Fri Sep 11 2026

Logo

કચ્છના ગાગોદર પોલીસ મથકમાં મહિલાએ ઉત્પાત મચાવ્યો, મહિલા કોન્સ્ટેબલને ધક્કો માર્યો

2026-08-27 20:48:22
Author: Chandrakant Kanoja
કચ્છના ગાગોદર પોલીસ મથકમાં મહિલાએ ઉત્પાત મચાવ્યો, મહિલા કોન્સ્ટેબલને ધક્કો માર્યો

Gemini AI Generated Image


ગાગોદર: કચ્છના રાપર તાલુકાના કાનમેર ગામની રાયમલ વાંઢમાં સરકારી જમીનમાં વાવણી બાબતે ચાલી રહેલા વિવાદ અંગે ગાગોદર પોલીસ મથકે બોલાવાયેલી એક મહિલાએ, પોલીસ મથકને માથે લઈને ભારે હંગામો મચાવ્યો હતો. આ બનાવમાં મહિલા અને તેના પતિ સામે સરકારી ફરજમાં રુકાવટ, હુમલો અને સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી અટકાયત માટે તજવીજ હાથ ધરાઈ છે.

ખેડૂત સાથે વાવણી મુદ્દે વિવાદ 

આ અંગે મળતી માહિતી મુજબ, રાયમલ વાંઢના નાગજી છગન કોલી અને તેની પત્ની બાગીબેનનો ગામના એક ખેડૂત સાથે વાવણી મુદ્દે વિવાદ ચાલતો હોઈ સામસામી અરજીઓ થઈ હતી. આ મામલે પોલીસે બંને પક્ષોને નિવેદન માટે બોલાવ્યા હતા. સાંજના સમયે ફરી પોલીસ મથકે પહોંચેલા આ યુગલે “પોલીસ માત્ર અમારી સામે જ કાર્યવાહી કરે છે. તેમ કહીને કર્મચારીઓ સાથે ગાળાગાળી કરી માથાકૂટ શરૂ કરી હતી.

ટેબલ પર મૂકેલું પ્રિન્ટર નીચે ફેંકી દીધું હતું

તેમજ આવેશમાં આવેલી બાગીબેને પહેલાં માળે ક્રાઈમ રાઈટર હેડના રૂમમાં ઘૂસીને ટેબલ પર મૂકેલું પ્રિન્ટર નીચે ફેંકી દીધું હતું.જેનાથી અંદાજે રૂ. ૨૦,૦૦૦નું નુકસાન થયું હતું. ત્યારબાદ તે પોલીસ મથકના ધાબાની પાળ પર ચડી ગઈ હતી અને નીચે કૂદી જવાની ધમકી આપવા લાગી હતી. આ દરમિયાન તેનો પતિ નીચે પ્રાંગણમાં ઊભો હતો.

મહિલા કોન્સ્ટેબલને સીડી પરથી ધક્કો મારી દીધો 

પોલીસ સ્ટાફે માંડ માંડ સમજાવીને તેને ધાબા પરથી પકડીને સીડી પરથી નીચે લાવી રહ્યા હતા ત્યારે  બાગીબેને હાથ છોડાવવા બળપ્રયોગ કરી ૨૫ વર્ષીય મહિલા કોન્સ્ટેબલ ઇન્દિરાબેન ટાંકને સીડી પરથી ધક્કો મારી દીધો હતો. સીડી પર પટકાવવાથી લેડી કોન્સ્ટેબલને કમર અને હાથના ભાગે ઈજાઓ પહોંચતાં તેમને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

બાગીબેન અને તેના પતિ નાગજી સામે  ફરિયાદ દાખલ 

ઘટના સંદર્ભે ઈજાગ્રસ્ત મહિલા કોન્સ્ટેબલ ઇન્દિરા ટાંકની ફરિયાદના આધારે ગાગોદર પોલીસે બાગીબેન અને તેના પતિ નાગજી સામે ગુનાહિત કાવતરું રચવા, હુમલો કરવા અને સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા બદલ ગુનો નોંધ્યો છે. ગાગોદર પીઆઈ એમ.જે. હુણે આ મામલે આગળની વધુ તપાસ હાથ ધરી છે. 

(ઉત્સવ વૈધ)