નવી દિલ્હી: મિડલ ઈસ્ટમાં સતત ચાલી રહેલા યુદ્ધના લીધે ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં ઉર્જા સંકટ ઉભું થયું છે. ત્યારે ભારતમાં LPG ગેસ સિલિન્ડરના પૂરવઠા મુદ્દે અનેક અફવાઓ પણ ફેલાઇ રહી છે. જેને લઇને કેન્દ્ર સરકાર ચિંતિત બની છે. તેવા સમયે આ અફવાઓને ખાળવા માટે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય તમામ રાજ્યોને નિયમિત પ્રેસ બ્રીફિંગ કરવા સૂચના આપી છે. જેના લીધે લોકોમાં પૂરવઠાને લઇને ચાલતી અફવાઓનું ખંડન કરી શકાય.
17 રાજ્ય નિયમિત પ્રેસ બ્રીફિંગ કરી રહ્યાં છે
આ અંગે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે કહ્યું કે માત્ર 17 રાજ્ય નિયમિત પ્રેસ બ્રીફિંગ કરી રહ્યાં છે. જે દેશમાં ફેલાઈ રહેલી અફવાઓને ખાળવા માટે અપૂરતું છે. તેમજ રાજયોએ એલપીજી પૂરવઠા અંગે માહિતી માધ્યમો દ્વારા લોકો સુધી પહોંચાડવી જોઇએ.
પેટ્રોલિયમ સેક્રેટરી રાજ્યોને પત્ર લખ્યો
પેટ્રોલિયમ સેક્રેટરી નીરજ મિત્તલે રાજ્યને લખેલા પત્ર જણાવવામાં આવ્યું છે કે અમુક વિસ્તારોમાં હજુ પણ અફવાઓ અને ખોટી માહિતી ફેલાઈ રહી છે, જેના કારણે લોકોમાં બિનજરૂરી ભય ફેલાયો છે અને ઘણી જગ્યાએ ગભરાટ ફેલાયો છે. મંત્રાલયે રાજ્યોને અપીલ કરી છે કે તેઓ પરિસ્થિતિ સામાન્ય રહે તે સુનિશ્ચિત કરવા માટે તેમના સંચાર વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવે.
રાજ્યોને તાત્કાલિક નિયમીત પ્રેસ બ્રીફિંગ કરવા વિનંતી કરી
દેશમાં હાલમાં ૧૭ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, બિહાર, ગુજરાત, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મેઘાલય, નાગાલેન્ડ, ઓડિશા, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ નિયમીત પ્રેસ બ્રીફિંગ કરે છે. કેન્દ્રએ બાકીના રાજ્યોને તાત્કાલિક નિયમીત પ્રેસ બ્રીફિંગ કરવા વિનંતી કરી છે.
સચોટ અને સમયસર માહિતી પ્રસારિત કરવામાં આવે
મંત્રાલયે સલાહ આપી છે કે દૈનિક પ્રેસ બ્રીફિંગ ઉચ્ચ અધિકારી દ્વારા કરવામાં આવે અને સોશિયલ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા સચોટ અને સમયસર માહિતી પ્રસારિત કરવામાં આવે. આનો હેતુ LPG ની પર્યાપ્ત ઉપલબ્ધતા અને સરળ વિતરણ અંગે લોકોને ખાતરી આપવાનો છે.તેમજ અફવાઓના ફેલાવાને રોકવાનો છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે ગેસ સિલિન્ડરની કાળાબજારી કરતાં તત્વો પર કડક કાર્યવાહી કરવા પર રાજ્યોને નિર્દેશ આપ્યા છે.