Tue Aug 25 2026

Logo

ખતરામાં રહેલા ઘોરાડને બચાવવા મોટું પગલું: નવજાત બચ્ચાંના રક્ષણ માટે ગુજરાત સરકારે તૈનાત કર્યા ૫૦ ગાર્ડ

2026-03-31 11:03:00
Author: Mayur Patel
ખતરામાં રહેલા ઘોરાડને બચાવવા મોટું પગલું: નવજાત બચ્ચાંના રક્ષણ માટે ગુજરાત સરકારે  તૈનાત કર્યા ૫૦ ગાર્ડ

ભુજઃ ભારતમાં ઝેડ+ સુરક્ષા કવચ, જે ૫૫  કર્મચારીઓ સાથેનું સર્વોચ્ચ સ્તરનું સુરક્ષા સ્તર છે, તે સામાન્ય રીતે એવા વીવીઆઈપી લોકો માટે આરક્ષિત હોય છે. જેમની સુરક્ષા રાષ્ટ્રીય મહત્વની બાબત ગણાય છે. જો કે, કચ્છના અબડાસાના ઘાસના મેદાનોમાં, હવે આ પ્રકારનું સન્માન એક 'ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ' (ઘોરાડ) ના બચ્ચાને મળી રહ્યું છે. આ બચ્ચાનો જન્મ ૨૬ માર્ચે થયો હતો, જે લગભગ એક દાયકામાં ગુજરાતના જંગલોમાં જન્મેલું આવું પ્રથમ બચ્ચું છે.

માત્ર ૧૫૦ ગ્રામ વજન ધરાવતા આ 'વેરી વેરી ઈમ્પોર્ટન્ટ ચિક' (VVIC) પર ૫૦ વન રક્ષકોની એક વિશાળ ટીમ દિવસ-રાત નજર રાખી રહી છે. આ રક્ષકો ટ્રાયપોડ, સ્પોટિંગ સ્કોપ્સ અને બાયનોક્યુલર્સથી સજ્જ ખાસ નિર્મિત વૉચટાવર પરથી દેખરેખ રાખે છે. આ અધિકારીઓ ત્રણ રોટેટિંગ શિફ્ટમાં કામ કરે છે અને ગાંધીનગરના વરિષ્ઠ અધિકારીઓને મિનિટે-મિનિટની અપડેટ મોકલે છે.
બચ્ચાંના રક્ષણ માટે લેવાયેલા પગલાં એટલા સખત છે કે જંગલી કૂતરાઓ અને પશુઓને દૂર રાખવામાં આવી રહ્યા છે, ગામના રસ્તાઓ શાંતિથી બંધ કરી દેવામાં આવ્યા છે, અને ક્ષતિગ્રસ્ત ફેન્સીંગને અલગ ટુકડીઓ દ્વારા યુદ્ધના ધોરણે રિપેર કરવામાં આવી રહી છે. આસપાસના કૃત્રિમ જળાશયોને પણ જાણીજોઈને સૂકા રાખવામાં આવ્યા છે જેથી શિકારી પ્રાણીઓ નવજાત બચ્ચાની નજીક ન આવે.

વિશ્વની સૌથી ગંભીર રીતે લુપ્તપ્રાય પક્ષી પ્રજાતિઓમાંની એક માટે, આ જન્મ એક સીમાચિહ્નરૂપ છે. જોકે, અધિકારીઓ કહે છે કે અસલી પડકાર તો હવે શરૂ થયો છે. ઈંડાનું સેવન કરવું એ ટેકનિકલ કુશળતાનું કામ હતું, પરંતુ બચ્ચું જ્યાં સુધી તેની પ્રથમ ઉડાન ભરવા માટે મજબૂત ન થાય ત્યાં સુધીના પહેલા મહિનામાં તેને જીવતું રાખવા માટે અસાધારણ તકેદારી અને માનવબળની જરૂર પડશે. જેસલમેર અને કચ્છની વાઈલ્ડલાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના નિષ્ણાતોની ટીમ દ્વારા આ સમગ્ર ઓપરેશનનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

આ અંગે મુખ્ય વન સંરક્ષક (વન્યજીવ) જયપાલ સિંહે જણાવ્યું હતું કે, "વન વિભાગ આ નવજાતના અસ્તિત્વને સુનિશ્ચિત કરવા માટે કોઈ કસર બાકી રાખી રહ્યું નથી. અનેક ટીમોની રચના કરવામાં આવી છે અને ચોવીસ કલાક દેખરેખ રાખવામાં આવી રહી છે".

માદા ઘોરાડ પક્ષી હાલમાં અંદાજે 3 ચોરસ કિમીના ઘાસના મેદાનમાં ફરી રહી છે, જે અધિકારીઓના મતે તેણે તેની સુરક્ષા અને ખોરાક માટે પસંદ કર્યું છે. ગયા ઓક્ટોબરમાં પક્ષી પર લગાવવામાં આવેલા ટેગ દ્વારા તેની દરેક હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે. આ ડેટા અધિકારીઓને જણાવે છે કે માદા ઘોરાડ ક્યાં છે અને તે કેવું વર્તન કરી રહી છે. ટૂંકી અને શાંત સફર એ તેની શાંતિની નિશાની છે,જ્યારે ઝડપી કે અનિયમિત હિલચાલ કોઈ જોખમનો સંકેત આપે છે, જે વન કર્મચારીઓને મિનિટોમાં તે સ્થળે પહોંચવા માટે સજ્જ કરે છે.

(ઉત્સવ વૈદ્ય)