Fri Sep 11 2026

Logo

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ કચ્છમાં ૧૮૯૬ બૂથો પર યોજાશે મતદાન

2026-04-25 13:46:00
Author: Mayur Patel
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ કચ્છમાં ૧૮૯૬ બૂથો પર યોજાશે મતદાન

ભુજઃ કચ્છ જિલ્લામાં રવિવાર, ૨૬મી એપ્રિલના રોજ યોજાનારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયાને સુચારૂ રીતે સંપન્ન કરવા માટે આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. જિલ્લાના કુલ ૧૮૯૬ મતદાન મથકો પર ઈવીએમ મશીનો, ચૂંટણી સામગ્રી અને પોલિંગ સ્ટાફને સુરક્ષિત પહોંચાડવા માટે એસ.ટી. નિગમની ૧૮૧ બસો વહીવટી તંત્રને સુપરત કરી દેવામાં આવી છે.

ચૂંટણી સ્ટાફ અને મશીનરીનું સંચાલન

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મળેલી વિગતો મુજબ, ગાંધીધામ મહાનગરપાલિકાના ૨૩૪, પાંચ નગરપાલિકાઓના ૨૮૪ અને જિલ્લા-તાલુકા પંચાયતોના ૧૩૭૮ મળી કુલ ૧૮૯૬ બૂથો પર મતદાન યોજાશે. આ માટે અંદાજે ૯,૦૦૦ જેટલો પોલિંગ સ્ટાફ અને ૫,૫૦૦ જેટલા પોલીસ સહિતના સુરક્ષા કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ વિશાળ સ્ટાફ તેમજ ૪,૦૦૦ જેટલા ઈવીએમ મશીનોની હેરફેર માટે ૧૮૦થી વધુ એસ.ટી.બસો ઉપરાંત ખાનગી વાહનોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સામાન્ય રીતે ચૂંટણી ફરજ પરની બસો મતદાન પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી જે-તે બૂથ પર જ રોકાવવાની હોય છે. જોકે, સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, એસ.ટી.ના વિભાગીય નિયામકે નજીકના અંતરે આવેલા બૂથો પર સ્ટાફ અને સામગ્રી ઉતારી દીધા બાદ બસોને ડેપો પર પરત આવી જવા મૌખિક સૂચના આપી છે.

ચૂંટણી નિયમો અનુસાર બસોએ મતદાન મથક પર હાજર રહેવું ફરજિયાત હોવા છતાં આ પ્રકારના 'મૌખિક આદેશ'ને કારણે એસ.ટી.વર્તુળોમાં વિવાદ છેડાયો છે. જો મતદાન દરમિયાન કોઈ ઈમરજન્સી ઊભી થાય કે અનિચ્છનીય બનાવ બને અને વાહન સ્થળ પર હાજર ન હોય, તો તેની જવાબદારી કોની રહેશે? તેવો સવાલ કર્મચારીઓ ઉઠાવી રહ્યા છે.

હાલ વહીવટી તંત્ર દ્વારા તમામ બૂથો પર સામગ્રી પહોંચાડવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ કરી દેવામાં આવી છે.

(ઉત્સવ વૈદ્ય)