મુંબઈ: આલ્બેનિયામાં ચાલી રહેલા સરકારવિરોધી હિંસક પ્રદર્શનોને લઈને શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉત અને પક્ષનાં નેતા પ્રિયંકા ચતુર્વેદી વચ્ચે મતભેદ જોવા મળ્યા હતા. શિવસેનાના સાંસદ સંજય રાઉતે આલ્બેનિયામાં સુપ્રીમ કોર્ટને આગ ચાંપવામાં આવી હોવાની ઘટના અંગે ટિપ્પણી કરતાં ભારત સહિત તમામ દેશોએ આ ઘટનાઓમાંથી બોધપાઠ લેવો જોઈએ તેમ કહ્યું હતું. જોકે, પ્રિયંકા ચતુર્વેદીએ આ વિચારનો વિરોધ કરતાં સ્પષ્ટ કર્યું કે ભારતને બીજા કોઈ દેશ પાસેથી શીખવાની જરૂર નથી અને લોકશાહીમાં હિંસક રીતે સત્તા પરિવર્તન કરવાનું સમર્થન કરી શકાય નહીં.
સંજય રાઉતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આલ્બેનિયાના વિરોધપ્રદર્શનો અંગે પોસ્ટ કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે આલ્બેનિયાના પ્રદર્શનકારીઓએ સુપ્રીમ કોર્ટને આગ ચાંપી હતી, કારણ કે લોકોનો આરોપ હતો કે કોર્ટ ભ્રષ્ટ વડા પ્રધાનને મદદ કરી રહી છે. રાઉતે એમ પણ જણાવ્યું હતું કે પ્રદર્શનકારીઓએ સંસદભવન, સરકારી કચેરીઓ અને મંત્રીઓનાં ઘરોને નિશાન બનાવ્યાં હતાં. આ ઘટનાઓનો ઉલ્લેખ કરીને તેમણે તમામ દેશો, ખાસ કરીને ભારતે તેમાંથી બોધપાઠ લેવાની અપીલ કરી હતી.
अल्बानियात लोकांनी सर्वोच्च न्यायालय जाळून टाकले. सर्वोच्च न्यायालय भ्रष्ट पंतप्रधानांना मदत करत असल्याने लोक भडकले होते. आंदोलक जनतेने संसद आणि सरकारी कार्यालयांवर,मंत्र्यांच्या घरांवर देखील हल्ले केले आहेत. सर्व देशांनी या घटनांपासून धडा घेतला पाहिजे. विशेषतः 🇮🇳 https://t.co/3JSMJCMjXA
— Sanjay Raut (@rautsanjay61) October 19, 2026
રાઉતના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે ભારતને અન્ય દેશોના ઉદાહરણોમાંથી શીખવાની જરૂર નથી. આલ્બેનિયા એક નાનો દેશ છે અને ત્યાં લાંબા સમય સુધી સામ્યવાદી સરમુખત્યારશાહી રહી હતી, એમ જણાવતાં તેમણે કહ્યું કે કાયદો હાથમાં લેવો, વ્યવસ્થા ખોરવવી અને સુપ્રીમ કોર્ટ કે સંસદ જેવી બંધારણીય સંસ્થાઓને અસ્થિર કરવાનો પ્રયાસ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. લોકશાહીમાં સત્તા પરિવર્તન માટે હિંસાનો માર્ગ અપનાવવાનું યોગ્ય નથી, એમ તેમણે જણાવ્યું હતું.
પ્રિયંકા ચતુર્વેદીએ બાંગ્લાદેશમાં થયેલાં વિરોધપ્રદર્શનોનું ઉદાહરણ આપીને હિંસક સત્તા પરિવર્તનને યોગ્ય ઠેરવવાના પ્રયાસો સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી. તેમના જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશમાં શરૂઆતમાં વિદ્યાર્થીઓના આંદોલન તરીકે દેખાયેલાં પ્રદર્શનો બાદ ઇસ્લામિક કટ્ટરપંથી જૂથોએ તેમાં પ્રભાવ વધાર્યો હતો અને હિન્દુઓ સહિત લઘુમતી સમુદાયો પર હુમલાઓ થયા હતા. આવા બનાવોમાંથી પ્રેરણા લઈને સત્તા પરિવર્તનની વાત કરવી દુઃખદ છે, એમ જણાવ્યું હતું.
My message in this post was for those who claim they are inspired by Bangladesh Protests, but for those trolling, if the shoe fits, wear it, Cinderella ;-)
— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) October 19, 2026
ભારતમાં સત્તા પરિવર્તન હંમેશાં ચૂંટણી અને લોકશાહી પ્રક્રિયા દ્વારા જ થવું જોઈએ, એવી ભૂમિકા પણ પ્રિયંકા ચતુર્વેદીએ રજૂ કરી હતી. તેમણે ભૂતકાળમાં દેશમાં લાદવામાં આવેલી કટોકટીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ત્યાર બાદ યોજાયેલી ચૂંટણીમાં જનતાએ પોતાનો નિર્ણય આપ્યો હતો અને સત્તા પરિવર્તન લોકશાહી માર્ગે થયું હતું. તેમણે સ્પષ્ટ કર્યું કે આલ્બેનિયા, પેરિસ કે અન્ય દેશોમાં થયેલી હિંસક ઘટનાઓને ભારત માટે માર્ગદર્શક ઉદાહરણ તરીકે જોવાની જરૂર નથી.