મુંબઈ: પશ્ચિમ ઉપનગરના મલાડ (પૂર્વ)માં આઈટી પાર્ક નજીક એક રહેણાંક સોસાયટીમાં મંગળવારે વહેલી સવારના એક દીપડો જોવા મળ્યો હતો, તેને પગલે સ્થાનિક રહેવાસીઓમાં ગભરાટ વ્યાપી ગયો હતો.ફોરેસ્ટ ઓફિસરને જણાવ્યા મુજબ મલાડની રહેજા હાઈટ્સના સીસીટીવી કેમેરામાં રાતના ત્રણથી ચાર વાગ્યાની વચ્ચે પાર્કિંગ એરિયા દીપડો ફરી રહ્યો હોવાની ઘટના કેદ થઈ ગઈ હતી. આ ઘટનાનો વિડિયો વાયરલ થઈ ગયો હતો, તેને કારણે સ્થાનિક રહેવાસીઓની ચિંતા વધી ગઈ છે.
સ્થાનિક રહેવાસીઓના દાવા મુજબ અહીં દીપડો જોવા મળવો એ કોઈ નવી વાત નથી અને ભૂતકાળમાં પણ અનેક આસપાસના વિસ્તારોમાં દીપડા ફરતા હોવાનું જણાઈ આવ્યું છે.જોકે રહેણાંક વિસ્તારમાં દીપડો દેખાવાને કારણે સ્થાનિક રહેવાસીઓએ તેમની સુરક્ષાને લઈને વન વિભાગ અને સત્તાધીશ સાથે જાહેર સલામતી સુનિશ્ર્ચિત કરવા અને કોઈ પણ સંભવિત માનવ-વન્યજીવનો સંઘર્ષ ટાળવા માટે તાત્કાલિક નિવારક પગલા લેવાની વિનંતી કરી છે.
આ દરમ્યાન વન વિભાગે નાગરિકોને સતર્ક રહેવાની સલાહ આપી છે. ખાસ કરીને મોડી રાતના અને વહેલી સવારના સમયે વન્ય જીવોની હિલચાલ વધુ હોય છે.