવામાં કોઈ પણ પ્રકારની ઉતાવળ કરવાની જરૂર નથી. સરકાર દરેક પ્રકારની સ્થિતિ પર નજર રાખી રહી છે. વિશ્વ પર આવેલા સંકટ વચ્ચે અત્યારે ભારત તમામ પ્રકારના સંભવ પ્રયત્નો કરી રહ્યું છે. જેથી લોકોએ ચિંતા કરવાની જરૂર નથી.
ગેસનો વપરાશ 189 મિલ્યન સેમી પ્રતિદિન છે
વધુમાં વાત કરવામાં આવે તો ભારતની રિફાઇનરીઓ પોતાના મહત્તમ ક્ષમતાએ કામ કરી રહી છે. કેટલીક રિફાઇનરીમાં તો ક્ષમતા કરતા પણ વધારે કામ થઈ રહ્યું છે. આંકડાની વાત કરવામાં આવે તો, કુલ ગેસનો વપરાશ 189 મિલિયન સેમી પ્રતિદિન છે, જેમાંથી 97.5 મિલિયન સેમી પ્રતિ દિવસ સ્થાનિક સ્તરે ઉત્પન્ન થાય છે. બાકીના ગેસની આયાત કરવામાં આવે છે. મધ્યપૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના કારણે અત્યારે 47.4 મિલિયન સેમી પ્રતિદિન પુરવઠાને અસર થઈ છે.
વૈકલ્પિક માર્ગોથી ખરીદીની પ્રક્રિયા શરૂ કરાઈ
આ અછતને પૂર્ણ કરવા માટે સરકાર દ્વારા અન્ય વૈકલ્પિક માર્ગોથી ખરીદીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આપણે આપણી જરૂરિયાતોનો 60 ટકા આયાત કરીએ છીએ. આપણી 90 ટકા આયાત હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા થાય છે. મૂળ વાત એ છે કે, પેટ્રોલિયમ અને માનવ સંસાધન મંત્રાલય દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે કે, સરકાર તમામ પ્રકારની અછતને પૂર્ણ કરવા માટેનો રસ્તો શોધી રહી છે.