ડૉ. નિરંજન રાજ્યગુરુ
માયા કુંડલિની ક્રિયા મધુમતી, કાલિ કલા માલિની,
માતંગી વિજયા જયા ભગવતી, દેવી શિવા શાંભવી;
શક્તિ શંકર વલ્લભા ત્રિનયના, વાગ્વાદિની ભૈરવી,
હ્રીઁકારી ત્રિપુરપુરા ભગવતી, દેવી શિવા શાંભવી.
ભારતીય સનાતન ધર્મના આપણા પૂર્વજોએ વર્ષમાં ચાર નવરાત્રનું આયોજન કરેલું. મહા, ચૈત્ર, અષાઢ અને આસો એ ચાર મહિનાના અજવાળી-શુકલ પક્ષની એકમથી નોમ સુધીના નવ દિવસો નવરાત્રીના દિવસો / શક્તિ ઉપાસના દિવસો ગણાય. એમાં ચૈત્રી નવરાત્ર વસંત ૠતુની અને આસો નવરાત્ર શરદ ૠતુની. જે દુર્ગા પૂજન માટે અતિ ઉત્તમ ગણાય. આસો માસના નોરતાંનો મહિમા તો સારાય ભારતમાં વર્ષમાં અતિ મહત્ત્વનો છે.
એમાં સમાજના તમામ વર્ગને સરખું જ મહત્ત્વ અપાયું હોય. સુથાર માંડવડી ઘડે, રંગારો રંગી આપે, કુંભાર ગરબો ને કોડિયાં બનાવી આપે, ઘાંચી તેલ દીવેલ લાવે તો પિંઝારો રૂ લાવી આપે, બ્રાહ્મણ શક્તિ ઉપાસનાના શ્ર્લોક-ગરબીનું ગાન કરતો હોય તો દોશીડો ચૂંદડી લાવે, સોની હાર, નક્વેસર, નથડી ને ઝાંઝરી લાવે, માળી ગજરાને હાર લાવે, મણિયારો માતાજી માટે ચૂડલા લઈ આવે, રૂખી ઢોલ લઈને તાલ દેવા આવે, મુસ્લીમ મીર-લંઘા શરણાઈ વગાડે... આમ સૌ પોતપોતાની યથાશક્તિ માતાજીની ઉપાસના અર્થે યોગદાન આપે.
નોરતાંના નવે દિવસોમાં નવદુર્ગા રૂપે શૈલપુત્રી, બહ્મચારિણી, ચંદ્રઘંટા, કૂષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી અને સિધ્ધિદાત્રી તરીકે મહામાયા આદ્યશક્તિનાં સ્વરૂપોની પૂજા થાય જે આસુરી બળોનો સંહાર કર છે. દુર્ગા એટલે દુર્ગતિ અને દુર્ભાગ્યથી બચાવનારી દૈવી શક્તિ.
આસો નવરાત્રીમાં ભગવાન શ્રી રામે દુર્ગાપૂજા કરેલી છે. ભારતવર્ષનો સંભવત: સૌથી વ્યાપક એવો ઉત્સવ એટલે નવરાત્ર ઉત્સવ. ભારત વર્ષની તમામ જ્ઞાતિઓમાં શક્તિ ઉપાસના-કુળદેવીની પૂજા તરીકે થતી રહી છે. ગુજરાત પ્રદેશમાં અંબાજી, બહુચરાજી અને મહાકાળી એ ત્રણ અતિ મહત્ત્વના શક્તિ સ્થાનકો છે.
ગુજરાતની શક્તિપીઠોમાં બનાસકાંઠામાં આરાસુરી અંબાજી, મહેસાણા જિલ્લાના ચુંવાળ પ્રદેશમાં શંખલપુરનાં બહુચરાજી, ઊંઝામાં ઉમિયાજી, મોઢેરાનાં માતંગી, ગિરનારના અંબિકાજી, સોમનાથના ચન્દ્રભાગા-કાલીપીઠ જેવાં અનેક દેવી સ્થાનકો જોવા મળે.
