નવી દિલ્હીઃ સંસદમાં આજે ચોમાસું સત્રનો અંતિમ દિવસ હતો. લોકસભામાં પહેલીવાર એવું બન્યું કે સત્તાપક્ષ અને વિપક્ષે ઊભા થઈને પૂરા માન-સન્માન સાથે 'વંદે માતરમ' ગીત ગાયું હતું. ચોમાસું સત્ર ભલે ચાલ્યું નહીં, પરંતુ એ દૃશ્ય વાસ્તવમાં જોવા જેવું હતું. લોકસભામાં ગીતના છ સ્ટેંઝા (શ્લોક) પ્લે થયા બાદ લોકસભાની કામગીરી અનિશ્ચિત કાળ સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. પણ એના પછી વિવાદ રાષ્ટ્રગીતને લઈને થયો હતો. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને સમાજવાદી પાર્ટી (સપા)ના સાંસદોના નિવેદનથી સંસદમાં રાષ્ટ્રગીતને લઈને વિવાદ થઈ ગયો હતો.
ભાજપના સાંસદે મુદ્દાને ઊઠાવ્યો
ભારતીય જનતા પાર્ટી (ભાજપા)ના સાંસદ મનોજ તિવારીએ આખું ગીત ગાવાને લઈ સરકારનું સમર્થન કર્યું. નેતાએ કહ્યું કે, દરેક વ્યક્તિના મોબાઈલ સુધી સંસદમાં ગાવામાં આવેલા આખા રાષ્ટ્રગીતની તસવીર તથા દ્રશ્ય પહોંચવું જોઈએ. તેમણે એવો આરોપ લગાવ્યો હતો કે, એ સમયે 'વંદે માતરમ'નો માત્ર એક જ સ્ટેંઝા ગાવામાં આવતો.
આ માટે તિવારીએ કોંગ્રેસના શાસનકાળને જવાબદાર ગણાવી દેતા મામલો ગરમાયો હતો. હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસથી સંપૂર્ણ રાષ્ટ્રગીત ગાવામાં આવી રહ્યું છે. મનોજ તિવારીએ ટિપ્પણી કરી કે જ્યારે બધા એક સાથે ઊભા રહીને 'વંદે માતરમ' ગાતા હોય છે, 'તુમ વિદ્યા, તુમ ધર્મ' અને 'સુષ્મિત ભૂષિત કમલમ અમલમ' જેવા શ્લોકો ગાતા હોય છે ત્યારે તે ખરેખર ગર્વની ક્ષણ હોય છે.
સમય જતા શીખી જશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સહિત અનેક નેતાઓ એકસાથે આખું રાષ્ટ્રગીત ગાતા હતા. તિવારીએ રાહુલ ગાંધીનો પણ ઉલ્લેખ કર્યો, નોંધ્યું કે જ્યારે ગાંધી રાષ્ટ્રગીત ગાતા ન હતા ત્યારે તેઓ ઊભા હતા - જે પોતે જ એક સકારાત્મક બાબત છે.
રાહુલ ગાંધીને હજુ સુધી 'વંદે માતરમ'ના સંપૂર્ણ શબ્દો યાદ નહીં હોય, પરંતુ સૂચન કર્યું કે તેઓ સમય જતાં તે શીખી જશે. ગીતના સંપૂર્ણ ગાન અંગે પ્રશ્નો ઉઠાવતા સમાજવાદી પાર્ટીના સાંસદ રામ ગોપાલ યાદવે ટિપ્પણી કરી કે જેમણે તેના અંગે કાયદા બનાવ્યા હતા તેમને પણ આખું રાષ્ટ્રગીત યાદ નથી. ભૂતકાળમાં ગવાયેલ 'વંદે માતરમ'નો ભાગ દરેક વ્યક્તિ સરળતાથી યાદ રાખી શકતો હતો, પરંતુ આખું ગીત યાદ રાખવું મુશ્કેલ છે.
જેને કાયદો બનાવ્યો એને પણ યાદ નથી
રામ ગોપાલ યાદવે ધ્યાન દોર્યું કે, વિશ્વભરમાં મોટાભાગના રાષ્ટ્રગીત લગભગ એક મિનિટ સુધી ચાલે છે, જ્યારે 'વંદે માતરમ'ની વિસ્તૃત એડિશનને ગાવામાં ઘણો સમય લાગે છે. રાષ્ટ્રગીત દરમિયાન દરેક વ્યક્તિએ 'ધ્યાન' રાખીને ઊભા રહેવું જરૂરી છે અને લાંબા સમય સુધી આ સ્થિતિ જાળવી રાખવી ઘણા લોકો માટે મુશ્કેલ હોઈ શકે છે.
સરકારે બધા સાંસદો અને સામાન્ય જનતાને 'વંદે માતરમ'ની નકલો વહેંચવી જોઈએ. જેથી લોકો આખું ગીત યાદ રાખી શકે. સમાજવાદી પાર્ટીના સાંસદે કહ્યું, જેમણે 'વંદે માતરમ' અંગે કાયદો બનાવ્યો છે તેમને પણ તે યાદ નથી."