Wed Aug 19 2026

Logo

કચ્છમાં રાંધણગેસનું કૌભાંડ બેનકાબ: ખાવડા અને ગાંધીધામમાં પોલીસના દરોડા

2026-03-13 12:00:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજઃ મધ્ય પૂર્વ ક્ષેત્રમાં સર્જાયેલી અશાંતિ અને બદલાતી ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિને પગલે રાજ્યમાં ઘરેલુ ગેસની તંગી ન સર્જાય અને કાળાબજારી અટકે તે માટે સરકાર દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી છે. 'આવશ્યક વસ્તુ ધારા' હેઠળ લેવાયેલા આ પગલાંના ભાગરૂપે, કચ્છ જિલ્લા પુરવઠા તંત્રે ભુજ તાલુકાના ખાવડા વિસ્તારમાં હાથ ધરાયેલી તપાસણી દરમિયાન બિનઅધિકૃત ગેસ સિલિન્ડરોનો મોટો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.

અમેરિકા-ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેના ભીષણ યુદ્ધને કારણે વિશ્વભરમાં સર્જાયેલી તેલ અને ગેસની અછત વચ્ચે રાંધણગેસનો પુરવઠો જળવાઈ રહે તે માટે જિલ્લા પુરવઠા અધિકારીની સૂચનાથી એક ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ તપાસ અભિયાન દરમિયાન પૂર્વ બાતમીના આધારે ખાવડાના પ્રમુખસ્વામી નગરમાં સ્થિત 'સ્વામિનારાયણ ગેસ સર્વિસ સેન્ટર' નામની દુકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો. બિપિન દાવડા દ્વારા સંચાલિત આ ગેસ સર્વિસ સેન્ટરમાંથી ૧૧ ભરેલાં અને ૪ ખાલી કોમર્શિયલ સિલિન્ડર તેમજ ૭ ભરેલાં અને ૨ ખાલી ઘરેલુ સિલિન્ડર મળી આવ્યાં હતાં. પુરવઠા વિભાગે કુલ રૂ. ૧,૦૧,૨૪૪ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી દુકાન સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

તંત્રની આ આકસ્મિક કાર્યવાહીથી ગેરકાયદેસર સંગ્રહખોરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે આગામી દિવસોમાં પણ જિલ્લાના અન્ય વિસ્તારોમાં આ પ્રકારની તપાસ ચાલુ રહેશે જેથી સામાન્ય નાગરિકોને આ મુશ્કેલ સમયમાં ગેસ પુરવઠામાં કોઈ મુશ્કેલી ન પડે.

ગાંધીધામમાં રાંધણગેસ રિફીલિંગનું કૌભાંડ ઝડપાયું

રાંધણગેસના પુરવઠા બાબતે વિશ્વભરમાં ચિંતાઓ સેવાઈ રહી છે, ત્યારે બીજી તરફ કચ્છના ગાંધીધામમાં માનવ જિંદગીને જોખમમાં મૂકી ગેરકાયદેસર રીતે ગેસ રિફીલિંગ કરવાનું કૌભાંડ સામે આવતાં ચકચાર પ્રસરી છે. ગાંધીધામ પોલીસે ચાવલા ચોક વિસ્તારમાં આવેલી એક દુકાન પર દરોડા પાડીને ગેરકાયદેસર રિફીલિંગ કરતા એક શખ્સની અટકાયત કરી  હતી.

શહેરના ચાવલા ચોકથી રેલવે કોલોની તરફ જતા માર્ગ પર આવેલી 'નિર્મલ ક્રોકરી સેન્ટર' નામની દુકાનમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાની પૂર્વ બાતમી પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે ગત રાત્રે ડી.બી.ઝેડ. એન-૩૬માં આવેલી આ દુકાન પર દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન દુકાન ચલાવતા અને સપનાનગરમાં રહેતા હરજીતસિંઘ નિર્મલસિંઘ ખાલસાને રંગેહાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી હરજીતસિંઘ કોઈપણ પ્રકારની મંજૂરી કે સુરક્ષાના સાધનો રાખ્યા વગર અત્યંત જોખમી રીતે ગેસ રિફીલિંગ કરતો હતો. તે કેરબા ઉપર મોટા બાટલા ઊંધા કરી, નળીમાં નોઝલ અને રેગ્યુલેટર લગાડીને મોટી બોટલમાંથી નાની બોટલ ભરતો હતો. સ્થળ પરથી વજનકાંટા પર નાની બોટલો ભરાતી હોવાનું પણ નજરે પડ્યું હતું.

પોલીસે સ્થળ પરથી ૧૯ કિલોની ક્ષમતાવાળા ઇન્ડેન કંપનીના ૧૦ બાટલા,૧૪.૨ કિલોની ક્ષમતાવાળા (એચ.પી.,ઇન્ડેન, રિલાયન્સ) ૧૦ બાટલા,વી.આઇ.પી. કંપનીનો વજનકાંટો, નળી, રેગ્યુલેટર અને નોઝલ સહીત કુલ રૂા. ૬૫,૪૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારની મધ્યમાં જીવતા બોમ્બ સમાન આ પ્રવૃત્તિ પકડાઈ જતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસે આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, આ શખ્સ પાસે આટલી મોટી સંખ્યામાં ભરેલા બાટલા ક્યાંથી આવતા હતા અને આ કૌભાંડમાં અન્ય કોણ સંડોવાયેલું છે, તે દિશામાં પણ ઊંડી તપાસ કરવાની માંગ સ્થાનિક લોકોમાં ઉઠી છે.

(ઉત્સવ વૈદ્ય)