નાગોયાઃ દિવ્યાંગ ઍથ્લીટો અને ખેલાડીઓ માટેની એશિયન પૅરા ગેમ્સ, 2026માં ભારતીય સ્પર્ધકોએ મંગળવારના બીજા દિવસના પર્ફોર્મન્સને સોમવારના પ્રથમ દિવસના દેખાવને પણ ઝાંખો પાડી દીધો હતો. સોમવારે ભારતીયોએ ચાર ગોલ્ડ સહિત 11 ચંદ્રક જીત્યા હતા, જ્યારે મંગળવારે ભારતીય સ્પર્ધકોએ પાંચ ગોલ્ડ સહિત 24 ચંદ્રક જીતીને કુલ મેડલનો આંકડો 35 ઉપર પહોંચાડી દીધો હતો જેમાં નવ સુવર્ણચંદ્રક સામેલ હતા. મેડલ-ટેબલ (Medal Table)માં ભારત છઠ્ઠા નંબર પર હતું. આ યાદીમાં ચીન (70 ગોલ્ડ સહિત કુલ 152 મેડલ સાથે) પ્રથમ સ્થાને, ઉઝબેકિસ્તાન (17 ગોલ્ડ સહિત કુલ 56 મેડલ સાથે) બીજા ક્રમે અને યજમાન જાપાન (16 ગોલ્ડ સહિત કુલ 63 મેડલ સાથે) ત્રીજા સ્થાને હતું.
ગયા મહિને નૉર્મલ ઍથ્લીટો માટે આયોજિત એશિયન ગેમ્સમાં ભારતીયો પ્રથમ બે દિવસમાં માંડ છ ચંદ્રક જીત્યા હતા જેમાં એકેય ગોલ્ડ નહોતો. જોકે દિવ્યાંગ સ્પર્ધકો પહેલા દિવસથી જ છવાઈ ગયા છે.
મંગળવારના બીજા દિવસે ખેડૂત-પુત્રી દીપ્તિ જીવનજી 400 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીતી હતી. પુરુષોની ડિસ્ક્સ થ્રોમાં દેવેન્દર કુમારે ચૅમ્પિયન બનીને (ગોલ્ડ જીતીને) ભારતનું ગૌરવ વધાર્યું હતું. ખરેખર તો આ રમતની એફ-44/64 કૅટેગરીમાં ત્રણેય મેડલ ભારતીયોએ જીતી લીધા હતા. ડિસ્ક્સ થ્રોની જ એફ-51/53 કૅટેગરીમાં ભારતના પ્રણવ સૂરમાએ સુવર્ણચંદ્રક મેળવ્યો હતો.
`જમ્પિંગ કિંગ' નિશાદ કુમારે સોમવારે લાંબા કૂદકાની હરીફાઇમાં ડેબ્યૂ કરીને સુવર્ણચંદ્રક જીતી લીધો ત્યાર બાદ મંગળવારે ઊંચા કૂદકાની પોતાની ફેવરિટ હરીફાઈમાં પણ ગોલ્ડ મેડલ પર કબજો કર્યો હતો.
રવિવારની ઓપનિંગ સેરેમનીમાં ભારતીયો 5,000 વર્ષ જૂની સંસ્કૃતિની ઝાંખી કરાવતા બ્લૅઝર સાથે અને હાથમાં તિરંગો લઈને સમગ્ર સમારોહમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અને એ ભારતીય સંઘની ધ્વજવાહક સિમરન શર્મા મંગળવારે 200 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીતી હતી.
ત્રણ ગુજરાતી મહિલા ઍથ્લીટે પણ મંગળવારે દેશને નારાજ નહોતો કર્યો. તેઓ બ્રૉન્ઝ મેડલ જીતી હતી. તેજલબેન ડામોરે 200 મીટર દોડમાં, ટેબલ ટેનિસમાં ભાવિન પટેલે અને ટેબલ ટેનિસમાં જ સોનલબેન નામના સ્પર્ધકે સેમિ ફાઇનલમાં પરાજિત થવા છતાં (રમતોત્સવના નિયમ અનુસાર) બ્રૉન્ઝ મેડલ જીતી લીધો હતો.