Mon Sep 14 2026

Logo

ભુજમાં મામલતદારના બંધ મકાનમાંથી રૂ.૨.૫૩ લાખની ચોરીથી ચકચાર

2026-08-17 11:01:00
Author: Mumbai Samachar Team
ભુજમાં મામલતદારના બંધ મકાનમાંથી રૂ.૨.૫૩ લાખની ચોરીથી ચકચાર

Ai Image


ભુજઃ  કચ્છને બાનમાં લેનારી તસ્કર ટોળકીનો આતંક બરકરાર રહેવા પામ્યો હોય તેમ ટંકારાના મામલતદાર પ્રફુલ્લ ગોરના ભુજ સ્થિત આશાપુરા સોસાયટી ખાતે આવેલા બંધ મકાનમાંથી અજાણ્યા તસ્કરો સોના-ચાંદીના દાગીના તથા રોકડ મળી રૂપિયા ૨.૫૩ લાખની મત્તા તફડાવી ગયા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ભુજ એ-ડિવિઝન પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બીજી તરફ, ભચાઉ તાલુકાના પીપરાપાટી પાસે કે.ઈ.સી. ઈન્ટરનેશનલ લિમિટેડ નામની કંપનીના સ્ટોર યાર્ડમાંથી તસ્કરો રૂ.૧૩.૦૪ લાખની કિંમતનો ૧૮૫૦ મીટર હાઈટેન્શન વીજલાઈનનો કિંમતી એલ્યુમિનિયમ વાયર ચોરી ગયા હતા. આ અંગે કંપનીના સ્ટોર ઈનચાર્જે સામખીયાળી પોલીસ મથકે અજાણ્યા ચોરો સામે ફરિયાદ નોંધાવી છે.

આ ઉપરાંત અબડાસા તાલુકાના વાંકુ ગામના સીમ વિસ્તારમાં આવેલી સુઝલોન કંપનીની પવનચક્કીમાંથી રૂ. ૧૩,૫૦૦ની કિંમતના વાયરો ચોરાયા અંગે જખૌ પોલીસ મથકે ચોરીનો ગુનો નોંધાયો છે. તેમજ ગઢશીશા પંથકના કરોડિયા મોટી સીમમાં પવનચક્કીના ડીપીમાંથી ચોરેલાં રૂ.૫૦,૦૦૦ની કિંમતના ૧૦૦૦ લિટર ઓઈલ સાથે ગઢશીશા પોલીસે નારાણ કરશન ગઢવી (રહે. કોટાયા, માંડવી)ને ઝડપી લીધો હતો.

(ઉત્સવ વૈદ્ય)