Sun Sep 06 2026

Logo

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને ટેકનિકલ કામગીરીથી કચ્છ-મુંબઈ વચ્ચેનો રેલવે વ્યવહાર ઠપ

2026-07-24 12:25:00
Author: Mumbai Samachar Team
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને ટેકનિકલ કામગીરીથી કચ્છ-મુંબઈ વચ્ચેનો રેલવે વ્યવહાર ઠપ

ભુજઃ દક્ષિણ ગુજરાત અને મુંબઈ ડિવિઝનમાં વરસી રહેલા અતિ ભારે વરસાદના કારણે મહારાષ્ટ્ર તરફનો રેલવે વ્યવહાર સદંતર ખોરવાઈ ગયો છે. ઉદવાડા અને વલસાડથી દહાણું રોડ વચ્ચે રેલવે ટ્રેકનું ધોવાણ થતાં કચ્છથી ઉપડેલી સયાજીનગરી અને કચ્છ એક્સપ્રેસ સહિતની ટ્રેનો કલાકો સુધી વિલંબિત પડી હતી અને અંતે નવસારી-દાદર વચ્ચે રદ કરવી પડી હતી.

મુસાફરોની મુશ્કેલી ઘટાડવા રેલવે પ્રશાસન તેમજ અમદાવાદ સ્થિત કવીઓ અચલ્લગચ્છ જૈન સંઘ જેવી સામાજિક સંસ્થાઓ દ્વારા અટવાયેલા પ્રવાસીઓ માટે રહેવા, જમવા અને ચા-નાસ્તાની સરાહનીય વ્યવસ્થા કરવામાં આવી હતી.

બીજી તરફ, ભચાઉ-સામખિયાળી વચ્ચે ફોર-લાઈન કનેક્ટિવિટી અને ઓટોમેટિક સિગ્નલિંગ માટે 'નોન-ઈન્ટરલોકિંગ' કામગીરી હાથ ધરાતાં આગામી તા. ૪ ઓગસ્ટ સુધી કચ્છથી ઉપડતી તેમજ દેશના અન્ય વિસ્તારોને જોડતી કુલ ૩૨ જેટલી ટ્રેનો સંપૂર્ણ તથા આંશિક રીતે રદ કરવામાં આવી છે. આ બેવડી પરિસ્થિતિના કારણે આગામી દિવસોમાં કચ્છનો રેલવે વ્યવહાર મોટાપાયે પ્રભાવિત રહેશે.

(ઉત્સવ વૈદ્ય)