Sat Aug 15 2026

Logo

વાચકની કલમેઃ યુગપુરુષ બાળ ગંગાધર ટિળક

2026-08-01 09:54:00
Author: Bhupendra Ratilal Doshi
Article Image

ભૂપેન્દ્ર રતિલાલ દોશી

`સ્વાતંત્ર્ય એ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તે હું મેળવીશ જ' એવી સિંહ ગર્જના કરનાર બાળ ગંગાધર ટિળકનો જન્મ મહારાષ્ટ્રના દાપોલી તાલુકામાં ચિખલગાંવ ગામમાં 23 જુલાઇ, 1856ના રોજ થયો હતો. 

પુણેમાં તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ થયું હતું. વાંચન તેમને ખૂબ જ પ્રિય હતું. ગણિત વિષય પર તેમને વિશેષ પ્રેમ હતો. વિદ્યાર્થી કાળમાં તેમને આગરકર ઉપર વિશેષ સ્નેહ હતો. ચિંપળુણકર નવી શાળા શરૂ કરવાના છે જાણીને તેઓ તત્પરતાથી મળવા માટે ગયા. 1 જાન્યુઆરી, 1880ના રોજ ન્યૂ ઇંગ્લિશ સ્કૂલની શરૂઆત થઇ. ટિળક મેઘદૂત અને નીતિશતક શિખવતા હતા. ચિંપળુણકરના નિધન પછી સંસ્થાને અધિક નિયમબદ્ધ અને સ્થાનિક સ્વરૂપ દેવાના હેતુથી ડેક્કન એજયુકેશન સોસાયટી સ્થાપન કરવામાં આવી. ત્યારબાદ બે મહિના જ ફર્ગ્યુશેન કૉલેજને મૂર્ત સ્વરૂપ ધારણ કરેલ.

શાળા, કૉલેજના વિદ્યાર્થીઓ પર સંસ્કાર માટે તથા આ સંસ્થાની બહાર લાખો દેશબાંધવોને સુશિક્ષિત કરવું જરૂરી હોવાને લીધે તેમના માટે `કેસરી' અને `મરાઠા' અનુક્રમે  મરાઠી અને ઇંગ્લિશ પ્રકાશનો શરૂ કરવામાં આવ્યાં. આ વર્તમાનપત્ર રોજિંદા પ્રશ્નો ઉપરાંત લોકસ્થિતિ પર નિબંધ, નવીન ગ્રંથો ઉપર ટીકા તેમ જ વિલાયતનાં રાજ્ય પ્રકરણના વાટાઘાટોના સારાંશ આપવામાં આવશે એમ તંત્રીશ્રીએ જાહેર કરેલ હતું.

`કેસરી' એ લોકશિક્ષણના હેતુથી રાજકારણ, સમાજકારણ અને અર્થકારણ એવા વિવિધ વિષયો ઉપર નિ:પક્ષપાતી તેમ જ કાલસંગત લેખ વાચકો સામે રાખ્યા. લોકોમાં નિષ્કામ લોકસેવા, સ્વાવલંબન વિ. ગુણોની વૃદ્ધિ માટે પોતાની કલમ ઘસી નાખી.

લોકોમાં એકેયની ભાવના વૃદ્ધિ માટે જે અનેક સાધનો હોય છે. તેમાંનું એક ઉપાસ્ય દૈવત હોવું જરૂરી છે. એક ધર્મ, એક રાજા, એક ભાષા એ રાષ્ટ્રીયત્વનું પ્રધાન અંગ છે. તેથી તેમણે સાર્વજનિક ગણેશ ઉત્સવ શરૂ કર્યો હતો. તેમ જ શિવજયંતી ઉત્સવને પણ ટેકો આપેલ હતો. જે શૂરવીર પુરુષે દેશનું નામ અજરામર કર્યું તેના માટે કૃતજ્ઞતા બુદ્ધિ વ્યક્ત કરવાની ભાવના હતી. તેનાથી પણ મહત્ત્વનો હેતુ એ હતો કે રાષ્ટ્રના મહાપુરુષનું સ્મરણ એ રાષ્ટ્રીયત્વ કાયમ રહેવા માટે ઉત્તમ સાધન છે.

1895માં ટિળકે શિવ સમાધીના જિર્ણોદ્ધાર માટે ચળવળ શરૂ કરીને શિવજયંતીને રાષ્ટ્રીય ઉત્સવનું  સ્વરૂપ આપ્યું. મહારાષ્ટ્રના અલગ-અલગ  જાતિના લોકો એક ઠેકાણે બેસવાનું સ્થાન હોય તો તે શિવ છત્રપતિનું ચરિત્ર જ હોઇ શકે એવો વિચાર કેસરીમાં વ્યક્ત કર્યો.

