Tue Oct 20 2026

Logo

‘ભારતમાં સત્તા પરિવર્તન નહીં થાય’: મોહન ભાગવતે વિપક્ષોને આપ્યો કડક જવાબ...

2026-10-20 15:58:49
Author: Mumbai Samachar Team
‘ભારતમાં સત્તા પરિવર્તન નહીં થાય’: મોહન ભાગવતે વિપક્ષોને આપ્યો કડક જવાબ...

નાગપુર: ચૂંટણી પંચની કામગીરીને લઈ સીજેપી સહિત વિરોધ પક્ષો એક થઈને અનેક વિરોધ પ્રદર્શનો પછી સત્તા પલટાની વાતોએ જોર પકડ્યું હતું ત્યારે આજે નાગપુરમાં શસ્ત્રપૂજા કરવાની સાથે આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે ભારતમાં સત્તા પરિવર્તનને કોઈ ચાન્સ નથી.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સરસંઘચાલક મોહન ભાગવતે નાગપુરમાં આયોજિત વિજયાદશમી ઉત્સવમાં સત્તા પરિવર્તન એટલે કે ‘રેજિમ ચેન્જ’ના મુદ્દે નિવેદન આપતાં કહ્યું કે સત્તા બદલવાથી પરિસ્થિતિ બદલાઈ જશે એવું માનવું યોગ્ય નથી. ફ્રાન્સ, આલ્બેનિયા, નેપાળ અને બાંગ્લાદેશમાં થયેલી રાજકીય ઊથલપાથલનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે આવા પ્રયાસોથી ઇચ્છિત પરિણામ મળતાં નથી. ભારતને અસ્થિર કરવાના પશ્ચિમી આસુરી શક્તિઓના પ્રયાસો પણ સફળ નહીં થવા દેવાય, એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા આંદોલનોને પગલે ભારતમાં પણ નેપાળ અને બાંગ્લાદેશની પાર્શ્વભૂમિ પર સત્તા પરિવર્તન થશે તેવા એંધાણ સેવાઈ રહ્યા છે. ભારત બાદ ઈટલી,ફ્રાન્સ, અલ્બેનિયા, નેપાળ અને બાંગ્લાદેશમાં પણ આવો જ માહોલ જોવા મળી રહ્યો છે. પણ મોહન ભાગવતે આ બાબતને પશ્ચિમ તરફથી આવી રહેલી આસુરી શક્તિ ગણાવી છે. અને તેમનો રેજીમ ચેન્જના મનસૂબા પર પાણી ફરી વળશે તેવો વિશ્વાસ સરસંઘચાલક મોહન ભાગવતે વ્યક્ત કર્યો હતો. 

નાગપુરના રેશિમબાગ મેદાનમાં સંઘના શતાબ્દી વર્ષના સમાપન પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં ભાગવતે આરોપ લગાવ્યો કે પશ્ચિમી તાકાતો ભારતની પ્રગતિ અને વધતી વૈશ્વિક પ્રતિષ્ઠાને નબળી પાડવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું કે આવી તાકાતો સામાજિક વિભાજનનો લાભ લઈને પોતાના હિતોને આગળ વધારવા માગે છે અને પ્રભાવશાળી સ્થાનો પર પોતાના સમર્થકોને સ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે. તેમણે કહ્યું કે ભારતે મજબૂત નીતિઓ, નેતૃત્વ અને રાષ્ટ્રીય આત્મવિશ્વાસના આધારે વિશ્વમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.

ભાગવતે દેશમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આંદોલનોનો હેતુ સમસ્યાઓનું સમાધાન લાવવાનો હોવો જોઈએ, સમાજમાં કડવાશ, નફરત કે વિભાજન ઊભું કરવાનો નહીં. વિરોધ કરનારા જૂથો, કાયદો અને વ્યવસ્થા જાળવનારા અધિકારીઓ તથા રાજકીય નેતાઓએ બંધારણ, કાયદા અને સામાજિક મર્યાદાઓનું પાલન કરવું જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું. તેમના આ નિવેદનને દેશમાં સત્તા પરિવર્તન અને વિરોધ પ્રદર્શનો અંગે ચાલી રહેલી ચર્ચાના સંદર્ભમાં જોવામાં આવી રહ્યું છે.

આરએસએસના વડાએ ભારતની પ્રગતિનો ઉલ્લેખ કરતાં કહ્યું કે દેશની નવી પેઢીમાં રાષ્ટ્રીય ગૌરવ અને દેશ માટે કંઈક કરવાની ભાવના વધી રહી છે. તેમણે દાવો કર્યો કે ભારતની મજબૂત નીતિઓ અને નેતૃત્વને કારણે દેશે છેલ્લા કેટલાક દાયકાઓમાં પ્રગતિ કરી છે. 
ભાગવતના જણાવ્યા અનુસાર દેશની એકતા અને સામાજિક સમરસતા જાળવી રાખવી જરૂરી છે, જેથી આંતરિક મતભેદોનો લાભ ઉઠાવીને કોઈ પણ તાકાત ભારતને નબળું પાડી ન શકે.

વિજયાદશમીના આ સંબોધનમાં ભાગવતે વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવવાની પણ હિમાયત કરી હતી. નેપાળમાં તાજેતરમાં આવેલી કુદરતી આફતનો ઉલ્લેખ કરીને તેમણે હિમાલયના વિસ્તારમાં એકતરફી વિકાસની અસરો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે વિકાસની યોજનાઓમાં પર્યાવરણની મર્યાદાઓને ધ્યાનમાં લેવી જોઈએ અને આર્થિક પ્રગતિ એટલી મોંઘી સાબિત ન થવી જોઈએ કે માનવજીવન જોખમમાં મુકાય.

ભાગવતે વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિકાસને આવકારવાની સાથે કૃત્રિમ બુદ્ધિમત્તા (એઆઈ)ના દુરુપયોગથી ખોટી માહિતી ફેલાવવાની શક્યતા અંગે પણ ચેતવણી આપી હતી. તેમણે ઓટીટી સામગ્રીની અસરો અંગે સરકારને વિચારણા કરવાની અપીલ કરી હતી. યુવાનોમાં વધતા નશાના વ્યસનને ગંભીર સામાજિક ચિંતા ગણાવી તેમણે સરકાર, વહીવટીતંત્ર, પરિવારો અને સમાજને સંકલિત પ્રયાસો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

આ ઉપરાંત, ભાગવતે ‘વંદે માતરમ’ને રાષ્ટ્રીય એકતા અને દેશભક્તિના પ્રતીક તરીકે યાદ કર્યું હતું. બંગાળના વિભાજનના વિરોધમાં થયેલા આંદોલનનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે લોર્ડ કર્ઝન દ્વારા ધાર્મિક આધાર પર બંગાળના વિભાજનના પ્રસ્તાવનો સમાજે મજબૂત વિરોધ કર્યો હતો અને બ્રિટિશ સરકારે અંતે આ યોજના પાછી ખેંચવી પડી હતી. તેમણે વિવિધતાને સ્વીકારવા, સામાજિક એકતા જાળવવા અને ભારતના વિકાસમાં સમગ્ર સમાજની ભાગીદારીને મહત્ત્વપૂર્ણ ગણાવી હતી.