ઘાટકોપરમાં પાંચ લાખની ખંડણી લેતી વખતે મહિલા રંગેહાથ પકડાઇ
મુંબઈ: જ્વેલરી શોપના મેનેજરને તેનો અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી તેની પાસેથી ચાર કરોડ રૂપિયા વસૂલવા બદલ ક્રાઇમ બ્રાન્ચે મહિલાની ધરપકડ કરી હતી. મહિલાએ વધુ રૂપિયા માગ્યા હતા અને તે ન આપે તો જાનથી મારી નાખવાની મેનેજરને ધમકી આપી હતી. પોલીસે ત્યાર બાદ ઘાટકોપર વિસ્તારમાં છટકું ગોઠવ્યું હતું અને પાંચ લાખ રૂપિયાની ખંડણી સ્વીકારતી વખતે તેને રંગેહાથ પકડી પાડી હતી.
ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-7ના અધિકારીઓએ ધરપકડ કરાયેલી મહિલાની ઓળખ નાઝિયા મેહમૂદ શેખ ઉર્ફે નાઝનીન તરીકે થઇ હતી. પોલીસના જણાવ્યા અનુસાર ઘાટકોપર પૂર્વમાં રહેનારા ફરિયાદી કુર્લા પશ્ર્ચિમમાં જ્વેલરી શોપમાં મેનેજર તરીકે કામ કરે છે. 2020માં નાઝિયા દાગીના ખરીદવા માટે શોપમાં આવી હતી. એ સમયે ફરિયાદી સાથે તેની ઓળખાણ થઇ હતી. તેણે ફરિયાદીનો વિશ્ર્વાસ સંપાદન કર્યો હતો અને ત્યાર બાદ વિવિધ કારણ બતાવીને તેની પાસેથી ઉછીના પૈસા લીધા હતા.
ડિસેમ્બર, 2024થી જાન્યુઆરી, 2025 દરમિયાન તેણે ફરિયાદીને વ્હૉટ્સઍપ અને વીડિયો કૉલ કર્યો હતો અને અશ્ર્લીલ વીડિયો રેકોર્ડ કરી લીધો હતો અને એ વીડિયો વાયરલ કરવાની ધમકી તેણે આપી હતી. ઉપરાંત એ વીડિયો ઇન્ટરનેટના માધ્યમથી પોલીસ, અદાલત અને સીબીઆઇને મળ્યો હોવાથી તપાસ માટે બોલાવ્યાનું ફરિયાદીને તેણે જણાવ્યું હતું.દરમિયાન મહિલાએ 2024થી અત્યાર સુધી ફરિયાદી પાસેથી ચાર કરોડ રૂપિયા વસૂલ્યા હતા.
જોકે તે વધુ રૂપિયા માગી રહી હતી અને તે ન આપે તો હાથ-પગ તોડવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપતી હોવાથી ફરિયાદીએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. આ મામલે તપાસ કર્યા બાદ ક્રાઇમ બ્રાન્ચે 18 ઑક્ટોબરે ઘાટકોપર પશ્ર્ચિમમાં એલ.બી.એસ. રોડ પર છટકું ગોઠવ્યું હતું અને તેને પાંચ લાખ રૂપિયા લેતાં પકડી પાડી હતી. આ પ્રકરણે ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.