કચ્છનાં આશાપુરા, આબુનાં મહાકાલી અને અંબાભવાની, પાવાગઢનાં ખપ્પરવાળી મહાકાલી, અમદાવાદનાં ભદ્રકાલી, માંડલનાં ખંભલાય, સિંધ પાકિસ્તાનના દેવી હિંગળાજનાં સમગ્ર ગુજરાત પ્રદેશમાં આવેલાં સ્થાનકો, અરણેજનાં બુટભવાની જેવાં સ્વરૂપોની પૂજા અર્ચના સમસ્ત ગુજરાતી પ્રજા કરે છે. આદ્યશક્તિ ઉમૈયા માતાજીના સ્વરૂપમાં નવે નવ દુર્ગાનો સમન્વય છે
સૌરાષ્ટ્ર પ્રદેશમાં ગિરનાર ઉપરનાં અંબાજી તથા રૂદ્રકાલિકા મહાકાલી, ચોટીલા ડુંગરનાં મા ચામુંડા, દ્વારકા પાસે બરડિયા તથા બેટ દ્વારકાનાં મા ચન્દ્રભાગા, કોયલા ડુંગરનાં મા હરસિદ્ધિ, હળવદ/ મહુવા/ક્તપર પાસેનાં મા સુંદરીભવાની, ગિરમાં કનકાઈ, ગોંડલનાં મા ભુવનેશ્વરી, પાટણવાવનાં માત્રીમાતા, તાંતણિયા ધરા ભાવનગર, ખોડલધામ-કાગવડ અને માટેલનાં ખોડિયાર, સિદસરના ઉમૈયાજી, કાલાવડનાં શીતલા, દડવાનાં રાંદલ, શિહોરનાં શિહોરીમાનાં સ્થાનકો ખૂબ જ જાણીતાં છે.
જાડેજા વંશના કુળદેવી તરીકે કચ્છના માતાના મઢ/જામનગર/ ગોંડલ/રાજકોટ/ ખંભાળિયા/ ઘુમલીનાં આશાપુરા, વઢવાણનાં વાઘેશ્વરી,ભાવનગરનાં રૂવાપરી, સરાનાં મેલડી, જૂનાગઢનાં ગાયત્રી, મોવિયાનાં સંતોષીમાનાં મંદિરોમાં નવરાત્રીના દિવસોમાં તો અસંખ્ય લોકો દર્શન કરવા જાય છે. સુરત અને અમદાવાદના જસપુરમાં અદ્યતન વિશાળ બંધાઈ રહેલ ઉમૈયાધામ આજે અનેક કડવા પાટીદાર પરિવારોનાં આસ્થાનાં સ્થાન બની રહ્યાં છે. હવે તો ભારતભરનાં શહેરોમાં અને વિદેશની ધરતી પર પણ મા ઉમૈયા તથા ખોડલનાં સ્થાનકો નિર્માણ પામી રહ્યાં છે.
ઉપરાંત ગામડે ગામડે અંબા/અંબિકા, કાલિકા, ચામુંડા, ખોડિયાર, મછુન્દ્રી, મમ્માઈ, શિકાતરી, આવડ, બ્રહ્માણી, મહિયારી, મહાલક્ષ્મી, મેલડી, ભથવારી વગેરા દેવીઓનાં પ્રાચીન/અર્વાચીન અનેક સ્થાનકો આવેલાં છે.
યા દેવી સર્વ ભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ:
સમગ્ર સૃષ્ટિની પ્રકૃતિ ત્રણ ગુણોથી બનેલી છે. સત્ત્વગુણ, તમોગુણ અને રજોગુણ. સાત્ત્વિક, રાજસ ને તામસ એ ત્રણ ભાવોથી મહાસરસ્વતી, મહાલક્ષ્મી અને મહાકાલી એ ત્રણ મૂળ શક્તિઓ છે.
આજે પણ કચ્છ-સૌરાષ્ટ્ર-ગુજરાતનાં ગામડાંઓ અને શહેરોમાં નવરાત્રિના નવલા દિવસો દરમ્યાન નાનકડી બાલિકાઓને કંઠેથી આવાં શક્તિસ્તવનો વારવાર સાંભળવા મળે.
હે રૂડે ગરબે રમે છે દેવી અંબીકા રે, પાય વાગે છે ઘૂઘરીના ઘમકા રે,
કે રૂડે ગરબે રમે છે દેવી અંબીકા રે...
સ્વર્ગ લોકમાંથી વિષ્ણુ દેવ આવિયા રે, સાથે લક્ષ્મીજીને તેડી લાવિયા રે,
*
મારો ગરબો રે રમે રાજને દરબાર, માનો ગરબો રે રમે રાજને દરબાર
રમતો ભમતો રે ગ્યો છે કુંભારી ને દ્વાર..
*
ગરબો જલતો જાય, આજ માનો ગરબો જલતો જાય,
પવન ઝપાટા ખાય, તોય માનો ગરબો જલતો જાય...