Sun Sep 13 2026

Logo

ગેસ સિલિન્ડરનો યુગ પૂરો? ભુજ-મુંદ્રામાં 17 હજાર કનેક્શન બંધ, PNGનો આગ્રહ

2026-03-19 14:43:00
Author: Mumbai samachar Team
ગેસ સિલિન્ડરનો યુગ પૂરો? ભુજ-મુંદ્રામાં 17 હજાર કનેક્શન બંધ, PNGનો આગ્રહ

ભુજઃ અમેરિકા, ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ગેસ અને ઓઈલની અછતની સર્જાયેલી ગંભીર પરિસ્થિતિને પગલે એલર્ટ મોડ પર આવેલી કેન્દ્ર સરકાર દ્વારા રાંધણગેસની અછત સર્જાવાની પ્રબળ સંભાવનાને ધ્યાને રાખીને લેવાયેલા નિર્ણય બાદ, કચ્છ જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગત બુધવારે મળેલી સૂચના બાદ ભુજ અને મુંદ્રામાં ૧૭ હજારથી વધુ ગ્રાહકોના એલપીજી ગેસ કનેક્શન તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યા છે. 

સરકારી તંત્ર દ્વારા લેવાયેલા આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને પાઈપલાઈન વાટે મળતા ગેસ તરફ વાળવાનો છે. સરકારના આદેશ મુજબ, જે ગ્રાહકોએ પોતાના ઘરે પીએનજી કનેક્શન મેળવી લીધા છે છતાં હજુ સુધી જૂના એલપીજી સિલિન્ડર જમા નથી કરાવ્યા, તેવા ગ્રાહકોના એલપીજી કનેક્શન તાત્કાલિક ધોરણે 'બ્લોક' કરી દેવામાં આવ્યા છે. આગામી સમયમાં જો આવા ગ્રાહકો સિલિન્ડર જમા નહીં કરાવે, તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જાણવા મળી રહ્યું છે.

ઈરાન અને ઈઝરાયલ-અમેરિકા વચ્ચેનું યુદ્ધ લાંબું ખેંચાય તો ગેસની ભારે અછત સર્જાશે તેવી આશંકાએ છેલ્લા કેટલાક દિવસોથી નાગરિકોમાં ગભરાટ જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓને કારણે નાગરિકોએ મોટા પાયે ઓનલાઈન ગેસ બુકિંગ કરાવવાનું શરૂ કર્યું હતું, જેના પરિણામે કેટલીક ગેસ કંપનીઓના સર્વર પણ ઠપ થઈ ગયા હતા. જોકે, સ્થાનિક એજન્સીઓના જણાવ્યા અનુસાર,છેલ્લા બે દિવસથી પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે. ગેસનો પુરવઠો હાલમાં પૂરતો હોવાથી ગભરાવાની જરૂર નથી અને પીએનજી સુવિધા ધરાવતા વિસ્તારોમાં ફરજિયાતપણે પાઈપલાઈન ગેસનો જ ઉપયોગ કરવા લોકોને અપીલ કરવામાં આવી છે.

કેન્દ્ર સરકારના આ કડક પગલાનો હેતુ ઊર્જા સંકટ સમયે ગેસના જથ્થાનું યોગ્ય વ્યવસ્થાપન કરવાનો છે. હવેથી જે લોકો પાસે પીએનજી કનેક્શન છે, તેમના એલપીજી કનેક્શન માન્ય રહેશે નહીં. આ ઝુંબેશને કારણે ભવિષ્યમાં જરૂરિયાતમંદ પરિવારોને ગેસનો પુરવઠો સરળતાથી મળી રહે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે.

(ઉત્સવ વૈદ્ય)