હેમંત વાળા
લોભ એટલે જરૂરિયાત કે લાયકાતથી વધુ મેળવવાની ઈચ્છા. આ ઈચ્છા સંપત્તિ, સત્તા, ભોગ, સુખ સગવડતા, સન્માન કે સામાજિક વ્યાપ લક્ષી હોઈ શકે. લોભને કારણે એક પ્રકારની અનિચ્છનીય અને અયોગ્ય તલપ જાગ્રત થાય, જે ક્યાંક અનૈતિક કાર્ય કરવાની પ્રેરણા પણ બની રહે. જે કંઈ પ્રાપ્ત થાય છે તેનો અસંતોષ, ભવિષ્યની અનિશ્ચિતતા સામે એક પ્રકારની સાવચેતી સ્થાપિત કરવાની ભાવના,
સ્વકેન્દ્રિત માનસિકતાને આધારે પોતાની માટે વધુને વધુ પ્રાપ્ત કરવાનું ગાંડપણ, ઈર્ષાથી સ્થાપિત થતો સ્પર્ધાનો ભાવ, સંપત્તિલક્ષી ભૌતિકતાવાદી અભિગમ, નૈતિક મૂલ્યોને નજરઅંદાજ કરી જીવનમાં શક્ય તેટલું પામી લેવાની કામના તથા સુખ અને સંતોષના અંતિમ સ્રોત સમાન આત્મસ્થ સ્થિતિ પ્રત્યેની ઉદાસીનતાને કારણે લોભનું વર્ચસ્વ સ્થાપિત થાય. શાસ્ત્રની દ્રષ્ટિએ આ અજ્ઞાન અને અવિદ્યાની સ્થિતિ છે.
લોભી અન્યની હાનિ થતી હોય તો પણ પોતાનાં ‘લાભ’ને પ્રથમ સ્થાન આપે. લાભ અને લોભ એ બે શબ્દો વચ્ચેની સામ્યતા આકસ્મિક ન હોઈ શકે. દરેક વ્યક્તિને લાભ મેળવવાની ઈચ્છા હોય પરંતુ આ ઈચ્છા જ્યારે અમુક હદ પાર કરે ત્યારે તે લોભ બની જાય. લાભ એ પ્રકૃતિ છે અને લોભ એ વિકૃતિ. કશું પણ પ્રાપ્ત કરવાની પ્રક્રિયામાં સંયમ અને વિવેકની જાળવણી એટલે સંસ્કૃતિ. લોભને કારણે, બની શકે કે એક વ્યક્તિને વધુ પડતાં સંસાધનો, સંપત્તિ કે સત્તા મળી જાય અને સમાજમાં અસમાનતા અને અસંતુલન સ્થાપિત થાય.
લોભને કારણે ભ્રષ્ટાચાર પણ પ્રસરી શકે અને કોઈકને અન્યાય થવાની સંભાવના ઊભી થાય. અહીં નૈતિક મૂલ્યોનું પતન તો થાય જ પણ સાથે સાથે ક્યાંક શોષણ-વૃત્તિ પણ કાર્યરત થઈ શકે. સમાજની દરેક વ્યક્તિ જો લોભગ્રસ્ત હોય તો સમાજમાં અત્યંત ‘જોખમી’ કહી શકાય તેવી સૂક્ષ્મ તેમજ સ્થૂળ હિંસાની પરિસ્થિતિ ઊભરે. લોભી વાતાવરણમાં માનવીય સંબંધો કમજોર થાય અને પરસ્પરનો વિશ્વાસ ઘટવાની સંભાવના રહે.
કહેવાય છે કે ‘લોભ ને થોભ નથી’, લોભી વ્યક્તિ ક્યારેય સંતોષ ન પામે, વધુને વધુ પ્રાપ્ત કરવાની તેની ઈચ્છા અને તે મુજબના તેના પ્રયત્નો રહે. સંતોષના અભાવે માનસિક શાંતિને નુકસાન પણ પહોંચી શકે અને ક્યારેક મન પોતાનું સંતુલન પણ ગુમાવી દે. આવાં સંજોગોમાં ક્યારેક યોગ્ય-અયોગ્ય વચ્ચેનો તફાવત પણ ધ્યાનમાં ન આવે. લોભી વ્યક્તિ સ્વાર્થી હોવા ઉપરાંત કપટી પણ હોઈ શકે અને તેથી લોભને કારણે ક્યારેક સંબંધોમાં તણાવ આવી શકે, પ્રેમ અને વિશ્વાસ ખંડિત થઈ શકે.
વળી, લોભનું ક્ષેત્ર જો કુદરતી સંસાધનો હોય તો તેને કારણે પર્યાવરણને નુકસાન થઈ શકે. કેટલાક લોકો લોભના ફાયદા પણ ગણાવતા હોય છે. તેમના મત પ્રમાણે લોભ પ્રગતિ માટે પ્રેરણા આપી શકે, મહેનત માટે ઉત્સાહિત કરી શકે, નવી દિશા તરફ નજર દોડાવવાની સંભાવના ઊભી કરી શકે - પરંતુ આ બધું તો લોભ વિના પણ સંભવ છે. વ્યક્તિમાં જો સકારાત્મક દ્રષ્ટિ હોય, પરિશ્રમ માટેની તૈયારી હોય, માનસિક તેમજ શારીરિક ક્ષમતા હોય અને વિશ્વને કંઈક પ્રદાન કરવાની ખેવના હોય તો પણ વ્યક્તિ વિશેષ પ્રયત્નમાં સંલગ્ન થઈ જાય.
