ભુજઃ ભૌગોલિક અને ઐતિહાસિક વિશેષતાઓથી સમૃદ્ધ રણપ્રદેશ કચ્છ પ્રદેશના પ્રસિદ્ધ યાત્રાધામ હાજીપીર નજીક આવેલા લુણા ગામનું રહસ્યમય 'લુના ક્રેટર' એટલે કે ઉલ્કા તળાવ અત્યાર સુધી ઉલ્કાપાતને કારણે સર્જાયેલું હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ તાજેતરના એક વૈજ્ઞાનિક સંશોધને આ વર્ષો જૂના દાવાને સંપૂર્ણપણે પડકાર્યો છે. અમદાવાદ સ્થિત ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અને અન્ય અગ્રણી વૈજ્ઞાનિક સંસ્થાઓના સંશોધન અનુસાર, આશરે ૧.૮ કિલોમીટરના વ્યાસમાં ફેલાયેલો આ વિશાળ ખાડો કોઈ અવકાશી ઘટનાનું પરિણામ નથી, પરંતુ હડપ્પીયન કાળની સિંધુ ખીણની સભ્યતા દરમિયાન મોટા પાયે તાંબુ (કોપર) ઓગાળવાની પ્રક્રિયાને કારણે અસ્તિત્વમાં આવેલું એક મોટું ઔદ્યોગિક કેન્દ્ર હોવાના ચોંકાવનારા સંકેતો મળ્યા છે.
ઉલ્લેખનીય છે કે, એપ્રિલ ૨૦૨૪માં અમેરિકી અંતરિક્ષ સંસ્થા 'નાસા' દ્વારા લેન્ડસેટ-૮ સેટેલાઇટની તસવીરને ‘ઇમેજ ઓફ ધ ડે’ તરીકે સ્થાન આપીને આ સ્થળને ઉલ્કાપાત એટલે કે,મેટિયોરાઇટ ઇમ્પેક્ટથી બનેલું હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. તે સમયે જમીનમાંથી મળી આવેલા અસામાન્ય ખનિજો અને 'ઇરિડિયમ' નામના દુર્લભ તત્વના ઊંચા પ્રમાણને કારણે તેને અવકાશી ઘટના સાથે જોડવામાં આવ્યો હતો. જો કે, વૈજ્ઞાનિક જર્નલ 'મેટિયોરિટિક્સ એન્ડ પ્લેનેટરી સાયન્સ'માં પ્રકાશિત થયેલા પીઆરએલ, અમેરિકાની સ્ક્રિપ્સ ઇન્સ્ટિટ્યુશન ઓફ ઓશનોગ્રાફી અને લખનઉની બાબાસાહેબ ભીમરાવ આંબેડકર યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો અજય દેવ અશોકન, યોગિતા કડલાગ, યશ શ્રીવાસ્તવ, ખિરોદ કુમાર દાસ, રુમાંશુ હઝારિકા અને જેમ્સ એમ. ડી. ડેના સંયુક્ત અભ્યાસે આખી કડી બદલી નાખી છે. સંશોધકોએ સ્થળ પરથી મળેલા ધાતુના કચરાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે, જે બ્રોન્ઝ એજ (કાંસ્ય યુગ) એટલે કે હડપ્પીયન સંસ્કૃતિના સમયગાળા સાથે મેળ ખાય છે.
આ સંશોધનના મુખ્ય લેખિકા ડૉ. યોગિતા કડલાગે વિગતો આપતા જણાવ્યું હતું કે, વિશ્વના ૨૦૦ દુર્લભ સ્થળ પૈકીના આ ઉલ્કા તળાવ પરથી એકત્ર કરાયેલા નમૂનાઓનું વિશ્લેષણ કરતાં તેમાં લોખંડનું પ્રમાણ આશરે ૪૨ થી ૬૩ ટકા જેટલું અત્યંત ઊંચું જોવા મળ્યું છે, જ્યારે પૃથ્વીના ઉપરના પડમાં સામાન્ય રીતે લોખંડનું પ્રમાણ માત્ર ૫ ટકા જેટલું જ હોય છે. જો આ ખાડો ઉલ્કાપાતથી બન્યો હોત, તો ત્યાં નિકલ અને અન્ય ચોક્કસ ધાતુઓનું પ્રમાણ પણ ખૂબ વધારે હોવું જોઈતું હતું, જે અહીં બિલકુલ જોવા મળ્યું નથી. તદુપરાંત, ઉલ્કાપાતની ઘટનામાં સામાન્ય રીતે જોવા મળતા વિશિષ્ટ ચિહ્નો જેવા કે શેટર કોન્સ કે અત્યંત ઊંચા દબાણથી વિકૃત થયેલા ખનિજો પણ આ સ્થળેથી મળી આવ્યા નથી.
આ પ્રથમ પુરાવો હતો જેણે સંશોધકોને વિચારતા કરી દીધા કે આ ઉલ્કાપાતની ઘટના નથી. વધુમાં, સંશોધકોને આ સ્થળ પરથી 'કિર્સ્ચસ્ટેઇનાઇટ' અને 'વુસ્ટાઇટ' જેવા ઊંચા તાપમાને બનતા ખનિજો મળી આવ્યા છે, જે પૃથ્વીના સામાન્ય ખડકોમાં જોવા મળતા નથી. આ ખનિજોની રચના અને ટેક્સચર બિલકુલ એવા જ છે, જે ધાતુ ગાળવાની ઔદ્યોગિક પ્રક્રિયા પછી વધતા કચરામાં જોવા મળે છે. બન્નીના ઘાસિયા મેદાનોના સપાટ લેન્ડસ્કેપમાં ૧.૮ કિલોમીટર વ્યાસ ધરાવતા આ લુણા તળાવનો બાહ્ય કિનારો તેના મુખ્ય પટથી લગભગ ૨૦ ફૂટ ઊંચો છે, જે આ પ્રાચીન પ્રક્રિયાની વિશાળતા દર્શાવે છે.
આ તમામ વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે સંશોધકો એવા નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે આ સ્થળ હડપ્પીયન કાળમાં મોટા પાયે ધાતુ ગાળવા માટે વપરાતું એક અદ્યતન ઔદ્યોગિક મથક હતું. કચ્છમાં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરા સહિત અનેક હડપ્પીયન વસાહતો આવેલી છે, તેવામાં લુના ક્રેટર ખાતેથી પ્રાચીન ઔદ્યોગિક પ્રવૃત્તિના આ પુરાવા મળવા તે વૈશ્વિક ધાતુવિજ્ઞાન અને ઇતિહાસના નિષ્ણાતો માટે એક અત્યંત મહત્વની અને દુર્લભ શોધ સાબિત થઈ શકે છે. જો કે, તે સમયના લોકો કઈ ચોક્કસ ટેકનોલોજીનો ઉપયોગ કરતા હતા અને અહીં માનવ વસાહતની સ્થિતિ કેવી હતી, તે સચોટ રીતે જાણવા માટે હજુ વધુ પુરાતત્વીય (આર્કિયોલોજિકલ) ઉત્ખનન અને ઊંડા અભ્યાસની જરૂરિયાત હોવાનું વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે.
(ઉત્સવ વૈદ્ય)