Thu Jun 25 2026

Logo

કચ્છી ચોવક: ભાગ્ય કોઈ વાંચી નથી શકતું

2026-05-27 16:04:53
Author: કિશોર વ્યાસ
Article Image

ચોવકો અને રૂઢિપ્રયોગ, મારા અભ્યાસ મુજબ સ્વત: પ્રફૂટ થાય છે. કોઈ કારણવશ કોઈ પર કટાક્ષ કરવો હોય કે વ્યંગબાણ છોડવાં હોય ત્યારે આ પ્રકારમાં સમાવી શકાય તેવા શબ્દો પ્રગટે છે અને વાચાને માર્મિક બનાવે છે,કે, સાંકેતિક બનાવે છે.કોઈપણ ભાષા હોય આ બન્ને પ્રકારો ભાષાવિકાસના પ્રકાશક અને પરિચાયક બની રહે છે. 

ભાષાનો ઈતિહાસ એ વાતની હામી ભરે છે કે, આદિકાળથી પ્રત્યેક ભાષા અનુકરણના સહારે વિકાસ પામી છે. આ બન્ને પ્રકારો ખરેખરતો સુંદર કલ્પનો ખડાં કરીને ભાષામાં પ્રાણ પૂરે છે, ભાષાને સુંદર અને આકર્ષક બનાવે છે. રૂઢિપ્રયોગોને કાવ્યના અને ચોવકોને ગદ્યના સહોદર કહીએ તો એ અતિશયોક્તિ નથી! કચ્છમાં, ખાસ કરીને, રણપ્રદેશ અને વિસ્તૃત સમુદ્રકાંઠાના કારણે આ બન્ને પ્રકારો ખાસિયતોના પરિચાયક બની ગયા છે.

રણપ્રદેશમાં જનજીવનમાં ઊંટ જેવા પશુની ભૂમિકા ઘણી મહત્ત્વપૂર્ણ રહી છે. ઊંટ ઉપરાંત ઘોડા પણ ચોવકો અને રૂઢિપ્રયોગોમાં અલગ સ્થાન મેળવી શક્યા છે. એક ઉક્તિ જોઈએ "ઊઠવારો તાલ” આ ઉક્તિ રૂઢિપ્રયોગ અને ચોવક બન્ને પ્રકારમાં આવરી લેવાઈ છે. આમ તો તેનો અર્થ વિવેચકો તાલ વિનાનાં વાદન અને નૃત્ય જેવો કરે છે. પણ, ઊંટની ચાલ પરથી `તાલ' શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હોવો જોઈએ ! 

આવા, ઊંટ જેવા પશુને આવરી લઈને કોઈ મૂરખ લાગતી વ્યક્તિ માટે એવી ચોવક પ્રયોજવામાં આવી છે કે, "અકલજો ઉઠ”! એ કદાચ એટલા માટે પણ હોઈ શકે કે, ઊંટ માટે એમ કહેવાય છે કે, તેને ઉત્તર દિશાના વાતા વાયરા માફક નથી આવતા, એ દિશામાં ઊંટને ચાલવા કે દોડવામાં તકલીફ પડે છે અને કદાચ આવા અનુભવે ચોવક બની કે "ઉઠ, ઉત્તર કે ડે પુઠ”.! ઊંટને આવરી લઈને જેટલી ચોવકો રચાઈ છે. તેટલી બીજા કોઈ પશુ કે પ્રાણી પર નથી રચાઈ, અલબત કૂતરા જેવા પ્રાણી પર ઘણી ચોવકો જોવા મળે છે. "કૂતે જો મોં ગડોડો ચટે”કદાચ ક્યારેક આવું ભલતું દૃશ્ય જોવા મળતું હશે પણ શબ્દાર્થ એવો થાય છે કે, `પાત્ર પ્રમાણે સ્નેહ' થાય. સ્નેહની સરવાણી ફૂટે ત્યારે પાત્રની પાત્રતાને જોવા પાટા બંધાઈ જાય!

