Wed Sep 09 2026

Logo

ખેતરમાં વૃક્ષ સાથે રસ્સી બાંધીને ખેડૂતે ગળાફાંસો ખાધો: ત્રણ સામે ગુનો

2026-08-27 19:00:00
Author: Yogesh D. Patel
ખેતરમાં વૃક્ષ સાથે રસ્સી બાંધીને ખેડૂતે ગળાફાંસો ખાધો: ત્રણ સામે ગુનો

લાતુર: લાતુર જિલ્લામાં વ્યાજ પર રૂપિયા આપનારા ત્રણ જણના ત્રાસથી કંટાળી 45 વર્ષના ખેડૂતે પોતાના ખેતરમાં વૃક્ષ સાથે રસ્સી બાંધીને ગળાફાંસો ખાધો હતો.

મૃતકની ઓળખ રામદાસ શિવાજી બોલેગાવે તરીકે થઇ હતી, જે ઉદગીર તહેસીલના હંદરગુલી ગામનો રહેવાસી હતો. રામદાસ ગુરુવારે સવારે 6.30 વાગ્યે મોરતાલવાડી નજીક પોતાના ખેતરમાં વૃક્ષ સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.
સ્થાનિક પોલીસ સ્ટેશનમાં દાખલ એફઆઇઆર અનુસાર હાલી ગામમાં રહેનારા આરોપી વિક્રમ ઉર્ફે જંતુ રાજપાલ માને, જીવન ચંદ્રકાંત માને અને ચંદ્રકાંત માને પાસેથી રામદાસે વ્યાજ પર પૈસા લીધા હતા.

આરોપીઓ પોતાના પૈસા પાછા માગી રહ્યા હતા અને એ માટે રામદાસને ત્રાસ આપી રહ્યા હતા. તેમણે રામદાસને ધમકી પણ આપી હતી. તેમના ત્રાસથી કંટાળીને રામદાસે અંતિમ પગલું ભર્યું હતું, એમ રામદાસના ભાઇએ નોંધાવેલી ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો.

પોલીસે રામદાસના ભાઇની ફરિયાદને આધારે ત્રણ જણ સામે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આ પ્રકરણે તપાસ ચાલી રહી હોઇ હજી સુધી કોઇની ધરપકડ કરવામાં આવી ન હોવાનું પોલીસ અધિકારીએ કહ્યું હતું.

(પીટીઆઇ)