લખનઊઃ કોલકાતા (20 ઓવરમાં 7/155)એ અહીં રવિવારે થ્રિલરમાં યજમાન લખનઊ (20 ઓવરમાં 8/155)ને મૅચ ટાઇ થયા બાદ આ વખતની પ્રથમ સુપરઓવરમાં હરાવીને આઠમા સ્થાને આવી ગયું હતું. બન્ને ટીમના સ્કોર એકસમાન રહેતાં મૅચ ટાઇ થઈ હતી. સુપર ઓવરમાં લખનઊએ સુનીલ નારાયણના ત્રણ બૉલમાં પૂરન તથા માર્કરમની વિકેટ પડી હતી અને લખનઊનો માત્ર એક રન થતાં કોલકાતાને જીતવા બે રનનો ટાર્ગેટ મળ્યો હતો. રિન્કુ સિંહે પ્રિન્સ યાદવના પ્રથમ બૉલમાં ચોગ્ગો ફટકારીને કોલકાતાને દિલધડક વિજય અપાવ્યો હતો.
હવે મુંબઈ અને લખનઊ તળિયાના બે સ્થાને (અનુક્રમે નવમા અને દસમા ક્રમે) છે. શનિવારે જ્યારે અપરાજિત પંજાબની ટીમે 265 રનનો લક્ષ્યાંક ચેઝ કરીને ટી-20 ફૉર્મેટમાં નવો વિશ્વવિક્રમ રચ્યો ત્યારે રવિવારે લખનઊની ટીમ 156 રનનો સાધારણ લક્ષ્યાંક પણ નહોતી મેળવી શકી અને મૅચને સુપરઓવરમાં લઈ જવી પડી હતી જેમાં લખનઊ (LUKHNOW)એ ફ્લૉપ શૉને લીધે છઠ્ઠો પરાજય જોવો પડ્યો હતો. કૅપ્ટન રિષભ પંત (42 રન, 38 બૉલ, એક સિક્સર, ચાર ફોર) ફરી એક વખત નબળું રમ્યો હતો. બીજી જીત મેળવનાર કોલકાતા (Kolkata)ના બોલર્સને લખનઊના બૅટ્સમેનો લડત આપવામાં નિષ્ફળ ગયા હતા. માર્કરમે ફક્ત 31 રન તથા બદોનીએ 24 રનનું યોગદાન આપ્યું હતું. રિન્કુ સિંહે (83 અણનમ, 51 બૉલ, પાંચ સિક્સર, સાત ફોર) કોલકાતાની ઇનિંગ્સની છેલ્લી ઓવરમાં ઉપરાઉપરી ચાર છગ્ગા સાથે જે ધમાલ મચાવી એ છેવટે લખનઊને ભારે પડી હતી. વૈભવ અરોરા તથા વરુણ ચક્રવર્તીએ બે-બે વિકેટ લીધી હતી. લખનઊના પેસ બોલર મોહસિન ખાન (4-1-23-5)નો વિક્રમી પર્ફોર્મન્સ પાણીમાં ગયો હતો.
PTI
પૉવેલને કૅચ ઝીલતી વખતે ઈજા
કોલકાતાના રૉવમૅન પૉવેલને લખનઊના મિચલ માર્શનો ડાઇવિંગ કૅચ ઝીલતી વખતે ઈજા થઈ હતી. માર્શે ફક્ત બે રન બનાવ્યા હતા. તે વૈભવ અરોરાના બૉલમાં પૉવેલના હાથમાં કૅચઆઉટ થયો હતો.
