Sun Jul 26 2026

Logo

કચ્છના પેટાળમાં છુપાયેલું અણમોલ રહસ્ય ડાયનાસોર યુગના જાયન્ટ મગર અને કરોડો વર્ષ જૂના અશ્મિઓની રોમાંચક સફર

2026-07-26 09:00:00
Author: Giriraj
Article Image

વલો કચ્છ - ગિરિરાજ

સમયની રેતી પર પગલાં ભૂંસાઈ જાય છે, પરંતુ ધરાના પેટાળમાં છપાયેલા ઈતિહાસનાં પૃષ્ઠો ક્યારેય ભૂંસાતા નથી. વાત જ્યારે કચ્છની મરુભૂમિની હોય, ત્યારે આ વાત અક્ષરશ: સાચી ઠરે છે. કચ્છની ધરતી માત્ર તેના શ્વેત રણ કે રંગબેરંગી ભૌગોલિક વિવિધતા માટે જ નહીં, પણ પૃથ્વી પર જીવનની ઉત્ક્રાંતિનાં કરોડો વર્ષ જૂના ઇતિહાસને સાચવી રાખતી એક કુદરતી મંજૂષા તરીકે વૈશ્વિક સ્તરે જાણીતી છે. આજે આ વાતને દાયકાઓ વીતી ગયા છે, છતાં જ્યારે ભૂતકાળનાં સંશોધનોના પાના ફેરવીએ છીએ ત્યારે કચ્છના પેટાળમાંથી નીકળેલા અશ્મિઓ (Fossils) આજે પણ વિજ્ઞાન જગતમાં એક નવો રોમાંચ અને નવી આશા જગાડે છે.

મહાવિનાશમાંથી અંકુરિત થયેલી સંશોધન યાત્રા

26 જાન્યુઆરી 2001ના એ કાળમુખા ભૂકંપે કચ્છને ધમરોળી નાખ્યું હતું. એકતરફ પુન:નિર્માણના ભગીરથ પ્રયાસો ચાલી રહ્યા હતા, તો બીજી તરફ વિજ્ઞાન જગત માટે આ હોનારત ઈતિહાસના બંધ દરવાજા ખોલનારી બની રહી. એપ્રિલ 2001માં ભૂકંપના આંચકાઓ વચ્ચે નાશ પામવાની અણી પર રહેલા કેટલાક પ્રાચીન મગરના અશ્મિઓ મળી આવ્યા.

કચ્છ સાયન્સ ફાઉન્ડેશનના ડો. ભૂડિયા અને તેમની ટીમે વિશ્વભરના ભૂસ્તરશાસ્ત્રીઓ સાથે પત્રવ્યવહાર શરૂ કર્યો. જૂન 2002માં આ અંગેનો પ્રારંભિક અહેવાલ આઈ.યુ.સી.એન. (IUCN)) ના ક્રોકોડાઇલ સ્પેશિયાલિસ્ટ ગ્રુપના તત્કાલીન એક્ઝિક્યુટિવ ઓફિસર જેમ્સ પેરન રોસને મોકલવામાં આવ્યો. તેમણે આ શોધોને બિરદાવીને પોતાના ત્રિમાસિક ન્યૂઝલેટરમાં ‘"Crocodilians in KUTCH' શીર્ષક હેઠળ લેખ પ્રકાશિત કર્યો. એ પછી તો વર્ષ 2002માં જ પાંધ્રો લિગ્નાઈટ માઈન (કોલસાની ખાણ)માંથી અંદાજે 9 કરોડ વર્ષ જૂનો અને 9 મીટર લાંબો મગરનો આખો સાંગોપાંગ અસ્થિપિંજર (Skeleton) મળી આવ્યો, જેણે કચ્છને પેલિયોન્ટોલોજી (અશ્મિ વિજ્ઞાન)નું વૈશ્વિક હબ બનાવી દીધું.

જુલરાઈ ગામનો ‘જાયન્ટ મગર’: આઈ.આઈ.ટી. રૂરકીની શોધ

વર્ષો સુધી ચાલેલી આ સંશોધન પરંપરામાં એક નવું અને ઉત્તેજક પ્રકરણ ત્યારે ઉમેરાયું જ્યારે ઉત્તરાંચલની પ્રતિષ્ઠિત આઈ.આઈ.ટી. રૂરકી (IIT Roorkee) ના અર્થ સાયન્સ વિભાગના વૈજ્ઞાનિકોની ટીમ કચ્છના લખપત તાલુકાના હરૂડી નજીક આવેલા જુલરાઈ ગામે પહોંચી. આ સંશોધક ટીમમાં આઈ.આઈ.ટી.ના પ્રખ્યાત પેલિયોન્ટોલોજિસ્ટ પ્રોફેસર સુનિલ બાજપાઈ, પીએચ.ડી. સ્કોલર દેબાશિષ દાસ અને ઓહાયો યુનિવર્સિટીના એનાટોમીના આસિસ્ટંટ પ્રોફેસર હંસ થેવિસન જેવા વૈશ્વિક નિષ્ણાતો સામેલ હતા. તેમને સ્થાનિક સ્તરે મળેલા અશ્મિઓ ભુજના ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમને સોંપ્યા હતા.