ટિળકના નેતૃત્વને આવાહન આપનારી બાબત પ્લેગ અને દુષ્કાળનું સંકટ. સાર્વજનિક સભા દ્વારા દુષ્કાળની માહિતી ભેગી કરીને સરકાર આગળ પ્રસ્તુત કરવી, દુષ્કાળગ્રસ્ત  લોકોને મદદ કરવી. તેમને કામ આપવું વિ. જવાબદારી ટિળકે પોતાના ખભા ઉપર લીધી. લોકોને તેમના હક્ક સમજાય માટે `ફેમિન રિલીફ કોડ'નું ભાષાંતર મરાઠીમાં તૈયાર કર્યું

પ્લેગ નિવારણાર્થે સરકારે નિમેલ્યા સમિતિના અધ્યક્ષ વૉલ્ટર રૅન નામના અધિકારી હતા. ટિળકે રૅન શાહીનું નગ્ન, બીભત્સ સ્વરૂપ કેસરી દ્વારા લોકોને જણાવ્યું રૅન શાહીના જુલમ શાહીના લીધે રૅનનું ખૂન થયું. ત્યારે ટિળકનો સંબંધ રૅન ખૂન સાથે જોડવા માટે સરકારે આકાશ-પાતળ એક કર્યું, પરંતુ સરકારને આ પ્રયતન્માં યશ ન મળ્યો. ત્યારે શાસને તેમની ઉપર રાજદ્રોહનો આરોપ લગાડીને ટિળકને દોઢ વર્ષની શખત મજૂરીની શિક્ષા થઇ.

1905થી 1908 આ કાળખંડ ભારતના ઇતિહાસમાં મહત્ત્વનું ગણવામાં આવે છે. ટિળકની કારકિર્દી રોમાંચકારી ઘટનાથી ભરેલ છે. આ ચાર વર્ષમાં તેમની કિર્તીએ પ્રાંતીય સીમા પાર કરીને આખા ભારત દેશના ખૂણેખાંચરે ફેલાઇ ગઇ.

સ્વદેશી બહિષ્કારની ચળવળ દેશવ્યાપી થઇ. આ સંદર્ભમાં ટિળકનું કાર્ય આકાશ જેવડું મોટું છે. દીર્ઘકાલીન દાસત્વના લીધે લોકોનું નીતિ ધૈર્ય ખલાસ થયેલ હતું. એવા કાળમાં નીતિ ધૈર્ય વધારવામાં ટિળકે સર્વ પ્રયત્નો કર્યા.

ટિળકના રાજકીય જીવનનું મહત્ત્વ બાબત એટલે હોમરૂલની ચળવળ, આર્યર્લેન્ડના પદ્ધતિ પ્રમાણે હોમરૂલ ચળવળ ઊભી કરવાની ઘોષણા ટિળકે 1મે 1916ના રોજ બેલગાંવના પાંતિક પરિષદમાં કરી. `સ્વરાજય આ મારો જન્મસદ્ધિ હકક છે.' એ કલ્પનાં આ ચળવળ દ્વારા લોકોને ગળે ઉતારી.

સ્વાતંત્ર્ય પ્રાપ્તી માટે ચાર સૂત્રી કાર્યક્રમ ટિળકે તૈયાર કરેલ હતો. સ્વદેશી, બહિષ્કાર, રાષ્ટ્રીય શિક્ષણ અને સ્વરાજય આ ચાર સાધનોનો પુરસ્કાર ટિળક કરતા હતા. જનસામાન્ય લોકોમાં રાષ્ટ્રપ્રેમ, સ્વતંત્રતા, સંઘટન જેવા ગુણો વિકસિત થાય તે માટે તેમણે સાર્વજનિક ગણેશ ઉત્સવ અને શિવજયંતી ઉત્સવોની શરૂઆત કરેલ હતી.

લોકમાન્ય ટિળક વિશે ઘણું લખી શકાય, પરંતુ સ્થળ-સંકોચને લીધે કલમને વિરામ આપું છું.
1 ઑગસ્ટ, 1920ના રોજ મુંબઇ ખાતે આ મહાન વ્યક્તિએ છેલ્લા શ્વાસ  લીધા અને આખો દેશ શોક સાગરમાં ડૂબી ગયો.