ચાર કરોડવાળા મોહસિનની વિક્રમજનક પાંચ વિકેટ
કોલકાતાએ બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં સાત વિકેટે 155 રન બનાવ્યા. કોલકાતાએ બીજી જ ઓવરમાં વિકેટ ગુમાવી દીધી. ઓપનર ટિમ સિફર્ટ (0) પોતાના ત્રીજી બૉલમાં મોહસિન ખાનના બૉલમાં એક્સ્ટ્રા કવરના સ્થાને ઊભેલા મુકેશ ચૌધરીને કૅચ આપી બેઠો હતો. મૂળ ઉત્તર પ્રદેશના લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર અને લખનઊ સુપર જાયન્ટ્સ વતી રમતા મોહસિન ખાને લખનઊના સ્ટેડિયમમાં ધમાલ મચાવી દીધી હતી. તેણે કોલકાતાની ટીમને મોટી મુસીબતમાં મૂકી દીધી હતી. કોલકાતાએ પહેલી 12 ઓવરમાં માત્ર 77 રનમાં જે છ વિકેટ ગુમાવી એમાંથી પાંચ વિકેટ મોહસિને લીધી. તે આ વખતની આઇપીએલમાં એક મૅચમાં પાંચ વિકેટ લેનાર પ્રથમ બોલર છે. 27 વર્ષનો મોહસિન 2022ની સાલથી આઇપીએલમાં લખનઊ વતી રમે છે. તેને આ ફ્રૅન્ચાઇઝી 2026ની સીઝન રમવાના ચાર કરોડ રૂપિયા આપશે.
PTI
રઘુવંશીએ બૉલ રોક્યો, આઉટ અપાયો
કોલકાતાની ત્રીજી વિકેટ અંગક્રિશ રઘુવંશીની હતી જેને `ઑબ્સ્ટ્રક્ટિંગ ધ બૉલ'ની અપીલમાં અમ્પાયરે આઉટ આપ્યો હતો. પેસ બોલર પ્રિન્સ યાદવની એક ઓવરમાં રઘુવંશીએ બૉલને મિડ-ઑન તરફ ધકેલ્યો અને રન લેવા દોડ્યો ત્યારે કૅમેરન ગ્રીને તેને પાછો મોકલ્યો હતો. જોકે રઘુવંશી ડાઇવ મારીને ક્રીઝમાં પાછો આવી રહ્યો હતો ત્યારે તે તેના સ્ટમ્પ્સ પર થ્રો કરનાર મોહમ્મદ શમી માટે વિઘ્ન બન્યો હતો. શમીનો બૉલ રઘુવંશીના શરીરને વાગ્યો હતો. રઘુવંશીએ શમીના થ્રોમાં બૉલ સ્ટમ્પ્સમાં જતો રોકવાનો પ્રયાસ કર્યો એવી ખુદ શમી અને લખનઊની ટીમની અપીલને પગલે રઘુવંશીએ દલીલો કરી હતી, પરંતુ થર્ડ અમ્પાયર રોનક પંડિતે રઘુવંશીને આઉટ જાહેર કર્યો હતો. રઘુવંશીએ ગુસ્સામાં પોતાની હેલ્મેટ નીચે પછાડી હતી. કોલકાતાનો હેડ-કોચ અભિષેક નાયર ફોર્થ અમ્પાયર સાથે દલીલ કરતો જોવા મળ્યો હતો. કૅમેરન ગ્રીન (ત્રણ સિક્સરની મદદથી 34 રન)ને બાદ કરતા આઉટ થયેલા રહાણે, સિફર્ટ, રઘુવંશી, પૉવેલ સહિત કોલકાતાના બીજા પાંચમાંથી એકેય ખેલાડી 10 રનનો આંકડો પણ નહોતો વટાવી શક્યો.
રિન્કુની ચાર બૉલમાં ચાર સિક્સર, કોલકાતાના 7/155
લખનઊમાં કોલકાતાએ યજમાન લખનઊની ટીમ સામે એકંદરે ખરાબ બૅટિંગ પ્રદર્શન કર્યું, પરંતુ ઇનિંગ્સની અંતિમ ઓવર કે જે સ્પિનર દિગ્વેશ રાઠીએ કરી હતી એમાં રિન્કુ સિંહે (83 અણનમ, 51 બૉલ, પાંચ સિક્સર, સાત ફોર) ઉપરાઉપરી ચાર બૉલમાં (શરૂઆતમાં બે વાઇડ પડ્યા બાદ બીજા, ત્રીજા, ચોથા, પાંચમા બૉલમાં) ચાર છગ્ગા ફટકારીને હજારો પ્રેક્ષકોને રોમાંચિત કરી દીધા હતા. રિન્કુ રવિવારે અસલ ફૉર્મમાં જોવા મળ્યો.
સોમવારે કઈ મૅચ?
દિલ્હી વિરુદ્ધ બેંગ્લૂરુ
દિલ્હીમાં, સાંજે 7.30