આપણે ઘોડા જેવા શક્તિશાળી પશુનો આગળ ઉલ્લેખ કર્યો. ઘોડાને સમાવી લેતી એક સરસ ચોવક છે: "અંધી ઘોડીને લંભ મેં લડે” `લંભ' એક પ્રકારનું ઘાસ છે, જે સુકાય ત્યારે તેનો ઉપયોગ સાવરણી બનાવવામાં થાય છે, પરંતુ અહીં તેનો ભાવાર્થ એવો થાય છે કે, `આયોજન વગરનું કામ' મતલબ આડેધડ કામ કરવું! સામાન્ય રીતે ઘોડો કોઈ પ્રકારના ઘાસમાં મોઢું ન નાખે... કહેવત છેને, "ઘોડાઘાસ ન ખાય”! પણ માણસ કંઈ વિચાર્યા વગર કામ આદરે તો `લંભ મેં લડે' જેવી સ્થિતિ ઊભી થાય છે.

મોટાભાગે ચોવકોમાં હળવા કટાક્ષ જોવા મળે છે. એક ચોવક તેને લગતી છે, જે ચોવક પણ છે, અને તેમાંના અર્થને કાવ્યાત્મક સ્વરૂપ અપાતાં રૂઢિપ્રયોગ બની જાય છે. બહુ મજાની ચોવક છે: "મોંધ માની, પુઠિયા આઉં” શબ્દાર્થ થાય છે: `આગળ રોટલો, પાછળ હું' પણ ચોવક નસીબની બલિહારી દર્શાવે છે. `મોંધ' એટલે આગળ, અને `પુઠિયા' એટલે પાછળ. 

નસીબની બલિહારી એટલા માટે કે કોઈ અથાગ મહેનત કરે પણ તેને કામમાં સફળતા જ ન મળે! પરિણામે આજીવિકા હાથ-તાળી આપતી રહે! એટલે જ ચોવક કહે છેકે, `આગળ રોટલો અને પાછળ હું આ પકડા-પકડીનો દાવ ચાલુ જ રહે! હવે તેનું કાવ્યાત્મક સ્વરૂપ જોઈએ.' "હલેં ટંગૂં, લુડે બંઉં, ઈગિયા માનીને પુઠિયા આંઉ” શબ્દાર્થ એવો છે કે, `પગચાલે, બાંહો લટકતી રહે પણ પરિણામ એ જ કે રોટલો આગળ અને પાછળ હું.'!

તેના વિરોધી અર્થવાળી ચોવક ઘણું બધું કહી જાય છે. ગુજરાતીમાં કહેવત છે કે, `ભાગ્યશાળીના ભૂત કમાય.' આ `ભૂત' શબ્દપ્રયોગ `કંઈ ન કરવું' તેવા અર્થમાં છે. ઘણાં તમે જોજો, કંઈ જ ન કરતા હોય, અથવા થોડુંજ કામ કરતા હોય છતાં એ ઘણું કમાતા હોય છે, જ્યારે કરમી માણસ અકર્મી કે અભાગિયા જેવો લાગે. ચોવક છે: `કરમીજી જિભને અકરમીજા ટાંટિયા' ભાગ્યશાળીની જીભ કમાઈ આપે જ્યારે કરમીના કપાળે કાળી મજૂરી છતાં, કમાણી જરૂરિયાત પૂરતી નહીં!

સીધો ભાવાર્થ છે કે, જો તમારા ભાગ્ય સારાં હોય તો તમારા બોલવાથી લક્ષ્મીકૃપા ઊતરે, પણ જો ભાગ્યમાં ન હોય તો, ગમે તેટલી ટાંટિયા-તોડ કરો પણ અકર્મી જ ઠરો! તેનો મતલબ એવો નથી થતો કે, જોઈતું ન ઊપજે તો કરતા હોઈએ એ કામ પણ છોડી દેવું! ભાગ્ય કોઈ વાંચી નથી શકતું, ક્યારે નસીબ આડેનું એ પાંદડું ખસી જાય અને ભાગ્ય બદલાય... તેની રાહ જોવી જ પડે! અહીં `કરમી'નો અર્થ ભાગ્યશાળી કરવો જરૂરી બની રહે છે, અને અભાગિયા જણ માટે `અકરમી' શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે!

આ જીવનની વાસ્તવિકતા છે, અને આપણે જેટલા પુરુષાર્થી હોઈએ તેટલાજ પ્રારબ્ધવાદી પણ રહેવું પડે! અને પ્રારબ્ધતો ઘેલું છે, રાજા છે, દૈવ છે, આપે તો દીકરા આપે નહીં તો હોય એ પણ ઝૂંટવી લે... આપણે જોતા હોઈએ છીએ સમાજમાં, આ બધા પ્રારબ્ધના ખેલ ગણતા જ હોઈએ છીએ આપણે!