અનવર વલિયાણી
માનસિક શાંતિના સચોટ ઉપાયો: કોઈપણ વસ્તુ ઈશ્વરની અનુમતિ વગર બની શકે નહીં એક સામાન્ય માન્યતા એવી છે કે, માનસિક શાંતિ માટે તંદુરસ્ત શરીર અને આર્થિક સધ્ધરતા અનિવાર્ય છે પરંતુ હકીકતમાં આ બન્ને હોવા છતાં પણ ઘણા મનુષ્યો સતત માનસિક અશાંતિમાં જ જીવન જીવતાં જણાય છે.
શું તમે આ કક્ષામાં આવો છો? જો આવતા હોવ તો શ્રી એન. એન. અનંથનારાયનન લિખિત ‘Positive Aids to Peace of Mind' નામની ગહન ચિંતન-પ્રેરક લઘુ પુસ્તિકા કે જેનું ગુજરાતીમાં શ્રી આર. સી. શાહે દાયકાઓ પૂર્વે અનુવાદ કરેલ ‘માનસિક શાંતિના સચોટ ઉપાયો’ ‘મુંબઈ સમાચાર’ની લોકપ્રિય પૂર્તિમાંની એક એવી આ પૂર્તિના શ્રદ્ધાળુ વાચકોએ વાંચવા અને તેના પરથી બોધ ગ્રહણ કરવા રહ્યા.
-કદાચ તમારી અશાંતિનું કારણ તમે જાતે જ હો? તેથી તમારી અશાંતિ તમે જાતે જ દૂર કરવા શક્તિમાન છો. કેવી રીતે, તે ચાલો આપણે જોઈએ.
પારકી પંચાત કરશો નહીં. તમે વારંવાર બીજાના કામમાં માથું મારો છો? કદાચ બીજા ખોટા પણ હોય, પણ તેથી તમારે અશાંત અને અસ્વસ્થ થવાની શી જરૂર?
કોઈની પણ ટીકા કરશો નહીં. બીજાના કાર્યનો ન્યાય તોલવાનો ઈશ્વરે તમને અધિકાર આપ્યો નથી. આમ તો બધા જ મનુષ્યો, તેમના હૃદય સિંહાસન પર બિરાજેલા ભગવાનની પ્રેરણા અને દોરવણી મુજબ જ કાર્ય કરતા હોય છે તેથી સુવર્ણ નિયમ તો એજ છે કે...
કોઈપણ વ્યક્તિની કે કોઈપણ કાર્યની કદી ટીકા કરવી નહીં. બીજાના કામમાં માથું મારવું નહીં. માનસિક શાંતિ માટે આ નિયમનું ચુસ્તપણે પાલન કરવું ખૂબ જ જરૂરી છે. જે વ્યક્તિને મન, દુનિયાથી તમામ વસ્તુઓ કરતાં માનસિક શાંતિની કિંમત વધારે છે, તેને માટે આ ઉત્તમોત્તમ નિયમ છે.
દુનિયાની કોઈપણ વસ્તુ પર તમે ધ્યાન રાખો એ જરૂરી નથી, દરેક વસ્તુનું ઈશ્વર ધ્યાન રાખે જ છે. હકીકતમાં તો ઈશ્વર આપણી પણ સંભાળ લે છે જ. આ નક્કર સત્ય કદી ભૂલશો નહીં. સ્વ. કવિ બાલાશંકરે સાચું જ ગયું છે કે- ‘જગત કાજી થઈને તું વહોરી ના પીડા લે જે...!’ ફરીથી કહી દો કે ‘તમે તમારું સંભાળો, કોઈ વ્યક્તિની કે કોઈ કાર્યની કદી ટીકા કરશો નહીં, ટીકા એ ઈર્ષા - નિંદા જ છે. કારણ કે જે કાંઈ થાય છે - બને છે - તે ઈશ્વરની ઈચ્છાથી જ બને છે.
કોઈપણ વસ્તુ ઈશ્વરની ઈચ્છા, સંમતિ કે અનુમતિ સિવાય બની શકે જ નહીં.
ધારો કે કોઈ ઘટના બની છે. તમારી દૃષ્ટિએ એ ઘટના સારી પણ હોય કે ખરાબ પણ હોય. પણ, એ તો નક્કર હકીકત છે કે એ ઘટના ઈશ્ર્વરની સંમતિ વગર બની નથી જ. તેથી તમે એ ઘટનાની ટીકા કરો તો એનો અર્થ એજ થાય કે તમે ઈશ્વરની ઈચ્છાને પડકારો છો. તમે ઈશ્વરના શાણપણની, તેની ન્યાય બુદ્ધિની જ ટીકા કરો છો. ‘ધર્મતેજ’ પૂર્તિના વહાલા વાચક મિત્રો! જો તમે માનસિક શાંતિ ઈચ્છતા હો તો જે થાય છે તે ઈશ્વરની ઈચ્છાથી જ થાય છે. તે માટે તેની ટીકા કદી પણ કરશો નહીં.
ઈશ્વર પ્રત્યેક પ્રસંગ, ઘટના કે બનાવનો સમગ્ર દૃષ્ટિએ વિચાર કરે છે, જ્યારે મનુષ્ય તો મર્યાદિત દૃષ્ટિએ જ વિચાર કરે છે.
ઈશ્વર ઘટનાઓની, વર્તમાન, ભૂત અને ભવિષ્યકાળની સમગ્ર દૃષ્ટિએ વિચાર કરે છે, જ્યારે મનુષ્ય ભવિષ્યને ધ્યાનમાં ન લેતાં વર્તમાનકાળની દૃષ્ટિએ જ ઘટનાઓને ઘટાવે છે.તેથી જ, જ્યાંમનુષ્યને વિસંવાદિતા દેખાય છે, ત્યાં ઈશ્વરને સંવાદિતા દેખાય છે, જ્યાં મનુષ્યને તર્કનો અભાવ જણાય છે, ત્યાં ઈશ્વરને સંપૂર્ણ તર્ક શુદ્ધતા જણાય છે.
વહાલા વાચક મિત્રો! જરા તમારી જાતને, ઈશ્વરને સ્થાને મૂકી જુઓ! માનો કે તમે પોતે જ ઈશ્વર છો અને આખુંયે વિશ્વ તમારું જ સર્જન છે અને તમારી ઈચ્છા મુજબ તેનું સંચાલન થાય છે.
- પ્રસ્તુત લેખનો બોધપૂર્ણ ભાગ આવતા અંકના બીજા ભાગમાં વાંચીશું અને માનસિક શાંતિના સચોટ ઉપાયો જાણીશું.