Mon Sep 07 2026

Logo

શું સ્પીકર પાસે માઈક ચાલુ-બંધ કરવાનું બટન હોય છે? વિપક્ષના 'માઈક બંધ' કરવાના આક્ષેપો વચ્ચે જાણો શું છે સાચી પ્રક્રિયા...

2026-03-12 17:19:09
Author: Darshana Visaria
શું સ્પીકર પાસે માઈક ચાલુ-બંધ કરવાનું બટન હોય છે? વિપક્ષના 'માઈક બંધ' કરવાના આક્ષેપો વચ્ચે જાણો શું છે સાચી પ્રક્રિયા...

લોકસભાની કાર્યવાહી દરમિયાન વારંવાર વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવે છે કે વિપક્ષી નેતાઓ જ્યારે બોલવા ઉભા થાય ત્યારે તેમના 'માઈક બંધ' કરી દેવામાં આવે છે. તાજેતરમાં સ્પીકર ઓમ બિરલા સામેના અવિશ્વાસ પ્રસ્તાવના સમાચાર વચ્ચે, લોકોમાં એ જાણવાની ઉત્સુકતા વધી છે કે શું ખરેખર સ્પીકર પાસે માઈક ચાલુ-બંધ કરવાનું બટન હોય છે? જો તમને પણ આ સવાલ સતાવી રહ્યો હોય તો તમારે આ સ્ટોરી છેલ્લે સુધી ચોક્કસ જ વાંચી જવી પડશે, જેથી તમને આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે... 

શું સ્પીકર પોતે માઈક બંધ કરે છે એના પર પ્રકાશ પાડીએ તો લોકસભા કે રાજ્યસભાની કાર્યવાહી દરમિયાન સ્પીકર (અધ્યક્ષ)ની બેઠક પર કે પાસે એવું કોઈ રિમોટ કે બટન હોતું નથી જેનાથી તેઓ કોઈનું માઈક બંધ કરી શકે. આ માટેની વ્યવસ્થા અલગ હોય છે અને આ વ્યવસ્થા વિશે આજે આપણે અહીં આગળ સ્ટોરીમાં ચર્ચા કરીશું. 

સંસદના સભાગૃહમાં માઈકનું સંચાલન એક અલગ સાઉન્ડ કંટ્રોલ રૂમ દ્વારા કરવામાં આવે છે. ત્યાં બેઠેલા ટેકનિશિયનો પાસે કંટ્રોલ પેનલ હોય છે. જ્યારે સ્પીકર કોઈ સભ્યનું નામ લે છે અથવા તેમને બોલવાની મંજૂરી આપે છે, ત્યારે જ ટેકનિશિયન તે સભ્યની સીટનું માઈક ચાલુ કરે છે.

લોકસભાના નિયમો અનુસાર, જે સભ્યને સ્પીકર દ્વારા બોલવાની પરવાનગી આપવામાં આવી હોય તેનું જ માઈક ચાલુ રાખવામાં આવે છે. જો કોઈ સભ્ય સ્પીકરની પરવાનગી વગર બોલવાનું શરૂ કરે, તો ટેકનિકલ ટીમ તે માઈક ચાલુ કરતી નથી. આ જ કારણ છે કે ઘણી વખત ટીવી પર સાંસદ આપણને બોલતા દેખાય છે પરંતુ તેમનો અવાજ આપણને સંભળાતો જ નથી.

વાત કરીએ માઈક ક્યારે બંધ કરવામાં આવે છે એની તો સંસદમાં જ્યારે સ્પીકર કહે છે કે તમારો સમય પૂરો થયો છે કે પછી તમારી વાત રેકોર્ડ પર જશે નહીં, આવી પરિસ્થિતિમાં સાઉન્ડ કંટ્રોલ રૂમ દ્વારા માઈક ઓફ કરી દેવામાં આવે છે. આ સ્પીકરના આદેશનું પાલન કરવાની એક ટેકનિકલ પ્રક્રિયા છે, જે ગૃહની શિસ્ત જાળવવા માટે કરવામાં આવે છે.

જો કોઈ સભ્ય અસંસદીય ભાષાનો ઉપયોગ કરે અથવા નિયમ વિરુદ્ધ બોલે, તો સ્પીકર તે શબ્દોને 'રેકોર્ડ' પરથી હટાવવાનો આદેશ આપે છે. અનેક વખત આવા કિસ્સામાં પણ સ્પીકર દ્વારા માઈક બંધ કરી દેવામાં આવે છે જેથી જે તે વાત જનતા સુધી ન પહોંચે કે પછી સંસદની ડાયરીમાં તેની નોંધ ના લેવાય.