Tue Oct 20 2026

Logo

ગીતા મહિમાઃ ધારે તે થાય...

2026-10-19 09:32:00
Author: Sarangpreet
ગીતા મહિમાઃ ધારે તે થાય...

સારંગપ્રીત

ગામડાની એક શાળામાં વર્ગખંડોને હૂંફાળા રાખવા એક કોલસાનો ચૂલો રાખવામાં આવેલો. તેને પેટાવવાની જવાબદારી એક છોકરાને સોંપાઈ હતી. એક દિવસ સવારે શિક્ષકો અને વિદ્યાર્થીઓએ આવીને જોયું કે શાળાનું મકાન ભડકે બળતું હતું. પેલા છોકરાને માંડ માંડ બહાર કાઢ્યો. તેનું અડધું શરીર ખરાબ રીતે દાઝી ગયેલું. ડોક્ટરોએ છોકરો નહીં બચે તેવી આગાહી કરી. પરંતુ, તેણે મનમાં નિશ્ચય કર્યો કે : ‘મારે જીવવું જ છે.’ 

આવા દૃઢ મનોબળને કારણે તે જીવી ગયો. પરંતુ ડોક્ટરોએ કહ્યું : ‘છોકરો જીવી તો ગયો છે, પણ તેના પગ વાંકા રહી જશે અને તેનો ઉપયોગ તે જીવનમાં ક્યારેય નહીં કરી શકે. ત્યારે છોકરાએ ફરી મનમાં ધાર્યું કે : ‘મારે અપંગ નથી રહેવું, મારે ચાલવું છે.’ પરંતુ તે અશક્ય હતું. કારણ, તેનાં બંને પગ નિર્જીવ થઈ ગયેલા. ઘરે આવ્યા પછી તેની માતા રોજ તેના બંને પગે માલિશ કરી આપે તો પણ તેને સ્પર્શનો અનુભવ થતો નહીં. છતાં તેનું ચાલવાનું ધ્યેય તો દૃઢ જ હતું. તેને વ્હીલચેરમાં જકડાઈ રહેવું ન ગમતું હોવાથી તેની માતા તેને દરરોજ બગીચામાં લઈ જતી.

એક દિવસ બાળકે હિંમત કરી પોતાની જાતને વ્હીલચેરમાંથી નીચે ફેંકી અને ઘાસમાં ઘસડાવા માંડ્યું. ઘસડાતાં-ઘસડાતાં બગીચાની વાડ સુધી ગયો અને મહામુશ્કેલીથી ઊંચો થયો. રોજ તે પ્રમાણે કરતો અને અથાક મહેનતને પરિણામે તે એક દિવસ પોતાના પગ પર ઊભો રહી શક્યો. પછી તો ધીરે-ધીરે ચાલવા લાગ્યો. પછી નક્કી કર્યું કે મારે દોડવું છે, તો દોડવા પણ લાગ્યો. તેને દોડવામાં ખૂબ આનંદ આવતો. કોલેજમાં તેણે એક ટ્રેક ટીમ પણ બનાવી.

જે છોકરો જીવતો બચે તેમ નહોતો, જે ક્યારેય ચાલી શકે તેમ નહોતો, તે બાળક યુવાન વયે તે સમયનો વિશ્વનો ઝડપી દોડવીર બન્યો. તેનું નામ ગ્લેન કનિંગ્હમ. હા, અથર્વવેદ કહે છે કે સ્વભુજબળથી આપણે આપણું ભવિષ્ય નિર્માણ કરી શકીએ છીએ. હા, જ્યારે મન નિર્ધાર કરે છે, ત્યારે અશક્ય પણ તેના પગલાંને રસ્તો આપે છે.

ખરેખર, પાંખો વિના ઊડવાની અને પગ વિના દોડવાની તાકાત ધારણશક્તિ પર રહેલી છે.

એટલે જ એક પંક્તિ આપણને સાર્થક થતી જણાય,
કદમ અસ્થિર હોય તેને રસ્તો કદી જડતો નથી,
અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી.

જે વ્યક્તિ મનમાં ધારે અને તેને સમર્પિત થઈને યોગ્ય પુરુષાર્થ કરે તો તે વિશ્વની અપ્રતિમ સિદ્ધિઓને હાંસલ કરે છે. 

એક બાળકે શાળાની દીવાલ પર મૂકેલા દુનિયાના સાત ખંડોના ઊંચા પહાડોનું ચિત્ર જોઈ વિશ્વની ટાંચે પહોચવાનું ધ્યેય બાંધ્યુ. 22 મે 2010 ના દિવસે 13 વર્ષીય બાળક જોર્ડન રોમેરોએ એવરેસ્ટ સર કરી વિશ્વના સૌથી નાની વયના એવરેસ્ટ સર કરનાર વ્યક્તિ તરીકેનો રેકોર્ડ સ્થાપ્યો. તે કહે છે : ‘વિશ્વની ટોચ પર પહોંચવું એ મારા જીવનનું મોટામાં મોટું ધ્યેય હતું. જે હું બને તેટલું જલદી પાર પાડવા માગતો હતા.

ભગવાન સ્વામિનારાયણ પણ પોતાનાં ગ્રંથ વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણનાં 33મા કહે છે : મનુષ્ય દેહે કરીને ન થાય તેવું શું છે ? ખરેખર, મનુષ્ય દેહે કરીને વ્યક્તિ ધારે તે કરી શકે છે. દુનિયાને અશક્ય લાગતાં કાર્યો શક્ય કરી શકે છે...

યુરીએ ચંદ્ર પર જવા માટે ધાર્યું તો તે ચંદ્ર પર પહોંચ્યો, વિલિયમ પીટે ધાર્યું તો 24 વર્ષે કશલવિં ઇીહબની શોધ કરી વિશ્વને અંધકારમાંથી બહાર કાઢ્યું.
શ્રીનિવાસને ધાર્યું તો ગણિતનાં - 6000 પ્રમેયો લખી ગણિત જગતના માપદંડ બદલી નાખ્યાં. 

પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે માણસ ભગવાનમાં શ્રદ્ધા રાખીને જ્યારે નક્કી કરે, ત્યારે કિસ્મત પણ તેની સામે નમન કરે છે. માણસની અંદર અસીમ શક્તિ સુપ્ત છે, પરંતુ તે ત્યારે જ પ્રગટે છે જ્યારે માત્ર વિચાર નથી રહેતી, પણ શ્વાસ બની જાય છે. જ્યારે દરેક પગલું ડર સામે બળવો બને છે, ત્યારે અશક્ય શબ્દ પોતે જ અર્થહીન થઈ જાય છે. આવી માનસિકતા વિકસે ત્યારે ભલે પગલાં ધ્રૂજતા હોય તો પણ, અંતે એ જ શિખર સુધી પહોંચે છે. પર્વતોને ઝૂકાવનાર બળ બહાર નથી, એ તો અંતરના વિશ્વાસમાં વસે છે. એક હૃદય જ્યારે જાગે, ત્યારે દુનિયાને બદલવાની શક્તિ પેદા થાય છે.

એટલે જ કહેવાયું છે,
પરાગ જો અંતરમાં હશે, તો તે પાંગરીને કદી પુષ્પ ખીલશે;
મનોરથો સ્વપ્ન મહીં હશે, તો સિદ્ધિરૂપે કાર્ય વિષે જ જન્મશે. 
(ઉ.શ. જોશી)