Fri Sep 04 2026

Logo

પોરબંદરના મૌલવીના વિવાદસ્પદ નિવેદન સામે કચ્છમાં ભારે આક્રોશ: SPને આવેદન આપી શું કરાઈ માંગ?

2026-08-12 12:28:47
Author: Mayur Patel
પોરબંદરના મૌલવીના વિવાદસ્પદ નિવેદન સામે કચ્છમાં ભારે આક્રોશ: SPને આવેદન આપી શું કરાઈ માંગ?

Chat GPT Generated Image


ભુજ: પોરબંદરમાં ધાર્મિક ભાવનાઓ દુભાવવા અને કોમી એકતા ડોહળવાનો પ્રયાસ કરવા બદલ મૌલવી અબ્દુલસત્તાર હામદાણી ઉર્ફે સત્તાર મૌલાના સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માગણી સાથે પશ્ચિમ કચ્છ-ભુજ જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

અખિલ કચ્છ મોહર્રમ અને તાજિયા કમિટીના પ્રમુખ પીર સૈયદ કૌશરઅલીશાહ બાપુની આગેવાની હેઠળ પાઠવાયેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, ગત ૨૦ જુલાઈ ૨૦૨૬ના રોજ પોરબંદર ખાતે યોજાયેલા જાહેર કાર્યક્રમમાં મૌલવી સત્તાર હામદાણીએ સૈયદ-સાદાત સમાજ તેમજ પવિત્ર મોહરમ અને તાજિયા વિધિ વિશે અત્યંત અભદ્ર અને ઉશ્કેરણીજનક વાણીવિલાસ કર્યો હતો. આ વિવાદસ્પદ વક્તવ્ય સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સુફી શ્રદ્ધાળુઓ અને મુસ્લિમ સમાજમાં ભારે રોષ વ્યાપી ગયો છે.

રજૂઆતમાં આક્ષેપ કરાયો છે કે, આરોપી ભૂતકાળમાં પણ આવા વિવાદોમાં સંડોવાયેલો રહ્યો છે અને તેની પાછળ દેશહિત વિરોધી કે વિદેશી રેડિકલ સંસ્થાઓનું કાવતરું હોવાની શક્યતા છે. પશ્ચિમ કચ્છ વિસ્તારના પોલીસવડા વિકાસ સુંડાએ રજૂ કરેલા ડિજિટલ પુરાવા અને અરજીની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક તટસ્થ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. રજૂઆત વેળાએ સમાજના વિવિધ અગ્રણીઓ અને પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(ઉત્સવ વૈદ્ય)