નીતિશાસ્ત્રમાં કહેવાય છે કે ‘તૃષ્ણા મતિશ્છાધ્યતે’. કહેવાનું તાત્પર્ય એ છે કે લોભનું આવરણ જ્યારે બુદ્ધિ પર છવાઈ જાય છે ત્યારે વ્યક્તિ પોતાનું હિત-અહિત બધું જ ભૂલી જાય. તેવાં સંજોગોમાં તે વિવેક ગુમાવી બેસે અને ક્યારેક ન કરવાનું પણ કરી બેસે. આવી પરિસ્થિતિ તેની પોતાની માટે પણ નુકસાનકારક કહેવાય.
મનુષ્યને જ્યારે તૃષ્ણા, ઈચ્છા, લાલસા, લાલચ અને કામના મુજબ વધુ ને વધુ પ્રાપ્ત કરવાનો ભાવ જાગે ત્યારે વ્યક્તિની મતિ અર્થાત્ બુદ્ધિ, વિચારશક્તિ, સમજ, જ્ઞાન, બધું જ લગભગ વિપરીત કે સુષુપ્ત થઈ જાય- જાણે એક પ્રકારનું અનિચ્છનીય આવરણ છવાઈ જાય. આવી પરિસ્થિતિમાં વ્યક્તિ કોઈપણ અનૈતિક કે પાપકર્મ આચરી શકે. તૃષ્ણા માણસની મતિને ઢાંકી દે છે, લાલચ બુદ્ધિને અંધ કરી દે છે. ગીતા પણ જણાવે છે કે જેમ ધુમાડાથી અગ્નિ અને મલીનતાથી દર્પણ ઢંકાઈ જાય તેમ તૃષ્ણા જ્ઞાનને ઢાંકી દે છે.
એક દલીલ પ્રમાણે જ્ઞાન અને સિદ્ધિનો લોભ યોગ્ય ગણી શકાય. બની શકે કે વ્યક્તિને વધુને વધુ જ્ઞાન પ્રાપ્ત કરવાનો કે વધુને વધુ સિદ્ધિ મેળવવાનો લોભ હોય. જેણે જ્ઞાનમાં થોડું પણ ખેડાણ કર્યું હોય તે વ્યક્તિ એ તો જાણી શકે કે જ્ઞાન પ્રાપ્તિ અને તેનું પરિણામ એ સ્વાભાવિક પ્રાકૃતિક ક્રિયા હોય, તેમાં વ્યક્તિની સવિકલ્પતાને સ્થાન ન હોય. આવું જ સિદ્ધિ માટે કહી શકાય. કોઈ યોગી સાધના કરે તો તે સિદ્ધિ માટે ન હોય, તે તો સંપૂર્ણ સત્ય અને સૃષ્ટિનું સમીકરણ જાણવા માટેનો પ્રયત્ન હોય. અહીં પ્રાપ્તિની અપેક્ષા ન એ હોય માત્ર રુચિ અને ધર્મ અનુસાર કાર્ય થતું હોય. લોભનું તો અહીં સ્થાન જ ન હોય.
લોભ એક પ્રકારનો આવેગ છે. મનુષ્યને આંતરિક પ્રકાશ આત્મજ્ઞાન ત્યારે જ અનુભવમાં આવે જ્યારે મન નિર્મળ, શાંત, શુદ્ધ અને કોઈપણ પ્રકારના આવેગથી મુક્ત હોય. લોભને કારણે મનમાં ઊથલપાથલ રહેવાની સંભાવના હોય અને તેથી વ્યક્તિ આત્મજ્ઞાનની પ્રાપ્તિથી વિમુખ રહે. એમ પણ કહી શકાય કે, મહદ અંશે, લોભી વ્યક્તિ કર્મની માત્રા કરતાં પણ વધુ ફળની અપેક્ષા રાખે. જો તેને તે મુજબનું ફળ મળે તો તેનો લોભ વધતો જાય અને ન મળે તો માનસિક અશાંતિ સર્જાય.
બંને પરિસ્થિતિ સકારાત્મક નથી. એક વિચારધારા પ્રમાણે જ્યારે કામના સિદ્ધ ન થાય, લોભ અનુસારની પ્રાપ્તિ ન થાય ત્યારે ક્રોધ જન્મે. આ ક્રોધથી વ્યક્તિ જાણે સંમોહિત થઈ જાય અને તેની વિચારવાની ક્ષમતા ક્ષીણ થાય. વિચારવાની ક્ષમતાનો, સાત્વિક બુદ્ધિના પ્રભાવનો, અભાવ વ્યક્તિને સર્વનાશ તરફ લઈ જઈ શકે. એકંદરે એમ કહી શકાય કે, લોભ આધારિત ઈચ્છાઓના ધૂંધથી આત્મજ્ઞાન ઢંકાઈ જાય. લોભ સર્વ-વિનાશનું કારણ બની શકે.