શોધની રોમાંચક વિગતો:

આયુષ્ય અને સમયગાળો: જુલરાઈમાંથી મળી આવેલો આ મગર આશરે 4.5 કરોડ (45Million) વર્ષ જૂનો છે.

વિશાળકાય કદ: આ જળચર જીવની માત્ર ખોપડી (Skull) જ 70 સેન્ટિમીટર લાંબી છે! જેના પરથી અંદાજ લગાવવામાં આવ્યો કે આ રાક્ષસી મગરની કુલ લંબાઈ 8 થી 10 મીટર (આશરે 30 થી 33 ફૂટ) રહી હશે.

પાંધ્રો ખાણ: ઉત્ક્રાંતિ અને કળણવાળાં જંગલોનો ખજાનો

આજે જે કચ્છ આપણને શુષ્ક અને રેતાળ દેખાય છે, તે કરોડો વર્ષો પહેલા આવું નહોતું. પાંધ્રોની કોલસાની ખાણોમાંથી 5.2 કરોડ થી 5.5 કરોડ વર્ષ જૂના અસંખ્ય સસ્તન ((Mammals) પ્રાણીઓના અશ્મિઓ મળ્યા છે, જે સાબિત કરે છે કે ભૂતકાળમાં આ પ્રદેશ અતિશય ઘનઘોર જંગલો અને ભેજવાળી કળણ (Swampy) ભૂમિથી આચ્છાદિત હતો.

પાંધ્રોના પેટાળમાંથી મળેલા અશ્મિઓમાં આજના ઘોડા, ગાય અને હરણના આદિ પૂર્વજો, પ્રાચીન વાનરો (મનુષ્યના ઉત્ક્રાંતિના તંતુઓ), ચામાચીડિયાં અને કીટકભક્ષી પ્રાણીઓ સામેલ છે ઉપરાંત સૌથી મોટો વિજ્ઞાનિક વિસ્મય એ છે કે, આશરે 5.2 કરોડ વર્ષ પહેલાં ઓસ્ટ્રેલિયામાં જોવા મળતા કાંગારુની પ્રજાતિ સાથે સામ્યતા ધરાવતા સસ્તન જીવો પણ કચ્છની આ ધરા પર મુક્તપણે વિચરતા હતા!

ભૂસ્તરશાસ્ત્રીય કોયડો: વૈજ્ઞાનિકોની મૂંઝવણ અને ‘સુપરક્રોક’

કચ્છનું ભૂસ્તરશાસ્ત્ર અજાયબીઓથી ભરેલું છે. ઓ.એન.જી.સી. (ONGC) ના ભૂતપૂર્વ નિષ્ણાત વૈજ્ઞાનિક શ્રી દાસના સર્વેક્ષણે વિજ્ઞાન જગત સામે એક મોટો પ્રશ્નાર્થચિહ્ન મૂકી દીધો હતો. કચ્છમાં એક જ સ્થાનિક ભૌગોલિક સ્તરેથી બે અલગ-અલગ યુગના અશ્મિઓ મળી આવ્યા છે:

 અશ્મિનો પ્રકાર    યુગ / સમયગાળો    અંદાજિત ઉંમર    
   
એમોનાઈટ્સ (Mesozoic Ammonites) મેસોઝોઈક યુગ    20.5 કરોડ વર્ષથી વધુ જૂના      
 
પ્રાચીન મગરો (Cretaceous Crocodiles)    ક્રેટાસિયસ યુગ    14 કરોડ વર્ષ જૂના     

વૈજ્ઞાનિક કોયડો એ છે કે, જે બે પ્રજાતિઓ વચ્ચે સમયનો 6.5 કરોડ વર્ષનો વિશાળ તફાવત છે, તેમના અશ્મિઓ એક જ જગ્યાએ ભેગા કેવી રીતે મળી શકે? કેટલાક વિજ્ઞાનીઓ આ વિશાળકાય મગરોને ‘સુપરક્રોક’ Sarcosuchus) અથવા પ્રી-જુરાસિક (20 કરોડ વર્ષ જૂના) ડાયનાસોર યુગના જીવો તરીકે ઓળખાવે છે. વિશ્વપ્રસિદ્ધ વાઇલ્ડલાઇફ નિષ્ણાત સર ડેવિડ એટનબરોએ પણ આ જાયન્ટ મગરોને ‘મરીન ડાયનાસોર’ (દરિયાઈ ડાયનાસોર) તરીકે સંબોધ્યા છે. 10 થી 12 મીટરની લંબાઈ ધરાવતા આ મગરોના મોંમાંથી બહાર નીકળેલા તીક્ષ્ણ દાંત અને શરીર પર લોખંડી કવચ (Armoured plates) જેવી મજબૂત રચનાઓ હતી. આશ્ચર્યની વાત એ છે કે આજના મગરોનું સરેરાશ આયુષ્ય 70 વર્ષનું હોય છે, જ્યારે આ પ્રાચીન દાનવો 110 વર્ષ સુધી જીવતા હતા!